કાર્લ સ્નાર્ફ : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ.

તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય ર્દષ્ટિએ નિહાળી 1936માં અંદરની રચના, જેવી કે પરાગરજ, ગર્ભપુટ (embryo sac), ભ્રૂણપોષ અને ગર્ભ વગેરે બહારના વાતાવરણથી સુરક્ષિત અવયવો વિશેના પોતાના મૌલિક વિચારોની પ્રયોગશાળામાં ચકાસણી કરી એકદળી વનસ્પતિઓનાં કુળો લીલીએસી અને એમેરીલીડેસીમાં સમાવેશ થતી જાતિઓના આંતરસંબંધો દર્શાવતા દ્વિતીયક ફલનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે પ્રજાતિ Cytinus, Populus, Casuarina, Campanula, Epimedium, Iris Cochlospermum વગેરે ઉપર છેદોને અભિરંજિત કરીને ગર્ભવિદ્યાનો પ્રશસ્ય વિકાસ કર્યો. તેમણે 1929માં ‘Embryologieder Angiospermen’ અને 1931માં ‘Vergleichende Embryologic der Angiospermen’એ વિસ્તૃત અભ્યાસપૂર્ણ અને પ્રમાણભૂત ગ્રંથો પ્રકાશિત કર્યા છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