કિનાબાલુ પર્વત : મલેશિયાના બૉર્નિયો ટાપુ (સાબાહ) ઉપરનું સૌથી ઊંચું શિખર. ભૌગોલિક સ્થાન : 6o 05′ ઉ. અ. અને 116o 33′ પૂ. રે.. ઊંચાઈ 4094 મીટર. આ ટાપુની ઉત્તર કિનારે ક્રોકર હારમાળા, જ્યારે દક્ષિણ તરફ બનજારન હારમાળા આવેલી છે. ઊંચાણવાળા પ્રદેશોમાં ઘણી ઊંચાઈ સુધી ગ્રૅનાઇટના ખડકો આવેલા છે. 600 મીટરની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં ખેતી વિકસી છે. આ પર્વત સેંટ પીટર તરીકે ઓળખાતો. આ શિખર સૌપ્રથમ સર કરનાર યુરોપિયનનું નામ સર હ્યુ હતું. કોટા બેલ્યુડ મહત્વનો કિલ્લો છે. ત્યાં દર રવિવારે બજાર ભરાય છે. આ વિસ્તારમાં આવેલ અભયારણ્ય કિનાબાલુના નામથી ઓળખાય છે. તેનો વિસ્તાર 745 ચોકિમી. છે. તે ક્રોકરની હારમાળાથી ઘેરાયેલ છે.

નીતિન  કોઠારી