કાસ્પારૉવ, ગેરી (જ. 13 એપ્રિલ 1963) : ચેસના પ્રસિદ્ધ રશિયન ખેલાડી. નાની વયે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ. બાવીસમા વર્ષે જગતના સહુથી નાની વયના વિશ્વવિજેતા. 1985ના નવેમ્બરમાં આનાતોલી કાપૉર્વને 13-11થી હરાવીને કાસ્પારૉવે વિશ્વવિજય મેળવ્યો. 22 વર્ષની ઉંમરે આ માન મેળવનાર તેઓ સૌથી નાના સ્પર્ધક હતા. એ પછી 1985, 1987, 1990 અને 1991ની ચેસની વિશ્વસ્પર્ધાઓમાં ગેરી કાસ્પારૉવનો વિજય થતો રહ્યો.
મિખાઇલ ગોર્બાચોફના ટેકેદાર છતાં પેરેસ્ત્રૉઇકા અંગે ભ્રમ ભાંગી જતાં 1990માં સામ્યવાદવિરોધી નવા લોકશાહી પક્ષના સ્થાપક બન્યા.
આંતરરાષ્ટ્રીય શેતરંજ (chess) સ્પર્ધા માટેના મંડળ (FIDE) સાથેના લાંબા સંઘર્ષ બાદ કાસ્પારૉવે નવું પ્રોફેશનલ ચેસ ઍસોસિયેશન (PCA) બનાવ્યું અને 1993માં આંતરરાષ્ટ્રીય વિશ્વવિજેતાપદ માટે સ્પર્ધાનું આયોજન કર્યું. આ સ્પર્ધામાં તેમણે બ્રિટિશ ગ્રાન્ડમાસ્ટર નાઇજલ શોર્ટને શિકસ્ત આપી. આ વખતે FIDE – એ પણ સત્તાવાર સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં પૂર્વ ચેસ-જગતવિજેતા આનાતોલી કાર્પૉવ અને જાન તિમાન વચ્ચે સ્પર્ધા થઈ. તેમાં કાર્પૉવ વિજેતા જાહેર થયા. કાસ્પારૉવ અને કાર્પૉવ બંનેએ આંતરરાષ્ટ્રીય વિજેતાપદનો દાવો કર્યો. 1996માં કાસ્પારૉવે આઇબીએમ-ના ડીપ બ્લૂ નામના કમ્પ્યૂટર સાથે છ વખતની રમતમાં સ્પર્ધા કરી. 4 : 2ની ગણતરીથી કાસ્પારૉવ વિજેતા થયા. પછીના વર્ષે ડીપર બ્લૂ નામના નવા કમ્પ્યૂટર સાથે તે સ્પર્ધામાં ઊતર્યા, પરંતુ 3 : 5 અને 2 : 5થી તે હારી ગયા. પહેલી જ વાર ગ્રાન્ડમાસ્ટર કમ્પ્યૂટર સાથેની રમતોમાં શ્રેણીબદ્ધ હાર પામ્યા. ચેસના ઇતિહાસમાં સૌથી ઊંચો ક્રમ ધરાવનાર તરીકે સાંપ્રત સમયના તે સૌથી મહાન ખેલાડી છે.
પ્રભુદયાલ શર્મા