કાર્બ-નાઇટ્રોજન સંયોજનો

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો : NH3ના હાઇડ્રોજન પરમાણુઓનું કાર્બનિક સમૂહ વડે વિસ્થાપન થવાથી મળતાં સંયોજનો. આથી ઘણાં કાર્બ-નાઇટ્રોજન સંયોજનોને બંધારણીય ર્દષ્ટિએ એમોનિયાનાં સંયોજકો ગણાવી શકાય. NH3માં ત્રણ વિસ્થાપનશીલ હાઇડ્રોજન હોવાથી તે દ્વારા મળતાં સંયોજનો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યાં છે.

ઍમાઇન્સ : એલિફેટિક ઍમાઇન્સ  એમોનિયાનાં વિસ્થાપન સંયોજનો છે. એમોનિયાને બદલે ઍમાઇન વાપરીને તેનાં નામ પાડવામાં આવે છે. આ રીતે CH3NH2 મિથાઇલ ઍમાઇન, (CH3)2NH ડાઇમિથાઇલ ઍમાઇન તથા (CH3)3N ટ્રાયમિથાઇલ ઍમાઇન કહેવાય છે. મિશ્ર પ્રકારના ઍમાઇનનાં નામ આલ્કલી સમૂહની વધતી સંકીર્ણતાના ક્રમ પ્રમાણે હોય છે. દા.ત., (CH3) (C2H5)NCH(CH3)2ને મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઍમાઇન કહે છે. જે સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ એક કાર્બન સાથે જોડાયેલ હોય (RNH2) તેને પ્રાથમિક ઍમાઇન, બે કાર્બન સાથે (R2NH) જોડાયેલ હોય તેને દ્વિતીયક તથા ત્રણ કાર્બન (R3N) સાથે જોડાયેલ હોય તેને તૃતીયક ઍમાઇન કહે છે. આ નામો નાઇટ્રોજન – પરમાણુની અવસ્થા સૂચવે છે. (CH3)3C.OHને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહૉલ કહે છે.

સમૂહનું નામ સંયોજનનું વર્ગ-નામ સૂત્ર (બંધારણીય)
એમીનો પ્રાથમિક ઍમાઇન R.NH2  (Ar)
ઇમીનો દ્વિતીયક ઍમાઇન

તૃતીયક ઍમાઇન

R2NH  (Ar)

R3N    (Ar)

ઍમાઇડ અથવા

ઍમીડો

 

ઍમાઇડ્ઝ

 

CONH2

ઇમાઇડ અથવા

ઇમીડો

ઇમાઇડ્સ RCONHCOR

અથવા

(RCO)2NH (Ar)

સાયનો અથવા

નાઇટ્રાઇલ

સાયનાઇડ્ઝ અથવા

નાઇટ્રાઇલ્સ

R.C N (Ar)
આઇસોસાયનો

અથવા

આઇસોનાઇટ્રાઇલ

આઇસોસાયનાઇડ્સ

અથવા કાર્બિલ

ઍમાઇન્સ

RN C અથવા

RNC (Ar)

આઇસો-સાયનેટ આઇસોસાયનેટ્ઝ R-N = C = O

અથવા RNCO (Ar)

નાઇટ્રોસો નાઇટ્રોસો સંયોજનો ArN = 0 અથવા

ArNO

નાઇટ્રો નાઇટ્રો સંયોજનો RN = O અથવા

O   RNO2(Ar)

એઝો એઝો સંયોજનો R-N = N – R(Ar)
ડાએઝોનિયમ ડાએઝોનિયમ લવણો [Ar – N+ = N]

અથવા

પરંતુ (CH3)3CNH2 તૃતીયક બ્યુટાઇલ ઍમાઇન એ પ્રાથમિક એમાઇન છે, કારણ કે નાઇટ્રોજન પરમાણુ સાથે સીધો માત્ર એક કાર્બન પરમાણુ જોડાયેલો હોય છે. -NH2 સમૂહને એમીનો સમૂહ કહે છે અને બીજા સમૂહો ધરાવતા પ્રાથમિક ઍમાઇનને એમીનો સંયોજન તરીકે જ નામ આપવામાં આવે છે. દા.ત., CH3CHNH2CH2CH2OHને 3-એમીનો-1 બ્યુટેનોલ કહે છે. સાદાં ઍરોમૅટિક ઍમાઇન્સને સામાન્ય નામો હોય છે. દા.ત., એમીનો બેન્ઝીનને ઍનિલીન કહે છે તથા ત્રણ એમીનો ટૉલ્યુઈન્સને o (ઑર્થો), m (મેટા.) તથા p (પેરા) ટૉલ્યુઈડીન્સ કહે છે.

