કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ

January, 2006

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ (જ. 13 ઑગસ્ટ 1927, ખિરાન, ક્યૂબા) : 1959થી ક્યૂબામાં એકધારું, એકહથ્થુ શાસન ચલાવનાર સામ્યવાદી ક્રાંતિકારી નેતા તથા લશ્કરના વડા. ફિડેલ કાસ્ટ્રો એકીસાથે વડાપ્રધાન તથા રાષ્ટ્રપ્રમુખ છે અને તેમની રાહબરી નીચે ક્યૂબા પશ્ચિમ ગોળાર્ધમાં એકમાત્ર સામ્યવાદી સત્તા તરીકે ટકી રહ્યું છે. રશિયા અને પૂર્વ યુરોપમાંથી સામ્યવાદની વિદાય પછી ક્યૂબા સામ્યવાદી વિચારસરણી અને નીતિને વરેલું દુનિયાભરનું એકમાત્ર રાષ્ટ્ર રહ્યું છે.

ફિડેલ કાસ્ટ્રો

ગામડામાં જન્મેલા ફિડેલે શરૂઆતનું શિક્ષણ સાન્ટિયાગોમાં લઈને હવાનામાં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ દરમિયાન તે વિદ્યાર્થી ચળવળમાં જોડાયા અને ત્યારબાદ ડોમિનિકન પ્રજાસત્તાક ઉપરના ક્યૂબાના હુમલામાં ભાગીદાર બન્યા. કાયદાના અભ્યાસની સાથે તેમણે માર્ક્સવાદી સાહિત્યનું વાચન કર્યું અને ક્યૂબાની ‘પીપલ્સ પાર્ટી’માં જોડાઈને ચૂંટણીમાં ઝંપલાવ્યું. 1953માં ક્યૂબાના સરમુખત્યાર બાટિસ્ટાની સામેના લશ્કરી બળવામાં જોડાયા તેથી તેમને જેલમાં મોકલવામાં આવેલા. તેમની માગણી રાજકીય અને નાગરિક સ્વાતંત્ર્ય તથા બંધારણીય સરકાર માટેની હતી. 1955માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ગેરીલા યુદ્ધનો આશરો લીધો. 1956 પછી બાટિસ્ટા સામેના વિદ્રોહમાં તેમણે ગેરીલા યુદ્ધનો આશરો લીધો. 1958ના ડિસેમ્બરની છેલ્લી તારીખે બાટિસ્ટા ભાગી છૂટ્યા અને કાસ્ટ્રોએ સત્તા ધારણ કરી વડાપ્રધાનનું સ્થાન લીધું.

શેરડી અને તેમાંથી ઉત્પન્ન થતી ખાંડ ઉપર આધારિત અર્થતંત્ર ધરાવતા ખોબા જેટલા [ક્યૂબા ‘ખાંડનો વાડકો’ (sugar bowl) કહેવાય છે.] ક્યૂબામાં કાસ્ટ્રોએ સત્તા ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રીયકરણની નીતિ અપનાવાઈ, જેનાથી અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓને ધક્કો પહોંચ્યો. યુ.એસ. નારાજ થયું અને કાસ્ટ્રોને હટાવવા કટિબદ્ધ થયું. કાસ્ટ્રોના ક્યૂબાએ અમેરિકા સામે મોટો ભય ઊભો કર્યો, કારણ કે પશ્ચિમ ગોળાર્ધમાં અમેરિકા વિરુદ્ધની આર્થિક વિચારસરણી અપનાવનાર તે એકમાત્ર રાજ્ય હતું.

અમેરિકાના વિરોધના સંદર્ભમાં કાસ્ટ્રોએ સોવિયેત સંઘ તરફ નજર દોડાવી અને તેની સાથે આર્થિક, રાજકીય અને સંરક્ષણક્ષેત્રે ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા. રશિયા દ્વારા ક્યૂબામાં ગોઠવાયેલાં પ્રક્ષેપાસ્ત્રો સામે વાંધો લઈ કૅનેડીએ ક્યૂબાની આસપાસ નાકાબંધી કરી. રશિયા અને અમેરિકાના નૌકા-કાફલા ટકરાય તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ, ઑક્ટોબર 1962માં ઊભી થઈ. ક્યૂબાની આ કટોકટીનું નિવારણ છેવટે કૅનેડી અને ક્રુશ્ચોવ વચ્ચેની સમજૂતીથી થયું. રશિયા તેનાં પ્રક્ષેપાસ્ત્રો ઉઠાવી લેવા સંમત થયું, એ શરતે કે અમેરિકા ક્યૂબામાં હસ્તક્ષેપ કરશે નહિ. ઉપરાંત બંને મહાસત્તાઓ વચ્ચે આવી ગંભીર કટોકટીની શક્યતાના નિવારણ માટે ચોવીસ કલાક ચાલુ રહેતી ટેલિફોન લાઇન (hot line) શરૂ કરવામાં આવી. આમ મહાસત્તાઓના આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશાળ ફલક ઉપર નાનુંસરખું ક્યૂબા ચમકી ગયું.

