કૅમ્યૂ, આલ્બેર (જ. 7 નવેમ્બર 1913, મંડોવી, અલ્જીરિયા; અ. 4 જાન્યુઆરી 1960, સાંસ, ફ્રાન્સ) : વીસમી સદીના એક અગ્રણી યુરોપીય સાહિત્યકાર. તેમનાં સર્જનોમાં સમસામયિક જીવનના પ્રશ્નોના વિશ્લેષણ દ્વારા જનસમાજને તેના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો પ્રયત્ન કરાયો છે, જે ધ્યાનમાં લઈને તેમને 1957માં નોબેલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં કૅમ્યૂના પિતા માર્યા ગયા હતા. માતાએ કૅમ્યૂના ઉછેર અને કેળવણી પાછળ ખંતથી ધ્યાન આપ્યું. અલ્જીરિયાના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી તેમણે ફિલસૂફીની ડિગ્રી મેળવી. અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવાની કૅમ્યૂની તીવ્ર ઇચ્છા હતી પણ માંદગીને કારણે અભ્યાસ પડતો મૂક્યો. ફ્રાન્સ પર નાઝી દળોનો અંકુશ હતો ત્યારે કૅમ્યૂ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા અને ‘કૉમ્બટ’ નામના સામયિકનું સંચાલન કરતા, જેમાં તેમના સામાજિક-રાજકીય નિબંધો પ્રગટ થયેલા.  પત્રકાર, હવામાનશાસ્ત્રી, શૅરદલાલ તેમજ થિયેટરના સંચાલક તરીકે કૅમ્યૂએ કામ કર્યું છે. તેમનો મુખ્ય રસ રંગમંચના ટૅક્નિકલ પ્રશ્નોને ઉકેલી તત્કાલીન રંગમંચને એક વૈજ્ઞાનિક ભૂમિકા પર મૂકી આપવાનો હતો.

આલ્બેર કૅમ્યૂ

ઉત્તર આફ્રિકાની રાજકીય-સામાજિક પરિસ્થિતિને આવરતા તેમના નિબંધો બે ગ્રંથોમાં સંગ્રહાયા છે. ‘ધ પ્લેગ’ નામના નાટકનું વસ્તુ ઉત્તર આફ્રિકામાં ફાટી નીકળેલા પ્લેગ પર આધારિત છે. સ્પેન, ચેકોસ્લોવાકિયા, ઇટાલી આદિ દેશોમાં ઘૂમીને કૅમ્યૂ 1939માં પૅરિસમાં સ્થાયી થયા. સમાજ અને રાજકારણમાં પ્રવર્તતી અનૈતિક પ્રવૃત્તિઓનો સામનો કરવા રચાયેલ પ્રતિકાર આંદોલનના તે અગ્રણી હતા. તેમની કૃતિ ‘ધ રેબેલ’નો નાયક ક્રાંતિકારી જીવનર્દષ્ટિનો હિમાયતી છે. કૅમ્યૂની ર્દષ્ટિએ કોઈ પણ સમાજની સુર્દઢતા તેણે કેળવેલા નીતિમત્તાનાં ધોરણો પર નિર્ભર છે. આથી કૅમ્યૂ પોતાનો ઉલ્લેખ ફિલસૂફ તરીકે નહિ પણ નીતિજ્ઞ (moralist) તરીકે કરતા. ‘ધ આઉટસાઇડર’ તેમની વિખ્યાત નવલકથા છે. કૃતિનો નાયક લૂણો લાગેલા એક એવા સમાજમાં આવી પડ્યો છે જ્યાં તે ગોઠવાઈ શકતો નથી. તે એક આગંતુક બની રહે છે. ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ નામના નિબંધમાં કૅમ્યૂએ માનવજીવનની નિરર્થકતાની વાત પ્રસિદ્ધ પૌરાણિક કલ્પન દ્વારા સૂચવી છે. સિસિફસ ખભા ઉપર પથ્થર ટેકવી ટેકરીની ટોચ પર આવે છે ત્યાં જ પથ્થર નીચે ગબડી પડે છે. પુન: તે પથ્થર ટેકરી પર લઈ જાય છે. પુન: તે ગબડી પડે છે. આમ આ નિરર્થક ક્રિયા વણથંભી ચાલ્યા કરે છે. અસંગતતા તથા નિરર્થકતા (absurdity) કૅમ્યૂના સાહિત્યનો એક મુખ્ય વિષય છે. આપઘાત બીજો મુખ્ય વિષય છે, જે કૅમ્યૂની કૃતિઓના કથાકેન્દ્રમાં વણાયેલ છે. બૌદ્ધિક ર્દષ્ટિએ વિશ્વ અગ્રાહ્ય છે એટલે કે વિશ્વસમાજમાં નરી અસંગતતા છે – નિરર્થકતા છે. કૅમ્યૂ ફરી ફરીને આ વિષયને કૃતિબદ્ધ કરે છે. ‘ધ ફૉલ’ આત્મચરિત્રાત્મક એકોક્તિ છે. ફૉકનર અને દૉસ્તૉયેવ્સ્કીની નવલકથાનું કૅમ્યૂએ નાટ્યરૂપાંતર કરેલું છે. કૅમ્યૂની ગણના પ્રસિદ્ધ ફ્રેન્ચ ગદ્યસ્વામીઓમાં થાય છે. યુરોપીય બૌદ્ધિકવાદના આધુનિક પ્રણેતાઓમાંના એક કૅમ્યૂ છે, જેના મૂળમાં નીતિવિષયક ફિલસૂફીવિષયક ધોરણો રહેલાં હોય તેને તે યથાર્થ સાહિત્ય ગણે છે.

નલિન રાવળ