કૃત્રિમ ઉપાંગયોજન (prosthesis) : કુદરતી અંગ, ઉપાંગ કે શારીરિક ભાગને સ્થાને કૃત્રિમ ઉપાંગ ગોઠવવાની પ્રક્રિયા. જ્યારે શરીરનો કોઈ ભાગ ન હોય ત્યારે તે દુ:ખદાયક સ્થિતિ સર્જે છે અને તેનાથી વિરૂપતા અને હતાશા આવે છે. કુદરતી અપૂર્ણવિકાસ, ઈજા કે રોગને કારણે ક્યારેક શરીરના કોઈ ભાગ હોય તો વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને કૃત્રિમ ઉપાંગ બનાવાય છે. માનવ કે પ્રાણીના શરીરમાં ગેરહાજર ભાગને સ્થાને દેખાવ અથવા દેખાવ તેમજ ક્રિયાની ક્ષતિ પૂરી કરે તેવાં કૃત્રિમ ઉપાંગ બનાવવાના અને તેનો ઉપયોગ કરવાના અભ્યાસને કૃત્રિમોપાંગવિદ્યા (prosthetics) કહે છે. માનવશરીરરચના જાણનાર તથા બીબાં અને ઘાટ ઘડનાર કલાકારને કૃત્રિમોપાંગયોજક (prosthetist) અથવા તબીબી શિલ્પી કહે છે. કૃત્રિમ ઉપાંગનાં મુખ્ય 3 કાર્યો છે : (1) પૂરક અને વર્ધક, (2) અવેજી અને (3) છદ્મ (disguise). તે શરીરના અપૂર્ણ ભાગને પૂર્ણ કરે છે, તેના દેખાવ અને કાર્યમાં વધારો કરે છે, તેનું સ્થાન લે છે અથવા તેની ખોટ છુપાવે છે. તબીબીશાસ્ત્રના લગભગ બધા જ વિભાગોમાં તેનો ઉપયોગ કરાય છે. તે જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકાર, રંગ, કદ અને ક્રિયાશીલતાવાળાં હોય છે. ઘણી વખત તે આબેહૂબ બનેલાં હોય છે. હાલ વિવિધ પ્રકારનાં કૃત્રિમ અંગ-ઉપાંગો મળે છે; દા.ત., આંખ, નાક, કાન, જડબું, હોઠ, હાથ, પગ, આંગળાં, દાંતનું ચોકઠું, હાડકાને સ્થાને વપરાતી ધાતુ કે પ્લાસ્ટિકની સંયોજનાઓ (devices) હૃદય, સ્તન વગેરે. આ ઉપરાંત ચશ્માં, ચાલવામાં મદદરૂપ ઘોડી, વાળ, સ્થિરાંત્ર-છિદ્રણની કોશા (colostomy bag), કૃત્રિમ મૂત્રપિંડ વગેરે જેવી શરીર બહાર રહેતી સંયોજનાઓ પણ શરીરના નાશ પામેલા કે અવિકસિત અંગ-અવયવની ખોટ પૂરે છે.