પછીના દિવસોમાં કાસ્ટ્રોએ જ્યાં જ્યાં ક્રાન્તિકારી પરિબળો ટકરાઈ રહ્યાં હતાં ત્યાં ત્યાં સૈનિકો મોકલવાની નીતિ અપનાવી. 1968માં રશિયાના ચેકોસ્લોવાકિયા ઉપરના આક્રમણને કાસ્ટ્રોએ ટેકો આપ્યો. સૈનિકો મોકલીને કાસ્ટ્રોએ ઇથિયોપિયાને સોમાલિયા સામેના યુદ્ધમાં મદદ કરી; ત્યારપછીના અંગોલાના સ્વાતંત્ર્યયુદ્ધમાં 40,000 જેટલું સૈન્ય મોકલી અંગોલાને સહાય કરી. એશિયા-આફ્રિકાનાં રાજ્યોમાં બહોળો પ્રસાર પામેલી બિનજોડાણની ચળવળ(non-alignment movement – NAM)ને કાસ્ટ્રોએ ટેકો આપ્યો. તેમની પ્રબળ સક્રિયતાના કારણે ‘નામ’નું છઠ્ઠું અધિવેશન હવાનામાં મળ્યું. સાતમું અધિવેશન જ્યારે દિલ્હીમાં મળ્યું ત્યારે કાસ્ટ્રોએ તેનો હવાલો નવા પ્રમુખ તરીકે ઇન્દિરા ગાંધીને સોંપ્યો. આમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રગતિશીલ બળોને ટેકો આપીને કાસ્ટ્રોએ દુનિયાભરમાં લોકચાહના પ્રાપ્ત કરી.

આંતરિક રાજકીય-આર્થિક નીતિ અંગે કાસ્ટ્રોનો અભિપ્રાય હતો કે રાષ્ટ્ર વ્યક્તિઓનો સમૂહ નથી, પરંતુ એક વિસ્તૃત કુટુંબ-પરિવાર છે. ક્યૂબામાં કાસ્ટ્રોના પક્ષ સિવાય બીજા કોઈ પક્ષને સ્થાન ન હતું. સામ્યવાદી વિચારસરણીને વરેલા કાસ્ટ્રોએ અપનાવેલી નીતિને કારણે બાળમરણપ્રમાણ ઘટ્યું, આયુષ્યમર્યાદા લંબાઈ અને રાજ્ય તરફથી મળતી સુવિધાઓને કારણે લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું.

પરંતુ પશ્ચિમ ગોળાર્ધમાં અને વિશેષ તો દક્ષિણ અમેરિકામાં સામ્યવાદી વિચારસરણીનો ફેલાવો કરવાની કાસ્ટ્રોની મકસદ બર આવી નહિ. માર્ક્સવાદી વિચારસરણી તરફ ઢળતા ચીલીના શાસક એલેન્દેનું 1973માં પતન થતાં આવી કોઈ આશા રહી નહિ. સોવિયેત સંઘના વિઘટન તથા પૂર્વ યુરોપમાં સામ્યવાદી વિચારસરણીનો અસ્ત થતાં તેમજ ચીનમાં પણ નવી ઉદારતાવાદી આર્થિક નીતિનાં પગરણ થતાં ક્યૂબા તદ્દન એકલું પડી ગયું છે. એકમાત્ર લશ્કરી-આર્થિક મહાસત્તા તરીકે અમેરિકા આ બદલાયેલી સ્થિતિનો લાભ લઈ રહ્યું છે. ક્યૂબાની આસપાસ આર્થિક-વ્યાપારી નાકાબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત વ્યાપારી ધોરણે ક્યૂબાને ચોખા મોકલે તેની સામે વાંધો લેવાઈ રહ્યો છે. બીજી તરફ ક્યૂબાને સધ્ધર રાખવા માટેની આર્થિક-રાજકીય-લશ્કરી સહાય આપી શકે તેટલું સામર્થ્ય રશિયા ધરાવતું નથી. કાસ્ટ્રો અનેકવિધ ભયનો સામનો કરી રહ્યા છે.

