કુસુમી, મોરિકાગે (જ. 1610 ?, એડો, જાપાન; અ. 1700, જાપાન) : ખેડૂતો અને આમજનતાનું નિરૂપણ કરવા માટે જાણીતો જાપાની ચિત્રકાર. કાનો ચિત્રશૈલીના ગુરુ તાન્યુ કાનો પાસે કુસુમીએ કલાની તાલીમ લીધી. ચીનના સુન્ગ રાજવંશ કાળની કલાશૈલીથી પ્રભાવિત કાનો શૈલીના ચુસ્ત નીતિનિયમો કુસુમીને પહેલેથી જ બંધિયાર અને ગૂંગળાવનારા લાગેલા; આથી તેમણે મુક્ત રીતે પ્રયોગો કરવા શરૂ કરેલા. પરિણામે તાન્યુ કાનોએ પોતાના શિષ્યપદેથી તેમને કાઢી મૂકેલા; પરંતુ કુસુમીએ તો વધુ જીવંત અને વધુ લચકદાર ચિત્રશૈલી નિપજાવી. તેમનાં શ્રેષ્ઠ ચિત્રો આ છે :

(1) ‘એન્જૉઇન્ગ ધ ઇવનિન્ગ કૂલ અન્ડર અ ગૂર્ડ ટ્રેલિસ’ (Gourd Trellis),

(2) ‘લૅન્ડસ્કેપ-સ્ક્રીન ડિપિક્ટિન્ગ ધ ઉજી બ્રિજ’

અમિતાભ મડિયા