દ્વિતીયક તથા તૃતીયક ઍમાઇન્સને એમોનિયા વ્યુત્પન્ન તરીકે અથવા પ્રાથમિક ઍમાઇનના વ્યુત્પન્ન તરીકે નામ આપવામાં આવે છે. તેમાં પૂર્વગ (prefix) N- જે સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલ હોય તેને ઉદ્દેશીને દર્શાવાય છે.

પ્રાથમિક ઍમાઇન, એમોનિયા સાથે આલ્કિલ હેલાઇડની પ્રક્રિયાથી મેળવી શકાય : NH3 + RX → [RNH3]+ X

આ આલ્કિલ એમોનિયા-લવણમાંથી પ્રાથમિક ઍમાઇન મેળવી શકાય :

RNH3X + NaOH → RNH2 + H2O + NaX

[સરખાવો : NH4Cl + NaOH → NH3 + H2O + NaC1]

એમોનિયા તથા ઍમાઇનની બેઝિકતા લગભગ સરખી હોવાને કારણે પ્રક્રિયા સંપૂર્ણપણે ન થતાં સંતુલન પ્રાપ્ત કરે છે.

RNH3X + NH3 ↔ RNH2 + NH4X

આ રીતે બનેલા પ્રાથમિક ઍમાઇનની આલ્કિલ હેલાઇડના બીજા અણુ સાથે પ્રક્રિયા થતાં દ્વિતીયક ઍમાઇન બને છે.

RNH2 + RX → R2NH2X

R2NH2X + NH3 ↔ R2NH + NH4X

આ પછી તરત જ ત્રીજી પ્રક્રિયા થતાં તૃતીયક ઍમાઇન બને છે.

R2NH + RX → R3NHX;

R3NHX + NH3 ↔ R3N + NH4X

અંતે એક વધુ પ્રક્રિયાથી ચતુર્થક ઍમાઇન-લવણ મળે છે.

R3N + RX → R4NX

આ સ્થિતિ આવતાં જ પ્રક્રિયા અટકી જાય છે.

ઍરોમૅટિક ઍમાઇન : ઉપરની પ્રક્રિયાથી બનાવવાં મુશ્કેલ છે, કારણ કે ઍરોમૅટિક વલય સાથે જોડાયેલ હેલોજન પૂરતો ક્રિયાશીલ નથી. ટેકનિકલ રીતે પ્રક્રિયા 2000 સે. તાપમાને ક્યુપ્રસ ક્લૉરાઇડની હાજરીમાં કરવામાં આવે છે. ઍરોમૅટિક નાઇટ્રોજન સંયોજનો નાઇટ્રેશનથી સરળતાથી મેળવી શકાતાં હોવાથી નાઇટ્રો સંયોજનોના અપચયન દ્વારા ઍરો-ઍમાઇન મેળવવાની તે સામાન્ય રીત છે.

ટિન, લોખંડ વગેરે ધાતુ તથા HCl દ્વારા આવાં અપચયન કરવામાં આવે છે.