મોંના ભાગને સ્થાને જ્યારે કૃત્રિમ ભાગ બનાવવાનો હોય ત્યારે તે વિશેષ આવડત, સૂઝ, અનુભવ, સમય અને ધીરજ માંગી લે છે. એક વખત કૃત્રિમ અંગ પહેર્યા પછી વ્યક્તિને જો તે પસંદ પડી જાય તો તેણે કૃત્રિમ અંગ પહેર્યું છે તે પણ ભૂલીને રોજિંદાં કાર્યો કરતી થઈ જાય છે. કૃત્રિમોપાંગયોજનમાં કેટલીક તકલીફો પણ પડે છે; જેમ કે, વ્યક્તિનો એક કાન બનાવવાનો હોય તો બીજા કાનના આકાર/દેખાવ પરથી બનાવવો સહેલો છે; પરંતુ જો તેના બંને કાન બનાવવાના હોય તો તેનાં ભાઈબહેન કે માતાપિતાના કાનનો અભ્યાસ કરીને તે બનાવાય છે. આ માટે વિશેષ અને વિશિષ્ટ કુનેહની જરૂર પડે છે. જન્મથી અવિકસિત કાનવાળી નાની બાળકી જ્યારે બંને કૃત્રિમ કાન પર બુટ્ટી પહેરીને ફરતી થઈ જાય ત્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો કૌશલપૂર્ણ ઉપયોગ પૂર્ણપણે જોઈ શકાય છે. જ્યારે એક જ કાન બનાવવાનો હોય ત્યારે બીજા કાનની છાપ (impression) લઈને તેનો ઉપયોગ કરાય છે. કેટલાક કિસ્સામાં અપૂર્ણ વિકસિત કે કુવિકસિત કાનને શસ્ત્રક્રિયાથી દૂર કરીને અથવા તેને તેમ જ રાખીને તેની ઉપર કૃત્રિમ કાન ચિપકાવી દેવાય છે. જો ચહેરાના કોઈ ભાગ પર દાઝી જવાથી કુરૂપતા આવી હોય તો ત્યાંથી ચામડી બેત્રણ રંગની અને કરચલીઓવાળી થયેલી હોય છે. આવા સમયે દર્દીનો અગાઉનો ફોટો કે તેના જેવા ચહેરાવાળો તેનો કુટુંબીજન મદદરૂપ બને છે.

ઇતિહાસ : ક્લાર્કે 1935થી 1943 દરમિયાન સૌપ્રથમ રબર લેટેક્સમાંથી કૃત્રિમ ઉપાંગો બનાવવા વિશે બે લેખો અને એક પુસ્તક પ્રસિદ્ધ કર્યાં હતાં. ત્યારબાદ તરત બુલબુલિયન અને બ્રાઉને પણ આ વિષય પર પુસ્તકો લખ્યાં હતાં. મૃદુ અવયવોને સ્થાને વાપરી શકાય તેવા વિનાયલ ઑર્ગેનિસૉબ્સ અને પ્લાસ્ટિસૉબ્સ બનાવવાની પદ્ધતિ 1947માં વિકસી. ત્યારપછી નવા વધુ કાર્યક્ષમ અને ઉપયોગી પદાર્થો અને પદ્ધતિઓ વિકસ્યાં. દા.ત., ઍક્રિલિક્સ, મેટેલાઇઝ્ડ ઇપૉક્સિ રેઝિન વગેરે. 1916 પહેલાં ચહેરાનાં કૃત્રિમ ઉપાંગો ધાતુ, લાકડું, મીણ કે ચામડાનાં બનતાં હતાં. 1916માં હૅનિંગે જિલેટીન અને ગ્લિસરિનનો ઉપયોગ શરૂ કર્યો. 1917માં મોન્ટે તેમાં પોટૅશિયમ બાયકાર્બોનેટ ઉમેર્યું. આ પ્રકારનું દ્રવ્ય ચામડી કે માંસ જેવા દેખાવનું હતું તથા તેને અડવાથી પણ તેવું જ લાગતું હતું. છાપ (impression) મેળવવા માટે, બીબાં (cast) બનાવવા માટે તથા ઘાટ (mould) ઘડવા માટે વિવિધ પદાર્થોના ઉપયોગની શોધ થયેલી છે.

પ્રકારો : કૃત્રિમ અંગો હંગામી અને કાયમી એમ બે પ્રકારનાં છે. જેમનામાં પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા વડે મૂળ શારીરિક સંરચના (structure) કે ભાગ ફરીથી બનાવી શકાતો હોય તેમાં તે હંગામી ધોરણે વપરાય છે. હાલ કૃત્રિમ અંગો બનાવવા માટે સિલિકોન અને ઍક્રેલિકનો ઉપયોગ ઘણો થાય છે. સિલિકોન ચામડી જેવું લીસું અને કોમળ હોય છે. તેમાં રંગનું મિશ્રણ સહેલાઈથી ભળે છે. તેથી તે ચામડી જેવું લાગી શકે છે. તેમાંથી બનતા કાન આબેહૂબ દેખાતા હોય છે. હાલ કૃત્રિમ કાન બનાવવા માટે મોટેભાગે સિલિકોનનો જ ઉપયોગ કરાય છે. તેને કાનને સ્થાને તબીબી ગુંદર(medical adhesive)ની મદદથી ચોંટાડવો પડે છે. તબીબી ગુંદર 5થી 6 દિવસ સુધી ચોંટાડી રાખે છે. ઍક્રેલિક પ્લાસ્ટિક જેવું કઠણ છે. તેના વડે બનાવાતો કૃત્રિમ કાન ચશ્માં સાથે જડી દઈને પહેરવામાં આવે છે. ક્યારેક શસ્ત્રક્રિયા વડે કાનના સ્થાને સ્ટીલના તાર મૂકવામાં આવે છે અને તે તારમાં ઍક્રેલિકનો બનાવેલો હુકવાળો કાન ભેરવી શકાય છે, પરંતુ આ પ્રકારના સંયોજનમાં ઈજા થવાનો ભય રહેલો છે.

કાનની માફક સિલિકોનથી બીજાં અંગ-ઉપાંગો પણ બને છે. દા.ત., નાક, આંખ, તેને તબીબી ગુંદરથી ચોંટાડાય છે. જો તે ઍક્રેલિકના બનાવાયાં હોય તો તેમને ચશ્માં વડે પહેરવામાં આવે છે. સિલિકોનની મદદથી પલક તથા પાંપણોને આબેહૂબ બનાવી શકાય છે. ચહેરાના ભાગોની જેમ આંગળીઓ પણ મહત્વની છે. જોકે કૃત્રિમ આંગળીઓ બનાવવામાં ઓછી તકલીફ પડે છે. બીજી આંગળીઓની છાપ લઈને આંગળી બનાવાય છે. જ્યારે અર્ધી આંગળી કપાયેલી હોય ત્યારે કૃત્રિમ આંગળી પહેરવી સરળ બને છે. કૃત્રિમ આંગળી પહેરેલી ન હોય  ત્યારે તેના પોલા ભાગમાં રૂ ભરી રાખવાની તથા તેના પર તેલ કે શાહીનો ડાઘ ન પડે તે જોવાની સલાહ અપાય છે.

દાહ કે સ્તનના કૅન્સરની શસ્ત્રક્રિયા પછી જો સ્ત્રીઓમાં સ્તન કાઢી નખાયું હોય તો કૃત્રિમ સ્તન વડે તેના દેખાવની ખોટ પૂરી શકાય છે. કૃત્રિમ સ્તન સિલિકોન અથવા વાદળી(sponge)ના બનાવાય છે. સિલિકોન વડે બનાવાતું સ્તન આબેહૂબ, વજનમાં સહેજ ભારે તથા મોંઘું હોય છે. તેને ગરમીની ઋતુમાં લાંબા સમય માટે પહેરવું મુશ્કેલ છે. વાદળીથી બનતું સ્તન હલકું અને સસ્તું હોય છે. તે કાયમ પહેરી શકાય છે. શરીર બહાર પહેરી શકાતાં કૃત્રિમ અંગો ઉપરાંત શરીરની અંદર મુકાતા કૃત્રિમ ભાગો પણ ઉપલબ્ધ છે. દા.ત., ખોપરીના હાડકામાં કાણું હોય કે સ્તનની શસ્ત્રક્રિયા થઈ હોય તો તે ખોટ પૂરવા શસ્ત્રક્રિયા વખતે ચામડી નીચે કૃત્રિમ સંયોજન મૂકી શકાય છે. આવી જ રીતે કૃત્રિમ હૃદયને છાતીની અંદર મૂકીને કાર્યાન્વિત કરવાના પ્રયોગો ચાલે છે. હૃદયના રોગગ્રસ્ત વાલ્વને સ્થાને કૃત્રિમ વાલ્વ પણ મુકાય છે. તેવી જ રીતે હૃદયના ધબકારા માટેના આવેગ ઉત્પન્ન કરતા આવેગજનક(pacemaker)ના વિકારોમાં કૃત્રિમ આવેગજનક પણ મૂકવામાં આવે છે, જે શરીરની બહાર પહેરી શકાય છે અથવા શસ્ત્રક્રિયા વડે શરીરની અંદર પણ મૂકી શકાય છે.

