કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella)

January, 2008

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella) (જ. 11 મે 1916, આઇરિઆ, ફ્લાવિઆ, સ્પેન અ. 17 જાન્યુઆરી 2002, મેડ્રિડ) : સ્પૅનિશ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને કવિ. તેમને સંયમિત સહાનુભૂતિ સાથે મનુષ્યની આંતરિક નબળાઈને પડકારતી દૃષ્ટિ પ્રદાન કરતા તેમના સમૃદ્ધ અને અર્થપૂર્ણ ગહન ગદ્ય માટે 1989નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

જોઝે સેલા કૅમિલો

કૅમિલો જોઝે સેલાએ સ્પેનિશ સાહિત્યને નવજીવન પ્રદાન કર્યું છે. તેમનું સાહિત્યસર્જન પ્રયોગશીલતા માટે ઓળખાય છે. તેમના સાહિત્યમાં સ્વરૂપ અને વિષયવસ્તુનું નાવીન્ય છે. કેટલાક વિવેચકોએ તેમને પ્રભાવશાળી કથનશૈલી માટે નવાજ્યા છે. સેલા સ્પૅનિશ સિવિલ વૉર (1936–39) પહેલા અને પછી યુનિવર્સિટી ઑવ્ મેડ્રિડમાં હતા. એ દરમિયાન તેમણે ફ્રાન્કોની સેનામાં સેવાઓ આપી હતી. તેમની પ્રથમ નવલકથા ‘The Family of Pascual Duarte’ (1942)થી જ તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા. આ નવલકથાને કારણે તેમને યુરોપિયન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. આ નવલકથા અત્યંત લોકપ્રિય રહી તેમજ તેને કારણે તેમને નિર્ણાયક સફળતા મળી. તેમની બીજી નવલકથા ‘The Hive’ (1951)માં ખંડિત ઘટનાક્રમ અને વિવિધ પાત્રોની ભૂમિકાઓ સાથેની યુદ્ધ પછીના મેડ્રિડની નવીન કથા છે. જેના સેલાને વિશેષ લોકપ્રિયતા અને ખ્યાતિ થયેલી. આ ઉપરાંત તેમની ખૂબ જાણીતી નવલકથાઓમાં ‘San Camilo, 1936’ (1969) જેમાં સતત ચેતનાનો પ્રવાહ વહે છે. ત્યારપછીની નવલકથાઓ ‘Christ Versus Arizona’ (1988) અને એમની નવલકથા-ત્રયી ‘Mazurka for Two Dead People’ (1983), ‘St.Andrew’s Cross’ (1994) અને ‘Boxwood’ (1999) વગેરે નોંધપાત્ર છે.

સેલાની સૂક્ષ્મ અવલોકનની અને કૌશલ્યની તીવ્ર શક્તિઓ તેમના પ્રવાસવર્ણનોનાં પુસ્તકોમાં જોવા મળે છે. તેમના સૌથી વધુ મહત્વના પ્રવાસગ્રંથોમાં ‘Journey to the Alcarria’ (1948), ‘From the Mino to the Bidasoa’ (1952) અને ‘Jews, Moors and Christians’ (1956) વગેરેનો સમાવેશ થાય છે. તેમની ટૂંકીવાર્તાઓ ‘The Passing Clouds’ (1945)માં ગ્રંથસ્થ છે. તેમની કૃતિ ‘The Windmill and Other Short Fiction’(1956)માં તેમની ચાર લઘુનવલ છે. સેલાએ નિબંધો, કવિતાઓ અને સંસ્મરણો પણ લખ્યાં છે. પછીનાં વર્ષોમાં તેઓ અવારનવાર ટેલિવિઝનમાં પણ કાર્યક્રમો આપતા.

1955માં સેલા માજોર્કામાં સ્થાયી થયા. 1957માં તેઓ સ્પૅનિશ એકૅડેમીના સભ્ય થયેલા. તેમણે પુસ્તકોની સુંદર આવૃત્તિઓ પ્રકાશિત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમના સમગ્ર સાહિત્યનું પ્રકાશન કરવાનું પણ શરૂ કરેલું.

ઊર્મિલા ઠાકર