પ્રાથમિક તથા દ્વિતીયક ઍમાઇન્સ સંલગ્ન (associated) હોય છે. મિથાઇલ ઍમાઇન(અણુભાર 31)નું ઉ.બિં. -70 સે., અથવા ડાઇમિથાઇલ ઍમાઇન (અણુભાર 45)નું ઉ.બિં. +70 સે. છે પરંતુ ટ્રાઇમિથાઇલ ઍમાઇન(અણુભાર 59)નું ઉ.બિં. +4 છે. આમ તેનો અણુભાર ડાઇમિથાઇલ ઍમાઇન કરતાં વધુ હોવા છતાં તેનું ઉ.બિંદુ નીચું છે. H-બંધ બનાવવા માટે જરૂરી હાઇડ્રોજન તેની પાસે ન હોવાથી તે સંલગ્ન નથી હોતું પરંતુ તૃતીયક ઍમાઇન પાસે વણવપરાયેલ ઇલેક્ટ્રૉન-યુગ્મ હોવાથી પાણીના અણુ સાથે તે H-બંધ બનાવવા શક્તિમાન છે તેથી ઓછા અણુભારવાળા બધા પ્રકારનાં ઍમાઇન્સ પાણીમાં દ્રાવ્ય હોય છે. સાદાં ઍમાઇન્સ મોટાભાગના કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં ઍનિલીનની દ્રાવકતા (3.6 ગ્રા. પ્રતિ 100 ગ્રા. પાણી) n-હેકઝાઇલ ઍમાઇન(0.4 ગ્રા. પ્રતિ 100 ગ્રા. પાણી)થી વધુ છે. ઍનિલીનમાં પાણી લગભગ 5 % જેટલું ઓગળી જાય છે. ઍનિલીન બેન્ઝીનમાં દ્રાવ્ય છે. પરંતુ n-હેક્ઝેનમાં અદ્રાવ્ય છે. નીચા ક્રમવાળાં ઍમાઇન્સની વાસ એમોનિયા જેવી હોય છે. ટ્રાઇમિથાઇલ ઍમાઇનની વાસ માછલી જેવી હોય છે. જેમ અણુભાર વધતો જાય તેમ તેની દુર્ગંધ વધતી જાય છે; છેવટે અણુભાર વધતાં (બાષ્પદબાણ ઘટતાં) ગંધ ઘટતી જાય છે.

ઍરોમૅટિક ઍમાઇન્સ બહુ જ વિષાળુ (toxic) હોય છે. પ્રવાહી ઍમાઇન ચામડીમાં તરત જ શોષાઈ જાય છે તથા તેની બાષ્પ ઓછા પ્રમાણમાં પણ શ્વાસમાં જતાં વિષાળુતા દર્શાવે છે. ઍનિલીનની બાષ્પ 10 લાખ ભાગમાં 7 ભાગ જેટલી પણ શ્વાસમાં જતાં વિષાળુ અસર જણાય છે. ઍરોમૅટિક ઍમાઇનમાં ક્લૉરો કે નાઇટ્રો સમૂહ હોય તેવાં અથવા N-આલ્કિલ કે એસાઇલ સમૂહ હોય તેવાં સંયોજનો અથવા ડાઇ-ઍમાઇન્સ સંયોજનો અત્યંત વિષાળુતા દર્શાવે છે. N-ફિનાઇલ ઍમાઇન્સ N-આલ્કિલ વ્યુત્પન્નો કરતાં ઓછાં વિષાળુ હોય છે. ફીનૉલિક હાઇડ્રૉક્સી સમૂહ પણ વિષાળુતા ઘટાડે છે. કાર્બૉક્સિલ તથા સલ્ફોનિક ઍસિડ સમૂહ પણ વિષાળુતા ઘટાડે છે. કાર્બનિક રસાયણમાં ઍમાઇન્સ બેઝ તરીકે ગણવામાં આવે છે. તેથી તેની ઍસિડ-બેઝ પ્રક્રિયાઓ ખરી રીતે તો પ્રોટૉન-વિનિમય (proton-transfer) પ્રક્રિયાઓ જ છે. આમ એલિફેટિક ઍમાઇન્સ ઍમોનિયા કરતાં થોડા વધુ પ્રબળ બેઝ છે, જ્યારે ઍરોમૅટિક ઍમાઇન્સ (વલયમાંના ઇલેક્ટ્રૉન-અનુરાગી સ્વભાવને કારણે) એમોનિયા કરતાં ઓછા બેઝિક છે. ઍરોમૅટિક-એમીનો સમૂહની ઑર્થો કે પેરા સ્થિતિમાં પ્રબળ ઇલેક્ટ્રૉન-આકર્ષીય સમૂહ હોય તો તેની બેઝિકતા રહેતી નથી. (દા.ત., 2, 4, 6 -ટ્રાઇનાઇટ્રો ઍનિલીન બેઝિક નથી.)

મિથાઇલઍમાઇન, ડાઇમિથાઇલઍમાઇન, ટ્રાઇમિથાઇલઍમાઇન કુદરતી સંયોજનો(natural products)માં મળે છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનોની ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા તે બનતાં હોય છે. ઉદ્યોગમાં મિથાઇલ આલ્કોહૉલ તથા એમોનિયાના મિશ્રણને ગરમ કરેલા ઍલ્યુમિના ઉપરથી પસાર કરીને તે બનાવાય છે.

