કાશ્યપસંહિતા

January, 2006

કાશ્યપસંહિતા : સાંપ્રત ‘વૃદ્ધ જીવકતંત્ર’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથનું મૂળ નામ. ચરકસંહિતાના પ્રવક્તા જેમ આત્રેય છે અને સુશ્રુતસંહિતાના ઉપદેશક જેમ ધન્વંતરિ છે તેમ ‘કાશ્યપસંહિતા’ના પ્રવક્તા કશ્યપ રહ્યા છે. કશ્યપે કહેલી તે ‘કાશ્યપસંહિતા’. મહર્ષિ કશ્યપનું નામ ‘મરીચિ કશ્યપ’ તરીકે પણ આવે છે. ચરકસંહિતામાં પણ મારીચ કશ્યપનો ઉલ્લેખ છે. ઋચિકપુત્ર જીવકે કાશ્યપતંત્રનો સંક્ષેપ કર્યો. કલિયુગમાં તે નષ્ટ થયો. પછી જીવકના વંશજ વાત્સ્ય મુનિએ તેનો પ્રતિસંસ્કાર કર્યો. ‘કાશ્યપસંહિતા’માં જણાવ્યા પ્રમાણે કશ્યપે ઇન્દ્ર પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે વસિષ્ઠ, અત્રિ, ભૃગુ વગેરેને આપ્યું. કાશ્યપસંહિતામાં સ્ત્રીઓના રોગો, પ્રસૂતિતંત્ર તથા બાળકોના રોગો વિશે વિશેષ માહિતી આપી છે. ‘કૌમારભૃત્ય શાસ્ત્ર’(pediatrics)ના મૂળ જનક મહર્ષિ કશ્યપ મનાય છે. ‘કાશ્યપસંહિતા’માં પ્રત્યેક અધ્યાયમાં इति ह स्माहं भगवान् काश्यपः । એવાં વચનો આવે છે. હાલમાં ઉપલબ્ધ ‘કાશ્યપસંહિતા’ ખંડિત છે. તેનું નિર્માણ પણ અનેક સ્તર પર થયું છે એમ મનાય છે. મૂળ પ્રવક્તા કશ્યપ આત્રેયાદિના સમકાલીન હોવા જોઈએ. તે ઈ.પૂ. 1500થી 1000 દરમિયાન હોવા જોઈએ. વૃદ્ધ જીવકે કશ્યપના જ્ઞાનને સંહિતામાં નિબદ્ધ કર્યું, તેથી તે ‘વૃદ્ધ જીવકીય તંત્ર’ નામથી પ્રસિદ્ધ થયું. આ કાલ ઈ. પૂ. 400 લગભગનો મનાય છે. ‘કાશ્યપસંહિતા’માં ઉલ્લેખ આવે છે કે વૃદ્ધ જીવકીય તંત્રનો પુન: સંસ્કાર વાત્સ્ય નામના મુનિએ કર્યો. વાત્સ્ય પ્રસિદ્ધ ચિકિત્સક જીવકના વંશજ હતા. નેપાલસભાના ગુરુ પં. હેમરાજ શર્માએ પ્રાચીન પાંડુલિપિ ઉપરથી વર્તમાન ઉપલબ્ધ ‘કાશ્યપસંહિતા’ પ્રકાશિત કરી છે. આ ‘કાશ્યપસંહિતા’માં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, સિદ્ધિસ્થાન અને કલ્પસ્થાન એવાં આઠ સ્થાનો છે. કુલ 120 અધ્યાયો છે. ખિલ સ્થાન જુદું છે. તેમાં 80 અધ્યાયો છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે