કૂટયુદ્ધ : કૌટિલ્યે ગણાવેલા યુદ્ધના ત્રણ પ્રકાર પૈકીનો એક. આ ત્રણ પ્રકાર તે : (1) પ્રકાશ કે ખુલ્લું યુદ્ધ, (2) કૂટ કે ગુપ્ત યુદ્ધ તથા (3) મૂક કે તૂષ્ણી યુદ્ધ. પ્રકાશ યુદ્ધમાં કોઈ કપટનો આશરો લેવાતો નહિ. તે ધર્મયુદ્ધ મનાતું. કૂટયુદ્ધમાં કુટિલ નીતિનો આશરો લેવાતો તથા તેમાં કપટ, લાંચ વગેરેથી દુશ્મનના અધિકારીઓ તથા સૈનિકોને ફોડીને કે તેમની હત્યા કરીને વિજય મેળવવાનો પ્રયાસ થતો. તેમાં દેશદ્રોહીઓની ખાસ સહાય લેવાતી. તેમાં શકટયુદ્ધનો આશ્રય લેવાતો. ગ્રીસે ટ્રોય પર મેળવેલો વિજય તથા મગધના મહારાજા અજાતશત્રુએ લિચ્છવી ગણરાજ્ય પર મેળવેલો વિજય કૂટયુદ્ધનાં ઉદાહરણો કહેવાય. દુશ્મન ગાફેલ કે નિદ્રા અવસ્થામાં હોય ત્યારે તેના પરનો હુમલો પણ કૂટયુદ્ધ કહી શકાય. મૂકયુદ્ધ પણ કૂટયુદ્ધનો એક પ્રકાર હતો. તેમાં દુશ્મનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓને ફોડીને તેમને મોટા પદની લાંચ આપીને દુશ્મનના સૈનિકો યુદ્ધભૂમિ પર લડે જ નહિ તેવી જાતનું કપટયુક્ત આયોજન કરવામાં આવતું. તેમાં દેશદ્રોહીઓ તથા જાસૂસોનો ઉપયોગ થતો. ત્યારબાદ દુશ્મન પર લગભગ વગર લડાઈએ કે ખૂબ જ ઓછી, નહિવત્ ખુવારીથી જીત મેળવવામાં આવતી. ક્લાઇવે કરેલી પ્લાસીની લડાઈ કૂટ કે મૂકયુદ્ધનું ર્દષ્ટાંત કહી શકાય.

રમણલાલ ક. ધારૈયા