આ ત્રણેમાં ડાઇમિથાઇલઍમાઇન વધુ અગત્ય ધરાવે છે. તેના ત્રણ મુખ્ય ઉપયોગો છે : (ક) 2, 4-D તથા 2, 4, 5-T નામનાં લીલોતરીનાશકનાં લવણો બનાવવાં. (ખ) રબર વલ્કેનાઇઝેશનમાં અતિ પ્રવેગક (ultra accelerator) તરીકે તથા (ગ) ઍક્રેલિક ફાઇબરના સ્પિનિંગ માટે દ્રાવક તરીકે. આ અગાઉ જાનવરની ખાલ (ચામડાં) ઉપરથી વાળ ઉતારવા ડાઇમિથાઇલઍમાઇન વપરાતો. મોટાભાગનો મિથાઇલઍમાઇન પુનશ્ચક્રણ (recycle) માટે (ડાઇ તથા ટ્રાઇ સંયોજનો બનાવવા) વપરાય છે. ટ્રાઇમિથાઇલઍમાઇન મુખ્યત્વે કોલીન ક્લૉરાઇડ બનાવવા વપરાય છે.

પ્રાથમિક, દ્વિતીયક તથા તૃતીયક ઍમાઇનને પારખવાની કસોટી તેમની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લૉરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આને હિન્સબર્ગ કસોટી કહે છે. પ્રાથમિક ઍમાઇનની PhSO2Cl સાથે પ્રક્રિયા દ્વારા બનતો સલ્ફોનેમાઇડ આલ્કલી-દ્રાવ્ય છે. દ્વિતીયક ઍમાઇન સાથે બનતો સલ્ફોનેમાઇડ આલ્કલી-અદ્રાવ્ય છે તથા તૃતીયક ઍમાઇન પ્રક્રિયા કરતો નથી.

C6H5SO2Cl + HNR2 → C6H5SO2NR2 + HCl

એલિફેટિક ઍમાઇન્સ નાઇટ્રસ ઍસિડ સાથે પ્રક્રિયા કરીને તેમની પ્રકૃતિ મુજબ જુદી જુદી નીપજો આપે છે. આ પ્રક્રિયા પણ ઍમાઇન્સ પારખવા કસોટી તરીકે વપરાય છે.

RNH2 + HO – NO →

(પ્રાથમિક ઍમાઇન – નાઇટ્રસ ઍસિડ)

(દ્વિતીયક ઍમાઇન) (અદ્રાવ્ય પીળો નાઇટ્રોસો-ઍમાઇન)

(તૃતીયક ઍમાઇન)    (દ્રાવ્ય ટ્રાઇઆલ્કિલ એમોનિયમ નાઇટ્રાઇટ લવણ)

આ રીતે પ્રક્રિયામાં નાઇટ્રોજન વાયુના પરપોટા દેખાય તો પ્રાથમિક ઍમાઇન; અદ્રાવ્ય પીળું દ્રાવણ રહે તો દ્વિતીયક તથા બધું દ્રાવ્ય થાય તો તૃતીયક ઍમાઇન નક્કી કરી શકાય.

ઍનિલીન ઔદ્યોગિક રીતે અગત્યનો છે. નાઇટ્રોબેન્ઝીનના અપચયન દ્વારા તથા ક્લૉરોબેન્ઝીનના એમોનોલિસિસથી તે મેળવાય છે. મુખ્યત્વે બીજાં સંયોજનો બનાવવા મધ્યસ્થી તરીકે તે વપરાય છે. તેના ઉત્પાદનના લગભગ 65 % રબર પ્રવેગકના ઉત્પાદનમાં તથા પ્રતિ-ઉપચાયક (anti-oxidant) તરીકે, લગભગ 15 % રંગક અને રંગ-ઉદ્યોગમાં તથા 10 % ઔષધ-ઉત્પાદનમાં વપરાય છે.

α-નેપ્થાઇલઍમાઇનને α-નાઇટ્રોનેપ્થેલીનના અપચયનથી મેળવવામાં આવે છે. b-નેપ્થોલના એમોનોલિસિસ દ્વારા b-નેપ્થાઇલઍમાઇન મેળવાય છે. આ પ્રક્રિયા નેપ્થેલીન શ્રેણીમાં જલીય એમોનિયા તથા એમોનિયમ સલ્ફાઇટથી કરવામાં આવે છે તથા તેને બુકરર પ્રક્રિયા કહે છે.

