કૃષ્ણમૂર્તિ યામિની

January, 2008

કૃષ્ણમૂર્તિ યામિની : વિખ્યાત ભારતીય નૃત્યકલાકાર. તેમના પિતા પ્રો. કૃષ્ણમૂર્તિ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. મૂળે તે આંધ્રપ્રદેશના મદનાપલ્લી ગામના વતની.

યામિની કૃષ્ણમૂર્તિ

બાલ્યકાળથી યામિનીનો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો હતો. પાંચ સંતાનોમાં યામિની સૌથી મોટાં. બે ભાઈઓ તથા બીજી બે નાની બહેનો હતી. યામિનીને બાલ્યકાળથી જ નૃત્યની નૈસર્ગિક બક્ષિસ હતી. એટલે પાંચ વર્ષની વયથી જ પ્રો. કૃષ્ણમૂર્તિએ યામિનીને ભરતનાટ્યમ્ નૃત્યનું શિક્ષણ આપવાનો પ્રબંધ કર્યો હતો. ત્યારપછી યામિનીએ રુક્મિણીદેવી સંચાલિત સંસ્થા ‘કલાક્ષેત્ર’માં ભરતનાટ્યમ્ નૃત્યની પદ્ધતિસરની તાલીમ લીધી. ભરતનાટ્યમના છ વર્ષના અભ્યાસક્રમને અંતે ભારત સરકારની ત્રણ વર્ષની શિષ્યવૃત્તિ મેળવી તાંજોરના કીટપ્પા પીલ્લૈ અને કાંજીવરમના એલપ્પા પીલ્લૈ પાસે ભરતનાટ્યમનું વધુ શિક્ષણ લીધું.

ભરતનાટ્યમ્ ઉપરાંત આંધ્રપ્રદેશના નૃત્યપ્રકાર કુચીપુડીનું શિક્ષણ પણ યામિનીએ ત્યાંના વિખ્યાત ગુરુ વેદાન્તમ્ લક્ષ્મીનારાયણ શાસ્ત્રી પાસે લીધું. કુચીપુડી ગામના પાશુમૂર્તિ વેણુગોપાલ કૃષ્ણશર્મા નૃત્યાચાર્ય પાસે પણ યામિની કુચીપુડી નૃત્યની અનેક ચીજો શીખ્યાં. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કુચીપુડી નૃત્યપ્રકારોને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી પણ ઘણું પ્રોત્સાહન મળ્યું. મૂળે નૃત્યનાટિકા સ્વરૂપે કુચીપુડી નૃત્ય-નાટ્ય ગામડાંમાં રજૂ થતું. નૃત્યનાટિકાના કેટલાક અંશો, જેવા કે પાત્રપ્રવેશ, દરૂ અને નાયિકાનો સંગીતમય અભિનય તથા રંગપ્રવેશ જેવા પ્રસંગો એકલનર્તન(solo dance)રૂપે નૃત્યાંગનાઓ રજૂ કરવા લાગી. આમ કુચીપુડીમાં ભરતનાટ્યમ્ તથા કથક નૃત્યની જેમ એકલનર્તનનું રૂપ વિકસ્યું. યામિનીનો તેમાં ઘણો મોટો ફાળો છે અને કુચીપુડી નૃત્યને લોકપ્રિય કરવામાં તેમનું પ્રદાન મહત્વનું છે.

યામિનીએ ઋગ્વેદની ઋચાઓને આધારે ઉષાસૂક્ત, રાત્રીસૂક્ત ઇત્યાદિ રચનાઓ પણ ભરતનાટ્યમ્ પ્રકારમાં રજૂ કરી છે, પરંતુ વિશેષત: યામિની એકલનર્તન માટે જાણીતાં છે. તેમનાં નૃત્યોમાં વીજળીસમ ચપળતા, જોશ અને લાવણ્ય જોવા મળે છે. તેમને સંગીતનું ઊંડું જ્ઞાન છે તથા તેલુગુ, તમિળ અને સંસ્કૃત ભાષાઓ પર તે સારું પ્રભુત્વ ધરાવે છે. નૃત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ ભારત સરકાર તરફથી યામિનીને પદ્મશ્રી તથા કેન્દ્રીય સંગીત નાટક અકાદમી તરફથી એકૅડેમી ઍવૉર્ડ મળ્યા છે. તિરુપતિ દેવસ્થાન, આંધ્રપ્રદેશ તરફથી તેમને આસ્થાન વિદુષી નૃત્યાંગના તરીકે સન્માન પ્રાપ્ત થયું છે.

તે દિલ્હીમાં ‘કૌસ્તુભ’ નામે નૃત્યના વર્ગો ચલાવે છે અને યુવાપેઢીને તેમની નૃત્યકળાનો વારસો આપી રહ્યાં છે. તેમણે અંગ્રેજીમાં નાટ્ય પર પુસ્તિકા લખી છે અને કોલકાતા રાઇટર્સ વર્કશૉપ તરફથી પી. લાલે તેમનો અંગ્રેજી કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો છે. તેમણે દૂરદર્શન માટે નૃત્યવિષયક ફિલ્મ બનાવી છે. યામિની વિશે ફિલ્મસ્ ડિવિઝને દસ્તાવેજી ફિલ્મ બનાવી છે.

સુનિલ કોઠારી