કીરેટોફાયર : એક પ્રકારનો જ્વાળામુખી ખડક. મૂળભૂત રીતે સોડા ફેલ્સ્પારયુક્ત ટ્રેકાઇટ લક્ષણવાળા જ્વાળામુખી ખડકને કીરેટોફાયર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ શબ્દનો ઉપયોગ, આલ્બાઇટ અથવા આલ્બાઇટ-ઓલિગો ક્લેઝ, ક્લોરાઇટ, એપિડોટ અને કેલ્સાઇટ જેવાં વિશિષ્ટ ખનિજોના બનેલા બધા જ સેલિક (આછા રંગવાળા) લાવાના ખડકો તેમજ ડાઇક ખડકો માટે કરવામાં આવે છે. કેટલાંક કીરેટોફાયરના બંધારણમાં સોડિક ઑર્થોક્લેઝ, સોડિક એમ્ફિબોલ અને પાયરોક્સિન રહેલાં હોય છે. કીરેટોફાયરના બંધારણમાં જ્યારે ક્વાર્ટ્ઝ હોય ત્યારે તે ક્વાર્ટ્ઝ-કીરેટોફાયર તરીકે ઓળખાય છે. સામાન્યત: આ ખડક આલ્બાઇટવાળા બેઝિક જ્વાળામુખી ખડક (સ્પિલાઇટ) સાથે મળી આવે છે. તેથી કીરેટોફાયર અને સ્પિલાઇટને સરખી ઉત્પત્તિવાળા હોવાનું માનવામાં આવે છે. વધુમાં આ ખડકોમાં રહેલું આલ્બાઇટ ખનિજ પ્રાથમિક કે પરિણામી ઉત્પત્તિવાળું હોવા અંગે મતભેદ પ્રવર્તે છે. અગાઉ પૂર્વ-ટર્શ્યરી વયના જ્વાળામુખી ખડકો માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વ્રિજવિહારી દીનાનાથ દવે