                                            β-નેપ્થાઇલ ઍમાઇન

પાયરોલિડીન વિષમચક્રીય ઍમાઇન છે તથા પાયરોલના ઉદ્દીપકીય અપચયનથી મેળવાય છે.

તે એલિફેટિક દ્વિતીયક ઍમાઇન જેવા જ ગુણધર્મો ધરાવે છે.

પિરિડીન કોલટારમાં હોય છે તથા વિષમચક્રીય ઍમાઇનમાં ખૂબ અગત્યનું છે. એલિફેટિક ઍમાઇન કરતાં તે ઓછું બેઝિક છે. પરંતુ ઍનિલીન કરતાં વધુ બેઝિક છે.

પિપરિડીનને પિરિડીનના અપચયનથી મેળવાય છે તથા તે એલિસાઇક્લિક ઍમાઇન છે.

ચતુર્થક એમોનિયમ લવણો : ચતુર્થક એમોનિયમ હેલાઇડનું જલીય દ્રાવણ સિલ્વર હાઇડ્રૉક્સાઇડ સાથે હલાવવાથી અદ્રાવ્ય સિલ્વર હેલાઇડ અવક્ષેપ પામીને દ્રાવણમાં ચતુર્થક એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ રહે છે.

[R4N]+X + AgOH → [R4N]+OH + AgX

આ લવણ દ્રાવણમાં સંપૂર્ણ વિયોજન દ્વારા આયનસ્વરૂપે રહે છે. તેથી પાણીમાં તેની બેઝિકતા NaOH કે KOH જેટલી જ હોય છે. ઉદા. જે રીતે NaOH દ્રાવણ દ્વારા કાચ ઉપર આંકા (etching) પાડી શકાય તે જ રીતે ચતુર્થક એમોનિયમ લવણના દ્રાવણથી પણ આંકા પાડી શકાય.

કોલીન ક્લોરાઇડ – ટ્રાઇમિથાઇલ- (2-હાઇડ્રૉક્સી ઇથાઇલ) – એમોનિયમ ક્લોરાઇડ [(CH3)3N+CH2CH2OH]Cl છે. તેનો ચતુર્થક એમોનિયમ આયન (જે કોલીન કહેવાય છે.) જૈવિક પ્રક્રિયાઓમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તથા પ્રાણીઓના ખોરાકમાં તે હોવો જરૂરી છે. કોલીન ક્લોરાઇડ (ક) વૃદ્ધિ માટે આવશ્યક છે, (ખ) ચરબીના વહન તથા કાર્બોહાઇડ્રેટના ચયાપચયને અસર કરે છે, (ગ) પ્રોટીન ચયાપચયમાં ભાગ લે છે, (ઘ) કિડનીનું રક્તસ્રાવથી થતું વિઘટન (haemorrhagic kidney disintegration) અટકાવે છે તથા (ચ) પેન્ક્રિયાસ દૂર કરેલા કૂતરાના લિવરમાં ચરબીનો થતો વધારો અટકાવે છે.

તે પ્રાણીમાંના એસિટાઇલ કોલીન આયન [(CH3)3N+CH2CH2OCOCH3] બનવા માટેનો ઉપયોગી ઘટક (precursor) છે. એસિટાઇલ કોલીન અથવા એપિનેફ્રીન નોર એપિનેફ્રીન મિશ્રણ સિમ્પેથિન (sympathin) તરીકે ઓળખાય છે. ચેતાકોષ તથા ચેતારેસા (nerve fibres) વચ્ચેના જંક્શન ઉપર ચેતાતંત્રના આવેગોના વહન માટેનું કારણભૂત રસાયણ છે.

હેક્ઝામિથોનિયમ : (હેઝામિથિલિન-બિસ-ટ્રાઇ ઇથાઇલ એમોનિયમ બ્રોમાઇડ)

[(C2H5)3 N+ (CH2)6N+ (C2H5)3] (Br)2

અનુકંપી ચેતાતંત્રની (sympathetic nervous system) પ્રણાલીની વધુ પડતી સક્રિયતાથી થતા લોહીના ઊંચા દબાણને અટકાવવા વપરાય છે.

સક્સિનાઇલ કોલીન આયોડાઇડ [(CH3)3N+CH2COCH2]2[I]2

ઈથર નિશ્ચેતકમાં ઉમેરા (adjurant) તરીકે ક્યુરારીનને સ્થાને વપરાય છે.

સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ

[C16H33N+(CH3)3]Clને સાબુ જેવા ગુણધર્મ હોઈ પ્રતીપ સાબુ (invert soap) અથવા કેટાયનિક પ્રક્ષાલકો (cationic detergents) કહે છે. પ્રક્ષાલકની અસર ધનાયન ઉપર આધારિત છે. ઘણા પ્રતીપ સાબુ જંતુઘ્ન અસરો દર્શાવે છે.

પૉલિઍમાઇન્સ, હાઇડ્રૉક્સિલ ઍમાઇન્સ અને એમીનો-ફીનૉલ્સ : ઇથિલીન ડાઇઍમાઇન, એમોનિયાની ઇથિલીન ક્લૉરાઇડ ઉપરની પ્રક્રિયા દ્વારા મળે છે.

ClCH2CH2Cl + 4NH3 → H2NCH2CH2NH2 + 2 NH4Cl

આ ઍમાઇનની બેઝની હાજરીમાં સોડિયમ ક્લૉરો-એસિટેટ સાથે પ્રક્રિયા કરવાથી ઇથિલીન ડાઇ-ઍમાઇન ટેટ્રા એસેટિક ઍસિડ(EDTA, Sequestrene, versene)નું સોડિયમ લવણ (NaOOCCH2)2NCH2CH2N(CH2COONa)2 બને છે. આલ્કલી મૃદ્ તથા ભારે ધાતુ આયનો માટે આ ઉપયોગી કુલીરક (chelating agent) છે. આવાં સંકીર્ણોને કુલીરકો (કીલેટ્સ, chelates) કહે છે. વિશ્લેષણ-રસાયણમાં EDTAનો બહોળો ઉપયોગ થાય છે.

નાઇટ્રોબેન્ઝીનનું જસત તથા સોડિયમ – હાઇડ્રૉક્સાઇડ દ્વારા અપચયન કરતાં હાઇડ્રોઝોબેન્ઝીન (a, b-ડાઇ-ફિનાઇલ હાઇડ્રેઝીન) બને છે.

2C6H5NO2 + 5Zn + 10NaOH    →    C6H5NHNHC6H5 + 5 Na2 ZnO2 + 4 H2O

હાઇડ્રેઝોબેન્ઝીનને HCl સાથે ગરમ કરવાથી પુનર્વિન્યાસ દ્વારા બેન્ઝીડીન હાઇડ્રોક્લૉરાઇડ (p, p’-ડાઇ-એમીનો બાઇફિનાઇલ હાઇડ્રોક્લૉરાઇડ) મળે છે. તે સૂતર માટે પ્રત્યક્ષ (direct) રંગો બનાવવાનો જરૂરી મધ્યસ્થી છે.

                                      બેન્ઝીડીન હાઇડ્રોક્લૉરાઇડ

o-ટોલીડીન (Tolidine : pp’ ડાઇએમીનો-m,m’ – ડાઇમિથાઇલ બાઇફિનાઇલ) આ જ પ્રમાણે o-હાઇડ્રૉક્સિ ટૉલ્યુઈનમાંથી બનાવી શકાય. ઇથિલીન ઑક્સાઇડ ઉપર એમોનિયાની પ્રક્રિયાથી 2-એમીનો ઇથેનૉલ (સામાન્ય નામ : ઇથેનૉલ ઍમાઇન) મળે છે. તેની સાથે ઇથિલીન ઑક્સાઇડના બીજા અણુ દ્વારા બિસ (2-હાઇડ્રૉક્સિ ઇથાઇલ) ઍમાઇન અથવા ડાઇ-ઇથેનૉલ ઍમાઇન તથા ત્રીજા ઇથિલીન ઑક્સાઇડ અણુ દ્વારા ટ્રિસ (2-હાઇડ્રોક્સિ ઇથાઇલ) ઍમાઇન અથવા ટ્રાઇઇથેનૉલ ઍમાઇન બને છે.

ઇથેનૉલ ઍમાઇન્સનાં ચરબીજ ઍસિડ લવણો પાણી તેમજ હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં દ્રાવ્ય હોવાથી સારાં પાયસીકારક (emulsifying agents) છે. ખેતીવાડીમાં છંટકાવ (spray) માટે આ વપરાય છે. ઇથેનૉલ ઍમાઇન, ડાઇ-ઇથેનૉલ ઍમાઇન (CO2, H2S જેવા વાયુ શોષી લેવા માટે ઉદ્યોગમાં વપરાય છે.

