કૅન : ભૂમધ્ય સમુદ્રના કિનારે દક્ષિણ ફ્રાન્સનું રિવિયેરામાં નીસથી 19 કિમી. દૂર આવેલ સહેલાણીઓ માટેનું પ્રખ્યાત પ્રવાસધામ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 43° 42′ ઉ.અ. અને 7° 15′ પૂ.રે. નીસ પછીનું ફ્રાન્સનું તે બીજા નંબરનું પ્રવાસધામ મનાય છે. આલ્પ્સ પર્વતમાં આવેલું આ રમણીય સ્થાન મૂળ માછીમારોનું ગામડું હતું. દરિયાકિનારે ઊગતા નેતર જેવા બરુના છોડો(reeds)ને કારણે આ શહેરને આ નામ મળ્યું છે. અહીં લિગ્યુરિયન આદિવાસીઓ, ફોસિયન, કેલ્ટ (ગૉલ) અને રોમન લોકો ક્રમશ: વસ્યા હતા. ચોથી સદીથી તે લરાઇનના સાધુઓના રક્ષણ નીચે હતું અને બારમી સદીમાં મુસ્લિમ આક્રમણ સામે બચવા માટે તેઓએ શહેર ફરતો કોટ બંધાવ્યો હતો.

રેતાળ દરિયાકિનારો અને આહલાદક આબોહવા સહેલાણીઓને આકર્ષે છે. શિયાળામાં 10° સે. તાપમાન રહે છે, જ્યારે ઉનાળો સૂકો હોય છે. શિયાળામાં વરસાદ પડે છે. આ પ્રદેશ ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળો હોવાથી અહીં ફળફૂલોની વિપુલતા જોવા મળે છે. લીંબુ, ઑલિવ, અંજીર, પીચ અને દ્રાક્ષની વાડીઓ છે. સુંદર આલીશાન હોટેલો, બગીચાઓ, સુંદર સજાવટવાળી દુકાનો, બારમી સદીનું નોત્રદામ દ એસ્પેરન્સનું દેવળ, ગ્રાફિક કલાનાં ચિત્રો અને શિલ્પોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન, લરાઇન ટાપુ ઉપરનો પાંચમી સદીનો પ્રાચીન મઠ, સાંતૉનૉરા ટાપુ ઉપર 1088માં બંધાયેલ દુર્ગ (castle), 1070થી 1385 દરમિયાન મૉન્ટ શેવલિયેની ટોચે બંધાયેલ શેટો-દે સ-એબ્ઝ દ લરાઇન, યુદ્ધવીરોનું સ્મારક, દરિયાની ભેખડો ઉપર ઝળૂંબતી હોટેલ દ વિલા, અમીરોના પ્રાચીન ગ્રામઆવાસો વગેરે સહેલાણીઓને આકર્ષે છે. અહીં 1946થી આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ઊજવાય છે અને ઉત્કૃષ્ટ ચલચિત્રને ‘સોનેરી તાડ’નું પ્રતીક કદરરૂપે અપાય છે. પ્રવાસન મુખ્ય ઉદ્યોગ છે. પરાંઓમાં ધાતુ ઉપર આધારિત ભારે ઉદ્યોગો તથા રસાયણ, અત્તર, વિમાન અને વહાણોનું બાંધકામ, મત્સ્ય વગેરેને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. 2015 મુજબ તેની વસ્તી 1.06 લાખ જેટલી છે.

 શિવપ્રસાદ રાજગોર