કૅરમ : ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત. કૅરમ બોર્ડ 76.20 સેમી. સમચોરસ લીસી સપાટીનું હોય છે, જેના ચારેય ખૂણે કૂટીઓ ઝીલવાનાં પૉકેટ હોય છે અને મધ્યમાં 15.24 સેમી. વ્યાસનું મોટું વર્તુળ અને તેની અંદર કૂટીના માપનું નાનું વર્તુળ હોય છે. 9 કાળી, 9 સફેદ અને 1 રાતી એમ કુલ 19 કૂટીઓ તથા 1 સ્ટ્રાઇકર વડે આ રમત રમાય છે.

સિંગલ્સની રમતમાં બંને રમનારા બોર્ડની સામસામે બેસે છે અને ડબલ્સની રમતમાં દરેક જોડીદાર સામસામે બેસે છે. બોર્ડ પર બધી કૂટીઓ ગોઠવાતાં રમત શરૂ થાય છે અને જમણેથી ડાબી તરફ આવર્તન મુજબ દરેક જણ પોતાની વારી આવતાં સ્ટ્રાઇકરને આંગળી વડે ઠોકર મારી પોતાના પક્ષની કૂટીઓને બોર્ડના સામેના ખૂણે પૉકેટમાં પ્રતિપક્ષ કરતાં વહેલી મોકલી આપવા પ્રયત્ન કરે છે. દરેક રાઉન્ડને અંતે જે પક્ષની જેટલી કૂટીઓ પૉકેટમાં ગઈ ન હોય તેટલા પૉઇન્ટ્સ સામા પક્ષને મળે છે અને પોતાની બધી કૂટીઓ પૉકેટમાં જાય તે પહેલાં રાતી કૂટી નિયમસર પૉકેટમાં મોકલી આપે તો પાંચ વધારાના પૉઇન્ટ્સ મળે છે. જો કૂટીને બદલે સ્ટ્રાઇકર પૉકેટમાં જાય તો ડ્યૂ થાય છે. જે પક્ષના 29 પૉઇન્ટ્સ વહેલા થાય તે વિજયી ગણાય છે.

ચિનુભાઈ શાહ