કાર્બ્યુરેટર : તણખા-પ્રજ્વલિત (spark-ignition) એન્જિનમાં, હવા અને બળતણના મિશ્રણને વાયુ સ્વરૂપમાં તૈયાર કરી મોકલવા માટે વપરાતું સાધન. ઑટોમોબાઇલ એન્જિનમાં (પેટ્રોલ-એન્જિનમાં) વપરાતા કાર્બ્યુરેટરના મુખ્ય ભાગો પ્રવાહી બળતણ માટેનો સંગ્રહખંડ (storage chamber), ચોક, નિષ્ક્રિય જેટ (idling jet), મુખ્ય જેટ, વેન્ચ્યુરી પ્રકારની હવાના પ્રવાહની મર્યાદા (restriction) અને પ્રવેગક (accelerator) પંપ છે. સંગ્રહખંડમાં પ્રવાહી બળતણનો જથ્થો, ફ્લોટની મદદથી કાર્ય કરતા વાલ્વથી નિયંત્રિત થાય છે, જ્યારે સવારની ઠંડીમાં એન્જિન ચાલુ કરવામાં આવે ત્યારે, ચોક, કે જે પતંગિયા આકારનો વાલ્વ છે તે, સિલિંડરમાં હવાનું પ્રમાણ ઘટાડી, વધુ બળતણવાળો ચાર્જ દાખલ કરે છે. નિષ્ક્રિય જેટમાં થઈને બળતણ અંદર જતી હવા(intake air)માં વહે છે. આનું મુખ્ય કારણ અંશત: બંધ થ્રોટલ વાલ્વ વડે ઘટતું દબાણ છે. થ્રોટલ વાલ્વ વધુ ખૂલે ત્યારબાદ મુખ્ય જેટ કાર્યાન્વિત થાય છે. વેન્ચ્યુરી પ્રકારની હવા-પ્રવાહની મર્યાદા, દબાણનો ઘટાડો કરે છે અને તેથી મુખ્ય જેટમાં થઈને બળતણ હવામાં દાખલ થાય છે. આમ થવાથી, બળતણ અને હવાનો ગુણોત્તર લગભગ અચળ જળવાઈ રહે છે. થ્રોટલ વાલ્વ એકાએક ખૂલે ત્યારે, પ્રવેગક પંપ અંદર જતી હવા સાથે બળતણને દાખલ કરે છે. બળતણની કાર્યદક્ષતા વધારવા અને વાયુઓમાંથી બહાર જતા હાઇડ્રૉકાર્બનની માત્રા ઘટાડવા, કાર્બ્યુરેટરમાં અન્ય ખાસ ભાગો ઉમેરવામાં આવે છે. પેટ્રોલથી ચાલતા ઑટોમોબાઇલ એન્જિનની કાર્યદક્ષતામાં તેમજ પેટ્રોલનું દહન બરોબર થાય તેમાં કાર્બ્યુરેટરની ડિઝાઇન તેમજ તેની નિયમિત સફાઈ મહત્વનો ભાગ ભજવે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