કુંવારપાઠું : એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aloe barbadensis Mill. syn Aloe vera (સં. कुमारी; ગુ. કુંવાર; અં. Trucaloe, Barbados) છે. તે 30થી 40 સેમી. ઊંચા થાય છે. તેની શાખાઓ વિરોહ રૂપે, ભૂગર્ભીય પ્રકાંડ; મૂલરૂક; માંસલ; તલસ્થાને પહોળાં આછાં લીલાં કંટકીય, કિનારીવાળાં સાદાં પર્ણો, ઑગસ્ટથી ડિસેમ્બર કેસરી રંગનાં નીચેની બાજુએ ઢળતાં, લાંબી દાંડી (Peduncle) ઉપર અદંડી ફૂલો આવે છે.

કુંવારપાઠું

તે સામાન્ય રીતે કબ્રસ્તાનોમાં, શુષ્ક અને પથરાળ પ્રદેશમાં ઊગે છે. શોભા તરીકે તથા દવાના ઉપયોગ માટે તે રોપાય છે. તેનાં પાનના રસ રૂપે લાબરૂ કે એળિયો બને છે. પતંગની દોરી પાવામાં તે ઉપયોગી થાય છે, કેમકે ચીકાશ જાળવે છે. તેનાથી મચ્છર દૂર રહે છે.

તે સંજીવની વનસ્પતિ છે અને ઘણા રોગોને જડમૂળથી નાશ કરે છે. એનાં જાડાં-લાંબાં, ધાર ઉપર કાંટા ધરાવતાં પાન ઘરગથ્થુ અને જીર્ણ રોગોની સિદ્ધ ઔષધિ ગણાય છે.

ખાસ કરીને પિત્તજ રોગોમાં એનો ઉપયોગ પિત્તનો સ્રાવ વધારીને રોગને દૂર કરે છે, કમળો ને બરોળના રોગોમાં એ લેવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.

એનો સ્રાવક ગુણ કાચા આમને આંતરડાં વાટે બહાર લાવે છે, પણ એને લાંબો વખત લેવાથી કે વધારે માત્રામાં લેવાથી મરડા જેવો રોગ થતો હોવાથી એનો ઉપયોગ માપસર કરવાની આચાર્યોએ ભલામણ કરી છે.

માસિકના દોષ અને વંધ્યત્વ ઉપર તે એક અકસીર ઔષધ છે.

મ. ઝ. શાહ

પ્રાગજી મો. રાઠોડ