કૅનામાઇસીન : ક્ષય તથા ગ્રામ-પૉઝિટિવ, ગ્રામ-નેગેટિવ જીવાણુઓ સામે અસરકારક પ્રતિજીવીઓનો સમૂહ. જાપાનના નાગારોવ પ્રાંતની જમીનના ખેડાણરૂપ સંવર્ધ(culture-broth)માં રહેલા સ્ટ્રેપ્ટોમાઇસસ કૅનામાઇસેટીન નામના જીવાણુઓમાંથી 1957માં ઉમેઝાવા નામના વૈજ્ઞાનિકે આ સમૂહ શોધી કાઢ્યો. કૅનામાઇસીન A, B તથા C એમ ત્રણ પ્રકારના જાણીતા છે. આયન-વિનિમય તથા પેપર વર્ણપટથી આ પ્રકારો શોધવામાં આવ્યા. તેના ઘટકો છૂટા પાડવા માટે પ્રતિ-પ્રવાહ વિતરણ (counter current distribution) પદ્ધતિ વપરાય છે. કૅનામાઇસીન A આ સમૂહનો મુખ્ય ઘટક છે.

કૅનામાઇસીન અંત:સ્નાયુવી : અંત:ક્ષેપણ (intramuscular injection) દ્વારા શરીરમાં ઝડપથી શોષાય છે. જ્યારે મોં વાટે શોષણ ખૂબ ઓછા પ્રમાણમાં અને ધીમું થાય છે. તે કોઈવાર અંશત: સ્વયંવિષાળુતા દર્શાવે છે. પરંતુ પૂરતી સાવધાનીથી લેતાં સ્ટેફાઇલોકૉકસ ચેપ સામે પ્રતિકારક તરીકે ખૂબ ઉપયોગી છે. ક્ષય માટે તે પ્રતિજીવી સમૂહનાં બીજાં ઔષધો જેટલું અસરકારક નથી. કૅનામાઇસીન સલ્ફેટ તરીકે મુખ વાટે તેમજ ઇન્જેક્શન દ્વારા લેવાય છે. મોં વાટે તે કોઈવાર યકૃત-સંમૂર્ચ્છા (hepatic coma) સામે વપરાય છે.

જ. પો. ત્રિવેદી