કૃત્રિમ છિદ્રણો અને કેટલીક કોથળીઓ : (ક, ખ) મોટા આંતરડાના આડા ભાગ-(અનુપ્રસ્થ સ્થિરાંત્ર)નું છિદ્રણ (transverse colostomy), (ગ) અંધાંત્ર-છિદ્રણ (caecostomy), (ઘ) મોટા આંતરડાના ઊતરતા ભાગ(અવરોહી સ્થિરાંત્ર)નું છિદ્રણ (descending colostomy), (ચ) શ્રોણીય અથવા ‘ડ’ આકારના મોટા આંતરડાના ભાગનું છિદ્રણ (sigmoidostomy), (છ) પેટની આગળની દીવાલ પર શ્રોણીય સ્થિરાંત્ર-છિદ્રણનું સ્થાન અને તેની સાથેની કોથળી, (જ) મૂત્રનળી-અંતાંત્ર-છિદ્રણ (ureters-ileostomy), (ઝ) પેટની આગળની દીવાલ પર વિવિધ છિદ્રણોનાં સ્થાન, (ટ, ઠ) બંધ છિદ્રણ-કોથળીઓ, (ડ, ઢ) ખૂલી શકે તેવી સ્થિરાંત્ર-છિદ્રણ કોથળીઓ, (ણ) મૂત્રાશય-છિદ્રણ કોથળી, (ત) પટ્ટો, (થ) મૂત્રાશય-છિદ્રણનું પેટની આગળની દીવાલ પર સ્થાન, (1) જઠર, (2) નાનું આંતરડું, (3) મોટું આંતરડું, (4) અંધાંત્ર, (5) શ્રોણીય સ્થિરાંત્ર, (6) મૂત્રપિંડ, (7) મૂત્રનળી, (8) અંતાંત્રીય મૂત્રકોશા (ileal conduit), (9) મળાશય, (10) ગુદા, (11) છિદ્રણ.

શરીર બહાર પહેરવાનાં સિલિકોન કે ઍક્રેલિકનાં કૃત્રિમ ઉપાંગ બનાવવાની પ્રક્રિયામાં પાંચ તબક્કા છે : (1) છાપ મેળવવી, (2) પ્લાસ્ટિસિનમાં ઘાટ આપવો (moulding), (3) ડેન્ટલ-સ્ટોન પ્લાસ્ટર વડે ઘાટ આપવો, (4) સિલિકોનમાં બીબું ઢાળવું (casting), (5) અંતિમ ઘાટ આપવો (finishing) તથા રંગ કરવો. સિલિકોનની સાચવણી જરૂરી છે. તેના પર તેલ કે શાહીના ડાઘા પડે તો તે સહેલાઈથી કાઢી શકાતા નથી.  તબીબી ગુંદર વડે તેને ચોંટાડવામાં આવે તો તે 5થી 6 દિવસ ટકે છે. તેથી તેને દર 5થી 6 દિવસે ફરીથી ચોંટાડવા પડે છે. તે સમયે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. તબીબી ગુંદરને 32o સે. તાપમાને રાખવાનું સૂચવાય છે. તે જલદીથી જામી જતું હોવાથી તેની બાટલીનું ઢાંકણ ખૂબ થોડા સમય માટે જ ખુલ્લું રખાય છે. તેને કૃત્રિમ ઉપાંગની કિનારી પર જ લગાવવાનું હોય છે. હાલ કૅન્સર હૉસ્પિટલ, અમદાવાદ ખાતે કૃત્રિમ ઉપાંગયોજનનો વિભાગ ચાલે છે અને તેમાં વર્ષમાં આશરે 60થી 65 કૃત્રિમ ઉપાંગો બને છે.

જ્યોતિકા એચ. સોની