વિરોધીઓ સાથે સખ્તાઈથી કામ લેનાર ફિડેલે પ્રજાજીવનને બહેતર બનાવવા માટે તનતોડ પ્રયાસો આદર્યા. 1965થી ક્યૂબાએ નોંધપાત્ર આર્થિક અને સામાજિક પ્રગતિ સાધી, છતાં તેમના પર નવા સુધારાઓ કરવાનું દબાણ દેશમાં ચાલુ હતું. ક્યૂબામાં અમેરિકા સાથેના વ્યાપાર પર પ્રતિબંધ હોવાથી તે લાંબા ગાળાની અસરોના આકરા દોરમાંથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ 1991થી સોવિયેત સંઘના વિઘટનને કારણે તેના મજબૂત સમર્થનની અપેક્ષા નહિવત્ બની છે. આ સંજોગોમાં દેશની અંદર નવા સુધારાઓ અને વિશેષે આર્થિક સુધારાઓ કરવાનું દબાણ વધ્યું ત્યારે કાસ્ટ્રોએ સમય પારખી સુધારાઓનો આરંભ કર્યો. 1995થી અસાધારણ આર્થિક પરિવર્તનક્ષમતાનો સ્વીકાર કરી વાણિજ્ય અને ઉદ્યોગનાં મહત્વનાં ક્ષેત્રોમાં વિદેશી માલિકી અંગેની છૂટછાટો જાહેર કરવામાં આવી. જાન્યુઆરી 1996થી ક્યૂબા અને અમેરિકા વચ્ચેની તણાવભરી વિદેશનીતિમાં બદલાવ આવ્યો અને બંને દેશો વચ્ચે સુલેહભર્યા સંબંધો પ્રસ્થાપિત થયા. અમેરિકાની કૉંગ્રેસની પ્રતિનિધિસભાના ડેમૉક્રેટિક સાંસદોએ ક્યૂબાની સત્તાવાર મુલાકાત લઈ બે દેશો વચ્ચેના સંબંધોમાં હળવાશ આણી. જોકે અમેરિકાએ લાદેલા ક્યૂબા પરના વ્યાપારી પ્રતિબંધો હજુ ઉઠાવી લેવાયા નહોતા પણ ક્રમશ: આ સંબંધો સર્વસાધારણ બનવાની દિશામાં જઈ રહ્યા હતા. 2000ના વર્ષમાં ક્યૂબા પરના પ્રતિબંધો લગભગ ઉઠાવી લેવાયા અને ખોરાકી ચીજવસ્તુઓના વ્યાપારમાં છૂટછાટો જાહેર કરવામાં આવી હતી. આ પરિવર્તન અમેરિકાના નેતાઓ અને કાસ્ટ્રોની અમેરિકા અંગેની નીતિમાં આવેલ બદલાવને આભારી છે. ધર્મમાં શ્રદ્ધા ન ધરાવતા આ સામ્યવાદી દેશે 1998માં નામદાર પોપને ક્યૂબામાં આમંત્રિત કર્યા અને પોપની મુલાકાત દ્વારા ક્યૂબા અને કાસ્ટ્રોમાં આવી રહેલા પરિવર્તનની પહેચાન કરાવી. ફેબ્રુઆરી 1998માં કાસ્ટ્રો વધુ એક વાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

કાયમ લશ્કરી ગણવેશમાં સજ્જ રહેનાર કાસ્ટ્રોએ ક્યૂબા ઉપર એકધારું વર્ચસ્ ચલાવીને વિક્રમ સર્જ્યો છે. સમર્થ અને છટાદાર વક્તા તથા અસરકારક નેતા તરીકે કાસ્ટ્રોએ નામના મેળવી છે. 1,12,01,000 (2000)ની વસ્તી ધરાવતું ક્યૂબા આજદિન સુધી સામ્યવાદી રાષ્ટ્ર તરીકે ટકી રહ્યું છે તેનો યશ કાસ્ટ્રોને જાય છે.

દેવવ્રત પાઠક

રક્ષા મ. વ્યાસ