કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા.

ઍરવિડ કાર્લસન

મનુષ્યના મગજમાં 100 અબજ કરતાં વધારે ચેતાકોષો હોય છે. તેઓ ચેતોપાગમ (synapse) પાસેથી રાસાયણિક સંકેતોનો વિનિમય કરે છે. ચેતોપાગમ એવાં બિંદુઓ છે, જેમના દ્વારા પાસે પાસેના ચેતાકોષો રાસાયણિક પ્રેષણ (transmission) દ્વારા સંપર્કમાં રહે છે. ચેતાકોષો તેમના સંકેતો રાસાયણિક સંયોજનો દ્વારા મોકલે છે; જેમને ચેતાપ્રેષકો (neurotransmitters) કહે છે. આ ચેતાપ્રેષકો ચેતોપાગમમાંથી પસાર થાય છે. ગ્રાહક ચેતાકોષની સપાટી પર આવેલાં ગ્રાહી સ્થાનોના સંપર્કમાં આવી ચેતાપ્રેષક સંકેત આપે છે. ગ્રાહકકોષ પછી બાહ્ય સંકેતનું આંતરિક સંદેશામાં રૂપાંતર કરે છે. બાહ્ય સંકેતોને આંતરિક ક્રિયા(action)માં પરિવર્તિત કરતી પ્રક્રિયાને સંકેત-પારક્રમણ (transduction) કહે છે.

1950ના દસકામાં કાર્લસન ડોપામાઇન મગજનો મહત્વનો ચેતાપ્રેષક છે તેમ પ્રસ્થાપિત કરનારા અગ્રણી વિજ્ઞાની હતા. અગાઉ, વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે ડોપામાઇન માત્ર પરોક્ષ રીતે જ કાર્ય કરે છે, જે દરમિયાનમાં તેનું બીજા ચેતાપ્રેષક નૉરએડ્રિનાલિનમાં રૂપાંતર થાય છે. ડોપામાઇન માટે સંવેદી કસોટીનો ઉપયોગ કરતાં કાર્લસને અવલોકન કર્યું કે ચાલવાની અને અન્ય સ્વૈચ્છિક હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતાં કરતાં મગજના વિસ્તારોમાં આ સંયોજનની ઉચ્ચ સાંદ્રતા જોવા મળે છે. પ્રાણીઓના પ્રયોગોમાં તેમણે દર્શાવ્યું કે ડોપામાઇનમાં ઘટાડાથી હલનચલનની ક્ષમતાને નુકસાન થાય છે. આવાં પ્રાણીઓને L-ડોપા આપતાં મગજ તેનું ડોપામાઇનમાં રૂપાંતર કરે છે અને ચિહનો અર્દશ્ય થતાં પ્રાણીઓ ફરીથી સામાન્ય હલનચલન કરવા લાગે છે.

કાર્લસન અને અન્ય વિજ્ઞાનીઓએ નિરીક્ષણ કર્યું કે પ્રાણીઓમાં જોવા મળતાં ચિહનો દર્દીઓમાં જોવા મળતાં પાર્કિન્સન રોગ જેવાં હતાં, તેથી L-ડોપા પાર્કિન્સનની ચિકિત્સામાં આપવામાં આવ્યું અને સમય જતાં આ રોગ માટે તે એક સૌથી મહત્વનું ઔષધ બની ગયું.

કાર્લસનના સંશોધને ચેતાપ્રેષકો અને ચિકિત્સીય ખિન્નતા (depression) જેવી માનસિક સ્થિતિ વચ્ચેના સંબંધોની સમજૂતીમાં ફાળો આપ્યો, જેથી પ્રોઝેક જેવા નવાં ખિન્નતારોધી (antidepressant) ઔષધોનો આ ચિકિત્સામાં ઉપયોગ શરૂ થયો.

કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમ દ્વારા 2000ના વર્ષનો નોબેલ પુરસ્કાર આયુર્વિજ્ઞાન ક્ષેત્રમાં કાર્લસનને પાર્કિન્સન અને અન્ય રોગોની ચિકિત્સા માટે નવાં ઔષધોના વિકાસમાં નોંધપાત્ર ફાળા બદલ સહવિજેતા તરીકે એનાયત કરવામાં આવ્યો.

બળદેવભાઈ પટેલ