ઇથેનૉલ ઍમાઇન તથા તેનું ટ્રાઇમિથાઇલ એમોનિયમ લવણ કોલીન ફૉસ્ફોલિપિડ નામના સંયોજનનો ઉપયોગી ઘટક છે. ગ્લિસરોલ તથા કોલીનનું ચરબીજ ઍસિડ તેમજ ફૉસ્ફોરિક ઍસિડનું મિશ્ર લવણ લેસિથિન્સ તરીકે ઓળખાય છે. ઇથેનૉલ ઍમાઇનનું કોલીનને બદલે સિરાઇન સાથેનું લવણ સિફાલિન્સ તરીકે ઓળખાય છે. મિથાઇલ ડાઇઇથેનૉલઍમાઇન હાઇડ્રોક્લૉરાઇડની થાયોનિલ ક્લૉરાઇડ (અથવા PCl3) સાથે પ્રક્રિયા કરતાં મિથાઇલ બીસ(2-ક્લૉરોઇથાઇલ ઍમાઇન) હાઇડ્રોક્સાઇડ લવણ મળે છે.

(HOCH2CH2)2+NHCH3Cl + 2SOCl2 → (ClCH2CH2)2+NH CH3Cl + 2HCl + 2SO2. આ લવણનો મુક્ત બેઝ મસ્ટાર્ડ વાયુનો નાઇટ્રોજન સમાવયવી (analog) છે તથા મસ્ટાર્ડ વાયુ જેવી જ અસર દર્શાવે છે.

અનુકંપી ચેતાતંત્ર પ્રણાલી(sympathetic nervous system)ની કાર્યપદ્ધતિની નકલ કરતાં હાઇડ્રૉક્સિલેટેડ ફિનાઇલ ઇથાઇલ ઍમાઇન્સ સમૂહોને સિમ્પેથોમિમેટિક ઍમાઈન્સ નામ આપવામાં આવ્યું છે. કેટલાંક સંયોજનો નીચે દર્શાવ્યાં છે :

બેનાડ્રીલ : ડાઇફિન-હાઇડ્રેમાઇન : (C6H5)2CHOCH2CH2N (CH3)2 હિસ્ટામિન – ઍલર્જી મટાડવા વપરાય છે તથા દરિયાઈ માંદગી (sea-sickness) અટકાવવા પણ વપરાય છે. એમીનોફીનૉલ્સમાં p-એમીનોફિનૉલ (P.A.P.) ફોટોગ્રાફિક ડેવેલપર તરીકે ઉપયોગી છે તથા ફીનૉલના નાઇટ્રોસેશન તથા અપચયન દ્વારા મેળવાય છે.

તેમાંથી ફોટોગ્રાફીનું ગ્લાયસીન (p-હાઇડ્રૉક્સિફિનાઇલ ગ્લાયસીન)

મેળવવામાં આવે છે. p-હાઇડ્રૉક્સિફિનાઇલ ગ્લાયસીનને ક્રેસોલ્સના મિશ્રણ સાથે ગરમ કરીને કાબૉર્ક્સીકરણ કરવાથી p-(મિથાઇલ એમીનો) ફીનૉલ મળે છે જેનું સલ્ફેટ-લવણ મેટોલ તરીકે અગત્યનું ફોટોગ્રાફિક ડેવેલપર છે.

એમીનોફીનૉલ્સના મિથાઇલ ઈથર એનીસિડિન્સ તરીકે તથા ઇથાઇલ ઈથર ફેનીટિડિન્સ તરીકે જાણીતાં છે p-ફીનેટિડિન તથા તેનો એસિટાઇલ વ્યુત્પન્ન એસિટોફેનીટિડીન યા ફિનાસિટિન તાવ ઉતારવા માટે તેમજ વેદનાહર (analgesic) તરીકે જાણીતો છે.

એરાઇલ આઇસોસાયનેટ્સ ઉપયોગી સંયોજનો છે. એરાઇલ કાર્બેમાઇલ ક્લૉરાઇડ (જે ઍમાઇન તથા ફૉસ્જીન દ્વારા મેળવાય છે.)ના ઉષ્મીય વિભાજનથી તે મેળવાય છે.

ફિ. કાર્બેમોઇલ ક્લૉરાઇડ, ફિ. આઇસોસાયનેટ

આઇસોસાયનેટ્સ પાણીની હાજરીમાં ઝડપી જળવિભાજન પામીને પ્રાથમિક ઍમાઇન આપે છે.

