કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901; અ. 2 ફેબ્રુઆરી 1978) : 1965ના જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા સુપ્રસિદ્ધ મલયાળમ કવિ. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં. મલયાળમ તથા સંસ્કૃતનું જ્ઞાન મેળવીને તેમણે ત્યાંની એક શાળામાં મલયાળમના શિક્ષકની નોકરી લીધી. સાથે સાથે પોતે પણ અધ્યયન કરતા રહ્યા અને એમ.એ.ની પરીક્ષામાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી કૉલેજમાં મલયાળમના પ્રાધ્યાપક નિમાયા.

જી. શંકર કુરૂપ્પ

આધુનિક કાળના એક અત્યંત પ્રતિભાસંપન્ન કવિ તરીકે એમણે મલયાળમ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. પુરાણા ચોકઠામાં ઘૂમ્યા કરતી મલયાળમ કવિતાને એમણે મુક્ત કરીને નવી શબ્દાવલી, નવાં પ્રતીકો, પ્રતિરૂપો વગેરે દ્વારા માનવતાવાદના વાતાવરણ દ્વારા નવી ચેતનાનો સંચાર કર્યો. એમણે એમની કવિતામાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન આધ્યાત્મિક વિચારધારાનો સમન્વય કર્યો. કુરૂપ્પની પ્રારંભિક કવિતા ‘સાહિત્યકૌતુકમ્(4 ભાગ)’માં સંકલિત થઈ છે. તે પરંપરાગત શૈલીની છે. એ સમયે તેમની પર મલયાળમ કવિતા સાહિત્યમાં ‘મહાન ત્રિપુટી’ નામે વિખ્યાત ત્રણ પ્રતિભાવાન કવિઓ(કુમારન આશાન, વળ્ળત્તોળ, નારાયણ મેનન તથા ઉલ્લુર એસ. પરમેશ્વર આયર)નો વિશેષ પ્રભાવ હતો. એ ત્રણેમાં વળ્ળત્તોળના પ્રભાવ નીચે એમણે પહેલી રાષ્ટ્રીય રંગની કવિતા લખી. એમણે ભારત ગૌરવનાં પ્રાણવાન ગીતો ગાયાં. એ રીતે રાષ્ટ્રીયતાની ભાવનામાં ચેતનાનો સંચાર કર્યો. કુરૂપ્પ પર રવીન્દ્રનાથના ગૂઢવાદની તથા પ્રતીકાત્મકતાની સારી અસર છે. તે પછીના કાળમાં સામ્યવાદના પ્રબળ પુરસ્કર્તા બન્યા. તેમની ‘નલે’ (આવતી કાલ) કવિતા ખૂબ જ પ્રસિદ્ધ છે. પછીની કવિતામાં બૌદ્ધિક તથા ચિન્તનપ્રધાન તત્વ વિશેષ જોવા મળે છે. મલયાળમ કવિતામાં પ્રતીકવાદનો એમનાથી વધુ સુંદર પ્રયોગ બીજા કોઈએ કર્યો નથી.

એમના લગભગ વીશેક જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ‘ઓતક્કુળલ’ (1950) નામના સાઠ કવિતાના સંગ્રહને 1965નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. એમના ‘વિશ્વદર્શનમ્’ કાવ્યસંગ્રહને 1963નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ‘પાથેયમ્’(1961)માં એમનાં 131 કાવ્યો સંગૃહીત થયાં છે; એમાં એમની પ્રતિભાનાં વિવિધ પાસાંનો સુભગ પરિચય થાય છે. તે ઉપરાંત ‘સૂર્યકાન્તિ’ તથા ‘મુત્તુસ્સિપ્પિઈ’ એમના ઉલ્લેખનીય કાવ્ય ગ્રન્થો છે. એમણે કાલિદાસ, ભાસ, રવીન્દ્રનાથ ટાગોર, ઉમર ખય્યામ વગેરેની કવિતાઓના અનુવાદ કર્યા છે, તે અત્યંત લોકપ્રિય થયા છે.

અક્કવુર નારાયણન્