કૂક, જેમ્સ (જ. 27 ઑક્ટોબર 1728, મોરટન-ઇન-ક્લીવલૅન્ડ, યૉર્કશાયર; અ. 14 ફેબ્રુઆરી 1779) : હવાઈ ટાપુનો, ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારાનો તથા ન્યૂઝીલૅન્ડનો શોધક અને અઠંગ સાગરખેડુ.

જેમ્સ કૂક

સ્કૉટિશ ખેતમજૂરનો પુત્ર. ગણિત અને નૌવહનનો અભ્યાસ કરી વ્હીટબીમાં તે વહાણમાં ઉમેદવાર તરીકે જોડાયો  1755માં શાહી નૌકાદળમાં કુશળ ખલાસી તરીકે જોડાયો અને ચાર વરસમાં વહાણનો ‘માસ્ટર’ બન્યો. ફ્રેન્ચો સાથેના સપ્તવાર્ષિક વિગ્રહમાં તેણે ભાગ લીધો હતો. 1767માં નૌકા સૈન્યમાં લેફટેનન્ટ બન્યો. 1759થી 1767 દરમ્યાન ન્યૂ ફાઉન્ડલૅન્ડ, સેંટ લૉરેન્સ નદીના મુખપ્રદેશ, નૉવોસ્કોશિયા વગેરેનું સર્વેક્ષણ કરીને તે દરેકના નકશા બનાવ્યા. ટાહીટીમાં શુક્રનું અવલોકન કરવાના બહાના નીચે ઑસ્ટ્રેલિયાની દક્ષિણે આવેલ ખંડની શોધસફર 370 ટનના ‘એન્ડેવર’ જહાજમાં 2-8-1768ના રોજ શરૂ કરી. સાથે ખગોળશાસ્ત્રી અને વનસ્પતિશાસ્ત્રીઓ હતા. પશ્ચિમ આફ્રિકાના કિનારે મડીરા, કેનેરી, કેપવર્ડે ટાપુઓ થઈને આટલાન્ટિક મહાસાગર ઓળંગી બ્રાઝિલના રિયોડીજાનેરો પહોંચ્યો અને ત્યાંથી દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે આવેલા કૅપ હોર્નની પ્રદક્ષિણા કરીને પૅસિફિક મહાસાગરમાં દાખલ થઈ 13-4-1769ના રોજ તે ટાહીટી પહોંચ્યો. અહીં શુક્રનું અવલોકન કરી ન્યૂઝીલૅન્ડ થઈને ઉત્તર ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની વચ્ચેના માર્ગની ભાળ મેળવી તથા પૂર્વ ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની શોધ કરી. ત્યાંથી હિંદી મહાસાગરમાં મુસાફરી કરી કૅપ ઑવ્ ગુડ હોપને રસ્તે થઈને ઇંગ્લૅન્ડ પાછો ફર્યો (11-6-1771). ફરી 13-7-1772ના રોજ ‘એન્ડેવર’ અને ‘રેઝોલ્યૂશન’ વહાણોમાં વિજ્ઞાનીઓ સાથે કૅપ ઑવ્ ગુડ હોપને રસ્તે દક્ષિણ ધ્રુવ તરફ 70o-10¢-5¢¢ દ. અ. સુધી ગયો. પણ અફાટ બરફયુક્ત સમુદ્રને જોઈને તે પૅસિફિક સમુદ્ર તરફ વળ્યો. અહીં ન્યૂહેબ્રિડીઝ, ન્યૂકૅલિડોનિયા વગેરે ટાપુઓ શોધી દક્ષિણ પૅસિફિકથી કૅપ હોર્નના માર્ગે આટલાન્ટિકમાં પ્રવેશ કરી ઉત્તર ઇંગ્લૅન્ડના પ્લીમાઉથ બંદરે ચાર વરસે (જુલાઈ, 1775માં) પહોંચ્યો. તેણે દક્ષિણ ધ્રુવખંડનું સાચું અનુમાન કર્યું હતું. આ શોધોને કારણે તેને ‘ફેલો ઑવ્ ધ રૉયલ સોસાયટી’નું માન મળ્યું. તે 17-7-1776ના રોજ પૅસિફિક સમુદ્રની વાયવ્ય તરફનો માર્ગ શોધવા નીકળ્યો. જાન્યુઆરી 1778માં અમેરિકાના પૂર્વ કિનારે વાનકુંવરની ખાડી તથા બેરિંગની સામુદ્રધુનીમાં પ્રવેશી ઉત્તર ધ્રુવ તરફ આગળ વધ્યો. બરફમાં આગળ જઈ ન શકવાથી તે હવાઈ ટાપુ તરફ ખોરાક, પાણી વગેરે લેવા ગયો. અહીં સ્થાનિક લોકો સાથે ગેરસમજથી ઘર્ષણ થતાં તેનું ખૂન થયું. તેણે ચંદ્રના અવલોકન તથા ક્રોનોમીટરના ઉપયોગથી રેખાંશ સહેલાઈથી શોધી કાઢ્યા હતા. તેણે સર્વેક્ષણ દ્વારા બનાવેલા નકશા ખૂબ ચોક્કસ હતા. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ બ્રિટિશ સામ્રાજ્યનાં અંગરૂપ બન્યાં તેનું શ્રેય જેમ્સ કૂકને જાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ જગતની પ્રદક્ષિણા કરનાર તે પહેલો સફરી અને સંશોધક હતો.

શિવપ્રસાદ રાજગોર