આઇસોસાયનેટ્સમાં આલ્કોહૉલ ઉમેરાતાં યુરિધેન્સ તેમજ ઍમાઇન્સ ઉમેરાતાં યુરિયા બને છે.

2, 4-ટોલાઇલીન ડાઇ-આઇસોસાયનેટ તથા 1-5 નેપ્થાઇલીન ડાઇ-આયસોસાયનેટ (સામાન્ય નામ ટોલ્વિન ડાઇઆયસોસાયનેટ તથા નેપ્થેલીન ડાઇ-આઇસોસાયનેટ) તેમના યોગ્ય ડાઇ-ઍમાઇન્સમાંથી બનાવાય છે. યુરિધેન રબર અને ફોમ બનાવવા માટે તે અતિ ઉપયોગી મધ્યસ્થીઓ છે.

સાયનેમાઇડ H2NC Nનું ઉપયોગી કૅલ્શિયમ લવણ કૅલ્શિયમ સાયનેમાઇડ નાઇટ્રોજનયુક્ત ખાતર છે.

5 કે તેથી ઓછા pH-મૂલ્યે સાયનેમાઇડ સ્થાયી છે. પરંતુ 7થી 12 pH થતાં જ તે દ્વિલક (dimer) ડાઇ-સાયનેમાઇડમાં પરિવર્તન પામે છે. CaNCN + 2H2O ® Ca(OH)2 + H2NCN

ડાઇ-સાયનેમાઇડને શુષ્ક એમોનિયા વાયુ તથા મિથાઇલ આલ્કોહૉલ સાથે ગરમ કરતાં સાયનેમાઇડનો ત્રિલક (trimer) મેલામાઇન બને છે.

મેલામાઇન ફૉર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા મેલામાઇન ફૉર્માલ્ડિહાઇડ બહુલક આપે છે.

એઝો સંયોજનો, એઝો રંગકો, એમીનો ઍસિડ્ઝ વિશે અગાઉ નિરૂપણ થયેલું છે. (જુઓ ગુ. વિ., ગ્રંથ 3).

ડાએઝો લવણો ઍરોમૅટિક ઍમાઇન (દા.ત., એનિલિન) તથા HClના દ્રાવણને 00એ ઠંડું પાડીને તેની નાઇટ્રસ ઍસિડ (NaNO2 + HCl) સાથે પ્રક્રિયા કરતાં ડાએઝોનિયમ લવણ ArN+2Cl મળે છે, જે નીચા તાપમાને સ્થાયી છે. આ પ્રક્રિયાને ડાએઝોટાઇઝેશન કહે છે. જો આ દ્રાવણનું જળવિભાજન કરવામાં આવે તો ફીનૉલ બને છે.

ડાએઝો લવણ સૂકી અવસ્થામાં સ્ફોટક હોય છે. પરંતુ નીચા તાપમાને ઠંડા દ્રાવણમાં તે વાપરી શકાય. તે ખૂબ ક્રિયાશીલ હોઈ વિવિધ પ્રકારની વિસ્થાપક પ્રક્રિયાઓ (એસિડિક દ્રાવણમાં) દર્શાવે છે તથા તે સાથે N2 વાયુ નીકળે છે. આ પ્રક્રિયાઓ ઝડપી બનાવવા ક્યુપ્રસ લવણો ઉદ્દીપક તરીકે વપરાય છે. એમીનો સમૂહનું બીજા સમૂહ દ્વારા વિસ્થાપન કરવા કાર્બનિક સંશ્લેષણમાં આ અતિ મહત્ત્વની રીત છે.

આ રીતે ઍરોમૅટિક સંયોજનોમાં -NH2 સમૂહને સ્થાને આ રીત દ્વારા -OH, -CN, -X, -Ar કે -H લાવી શકાય છે. આ બધી પ્રક્રિયાઓ એસિડિક દ્રાવણમાં થાય છે. તટસ્થ અથવા બેઝિક દ્રાવણમાં ઍરોમૅટિક ડાએઝો લવણો ફીનૉલ કે તૃતીયક ઍરોમૅટિક ઍમાઇન જેવાં ક્રિયાશીલ સંયોજનો સાથે યુગ્મીકરણ (coupling) પામે છે. પરિણામે એઝો -N = N- સંયોજનો બને છે.

જ. પો. ત્રિવેદી