કૅલિડોસ્કૉપ

January, 2008

કૅલિડોસ્કૉપ : એકબીજા સાથે જોડેલા કે ઢળતા રાખેલા અરીસા અનેક પ્રતિબિંબો રચે છે તે ગુણધર્મને પ્રદર્શિત કરતું મનોરંજન માટેનું રમકડું. તેની શોધ સર ડૅવિડ બ્રૂસ્ટરે 1816ની આસપાસ કરી હતી અને 1817માં તેનો પેટન્ટ મેળવ્યો હતો.

કૅલિડોસ્કૉપ

બે અરીસાને 90°ને ખૂણે (કાટખૂણે) રાખી તેમની વચ્ચે કોઈ વસ્તુને રાખતાં, દરેક અરીસા વડે તેનું પ્રતિબિંબ રચાય છે. ઉત્પન્ન થતું પ્રત્યેક પ્રતિબિંબ, ફરીથી અરીસા વડે પરાવર્તન પામી, એક જ વસ્તુના સમાકૃત (symmetrical) ગોઠવેલાં 4 પ્રતિબિંબ ઉપજાવે છે. આમ એક વસ્તુને બદલે સમાકૃત ગોઠવેલી ચાર વસ્તુઓ (પ્રતિબિંબ) જણાય છે. જો અરીસા વચ્ચેનો ખૂણો 60°નો હોય તો સમાકૃત ષટ્કોણીય (hexagonal) ભાત ઉત્પન્ન થઈ, એક વસ્તુને બદલે નિયમિત અંતરે ગોઠવાયેલી 6 વસ્તુઓ (પ્રતિબિંબ) મળે છે.

કૅલિડોસ્કૉપની રચનામાં – ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી – ખગોળીય દૂરબીન (terrestrial telescope) આકારની આશરે 30 સેમી. લાંબી પૂંઠાની કે પતરાની નળી હોય છે. તેમાં અરીસા(અથવા કાચ)ની ફાચર આકારની (wedge-shaped) બે પાતળી પટ્ટીઓ, તેમની સામાન્ય ધાર એકબીજીને અડકીને રહે તેમ 60°ને ખૂણે ઢળતી રાખવામાં આવે છે. સાંકડા છેડેથી નળીની અંદર જોઈ શકાય છે. પહોળા છેડા તરફ કાચની બે સપાટ તકતીઓની બનેલી એક નાની ડબ્બી હોય છે; જેનો બહારની તરફનો કાચ ઘસેલો ખરબચડો (ground glass) હોય છે. આ ડબ્બીમાં બંગડીના રંગીન ટુકડા કે રંગીન મણકા રાખવામાં આવે છે. આ રમકડાને તેના અક્ષ ઉપર ગોળ ગોળ ફેરવતાં આ ટુકડા કે મણકા ગબડી જઈને, યાર્દચ્છિક રીતે ગોઠવાઈને જાતજાતની સુંદર સમાકૃત ડિઝાઇન ઉત્પન્ન કરે છે. આ કારણે ડિઝાઇનનું આયોજન કરનાર ડિઝાઇનર માટે કૅલિડોસ્કૉપ એક ઉપયોગી સાધન છે.

જશભાઈ જી. પટેલ

એરચ મા. બલસારા