કિપ્લિંગ, રડિયાર્ડ (જ. 30 ડિસેમ્બર 1865, મુંબઈ; અ. 18 જાન્યુઆરી 1936, લંડન) : 1907ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. પિતા જ્હૉન લોકવુડ કિપ્લિંગ તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા હતા. રડિયાર્ડે ઉચ્ચ શિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો પણ પાછળથી સ્નાતક પદવી પ્રાપ્ત કરવામાં રુચિ ન રહી તેથી પત્રકારત્વક્ષેત્રે ઝંપલાવ્યું. 1882માં કિપ્લિંગે ‘સિવિલ ઍન્ડ મિલિટરી ગૅઝેટ’(લાહોર-અલાહાબાદ)ના તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. એ કિશોરવયે અભ્યાસાર્થે ઇંગ્લૅંડ ગયા ત્યારથી જ એમના મન ઉપર ભારત વિશે અત્યંત સ્પષ્ટ અને ઘેરી છાપ હતી. આ સંસ્મરણોનો પ્રતિભાવ ‘બા બા બ્લૅકશિપ’ વાર્તામાં હૅરીના મહોરા હેઠળ મૂક્યો છે.

રડિયાર્ડ કિપ્લિંગ

‘ડિપાર્ટમેન્ટલ ડીટીઝ’ કાવ્યસંગ્રહમાં સિમલાની તળેટીના ગ્રામજીવનની ચિત્રાત્મકતા ઉપસાવવા એમણે હિન્દી શબ્દો(ડોલી, ડાક, પાની લાઓ, ભીસ્તી)નો ઉપયોગ કર્યો છે. એમના રાષ્ટ્રવાદનો રણકો ‘ધ સૉન્ગ ઑવ્ ધી ઇંગ્લિશ’, ‘ધી ઇંગ્લિશ ફ્લૅગ’ તથા ‘રિસેશનલ’માં છે. એમણે કથાકાવ્યો પણ લખ્યાં છે. બે ભાગમાં લખાયેલી ‘જંગલ બુક’(1894-1895)ની પશુપક્ષીઓનાં ર્દષ્ટાંતવાળી વાર્તાઓ શિષ્ટ વાચન પૂરું પાડે છે. ‘કીમ’ (1901) કિપ્લિંગની શ્રેષ્ઠ નવલકથા છે. કીમબોલ ઓ’ રા નામે આઇરિશ લશ્કરી જવાનનો પુત્ર લાહોરની શેરીઓમાં રખડે છે. એને અચાનક વૃદ્ધ લામાનો સંપર્ક થાય છે અને તે હિમાલયની તળેટીમાં પહોંચી જાય છે. કર્નલ કૅંગ્ટન (કિપ્લિંગના પિતાના મિત્ર) તેના વિકાસમાં રસ લે છે. તેને ‘ગુપ્તચર’ની તાલીમ આપીને સમાજમાં પગભર કરે છે. અહીંયાં લેખકે ધર્મમાં વ્યાપેલાં અંધશ્રદ્ધા અને સંકુચિતપણાનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. રડિયાર્ડ કિપ્લિંગે સેસિલ રહોડઝ સાથે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરેલો. તે પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના ભારે પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. એમની વાર્તાઓમાં અને નવલકથાઓમાં ભારતના આદિવાસીઓ, સૈનિકો, પઠાણો વગેરેનાં રોમાંચક સાહસોનો વાસ્તવિક ચિતાર વાંચવા મળે છે. ઓગણીસમી સદીના અંગ્રેજ વાર્તાકારોમાં રડિયાર્ડ કિપ્લિંગનું અનોખું સ્થાન છે.

સુરેશ શુક્લ