કૅવૅફી – કૉન્સ્ટેન્ટાઇન

January, 2008

કૅવૅફી, કૉન્સ્ટેન્ટાઇન (જ. 17 એપ્રિલ 1863, ઍલેક્ઝાન્ડ્રિયા, ગ્રીસ; અ. 29 એપ્રિલ 1933, ઍથેન્સ) : ગ્રીક કવિ. પિતાનું નામ પીટર જ્હૉન. નાનપણમાં કૅવૅફી ઘરે જ ફ્રેંચ અને અંગ્રેજી ભણ્યા. પછી ઇતિહાસનો તથા દાન્તેની કવિતાનો અભ્યાસ કર્યો. બાઇઝેન્ટાઇન અને હેલેનિક ઇતિહાસ તથા સાહિત્યનો તેમણે સઘન અભ્યાસ કર્યો. તે પ્રાચીન-અર્વાચીન ગ્રીક ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન, લૅટિન અને અરબી ભાષાઓ જાણતા હતા. 1895માં પોતાનાથી સાત વર્ષ નાના પેરિક્લિસ ઍનેસ્ટેસિયાડિસ સાથે કૅવૅફીની મુલાકાત થાય છે. બંને ગાઢ મિત્રો બને છે. આ મૈત્રી કૅવૅફીની કવિતા માટે ઉપકારક નીવડે છે.

કૉન્સ્ટેન્ટાઇન કૅવૅફી

1904માં 42 વર્ષની ઉંમરે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કૅવૅફીનાં કાવ્યો યુરોપની અન્ય ભાષાઓમાં અનુવાદિત પણ થાય છે. મૃત્યુ પછી બે વર્ષે 1935માં તેમનાં કાવ્યોનો સંચય પ્રસિદ્ધ થાય છે. ગ્રીકેતર વિશ્વમાં કૅવૅફીની કવિતાને જાણીતી કરવાનું મોટું શ્રેય તેના મિત્ર ઍનેસ્ટેસિયાડિસને ફાળે જાય છે. કૅવૅફીની કવિતાને અંગ્રેજી વાચકો સમક્ષ પહેલવહેલી લઈ આવવાનું કામ ફૉર્સ્ટર કરે છે.

1922માં નોકરીમાંથી નિવૃત્ત થયા પછી કૅવૅફી પોતાનો સમય વાચન-લેખનમાં પસાર કરવા લાગે છે. 1932માં તેમનામાં કૅન્સરનાં લક્ષણો જોવા મળે છે. 4 જુલાઈના રોજ તેમને ઍથેન્સની રેડક્રૉસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઑપરેશન સફળ થવા છતાં કવિ વાચા ગુમાવે છે અને છેવટે અવસાન પામે છે.

કૅવૅફીનાં ઉત્તમ આરંભિક કાવ્યો પર કેવળ ઉદાસીનતાનું તત્વ પ્રભુત્વ ધરાવે છે. આ કાવ્યોમાં યથાર્થ ગુણનો આછો રણકાર સાંભળી શકાય છે. કૅવૅફીની ઉદાસીનતા જે આનંદ અનુભવ્યો નથી કે જેનો અનુભવ ભવિષ્યમાં પણ શક્ય નથી તેના વિચારમાંથી ઉદભવે છે.

કવિ પોતાની જાતને અસ્તવ્યસ્ત સમાજથી અલિપ્ત જુએ છે; પોતે કંઈક ચડિયાતો છે એવી લાગણી અનુભવે છે અને સમાજ પ્રત્યે પોતાની કોઈ જવાબદારી સ્વીકારતા નથી.

મિશ્ર જાતિઓમાં અને મિશ્ર ભાષાઓમાં, ખ્રિસ્તી દેવળો અને વિનષ્ટ મંદિરોમાં, બંદરગાહોની ચહલપહલમાં અને સમકાલીન બજારો અને બજાર-સોદાઓમાં પ્રાચીન પ્રજાઓ અને વિલુપ્ત ક્રિયાકાંડો, પેગન પાદરી અને રોમન સૈનિકની પ્રસુપ્ત સ્મૃતિને જાગ્રત કરવાની કૅવૅફીમાં પર્યાપ્ત શક્તિ હતી.

ઍલેક્ઝાન્ડ્રિયાના આ વિશ્વમાં કૅવૅફી પોતાની જાતને પ્રગટ કરી શકે છે. કવિ એમાંથી એક પુરાકલ્પન સર્જે છે, તે તેમની અંગત અને સર્વકાલીન માનવપરિસ્થિતિને સાતત્ય અને સ્વરૂપ પ્રદાન કરે છે. કૅવૅફી પોતાને પીડતી સમસ્યાઓથી દૂર ભાગતા નથી, પરંતુ વર્તમાનને વધારે નિકટતાથી પામવા ભૂતકાળનો ઉપયોગ કરે છે. કવિ ભૂતકાળને સાંપ્રતમાં પલટી નાખીને પરંપરાગત ઇતિહાસનો છેદ ઉડાવી દે છે. તે ભૂતકાળના ચોક્કસ પ્રસંગો અને ઘટનાઓ તથા સમયની ચોક્કસ ક્ષણોને પકડે છે અને તેને પુનર્જીવિત કરે છે, કેમ કે તેમાં કવિને સદા ઉપસ્થિત એવાં માનવનાટકનાં પરિમાણો મળી આવે છે.

સજાતીય પ્રેમનું નિરૂપણ કરતાં કાવ્યોમાં પ્રણયમાં બદલાતાં પાત્રો, એકદમ ઓચિંતા તૂટી જતા સંબંધો, દિવસો સુધી વરતાતો અજંપો, તમાકુહાટમાં, શરાબખાનામાં, બંધ ઘોડાગાડીમાં કે રૂમાલોની દુકાનોમાં થતા સ્પર્શના સુખાનુભવ ગુનાહિત વૃત્તિ સાથે આલેખાયા છે. આ કાવ્યોમાં કૅવૅફીએ સત્યને સાક્ષીભાવે પ્રગટવા દીધું છે.

કૅવૅફીનાં અનેક કાવ્યોમાં માનવસ્થિતિની નિ:સારતા, નસીબ અને મૃત્યુ સામે ઝઝૂમવાની તેની અસમર્થતા વ્યંગસભર ભાષામાં વ્યક્ત થઈ છે. સૉલૉમૉસ, પાલામાસ, સીકેલિયાનોસ જેવા સમર્થ ગ્રીક કવિઓથી વિષયવસ્તુ, રચનારીતિ તથા કાવ્યભાષા ¾ ત્રણે ર્દષ્ટિએ પોતાની આગવી કેડી કંડારનાર કૅવેફી માત્ર ગ્રીસના જ નહિ, સમગ્ર વિશ્વના ગણનાપાત્ર આધુનિક કવિ છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