કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર)

January, 2006

કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર) : પ્રકાશસંશ્લેષણ દરમિયાન હવામાંનાં અંગારવાયુ અને પાણી વડે સર્જાતા કાર્બોદિત પદાર્થ. દરેક સજીવ માટે તે અનિવાર્ય છે. મોટાભાગની વનસ્પતિઓમાં (ખાસ કરીને ધાન્યમાં) ખોરાકના રૂપમાં કાર્બોદિતનો મોટો સંચય જોવા મળે છે. આ સંચય અન્ય સજીવોના ખોરાકમાં કાર્બોદિતનો સ્રોત બને છે. કાર્બોદિત પદાર્થો પાચન દરમિયાન તેમના મૂળભૂત ઘટકો, એટલે કે મૉનૉસૅકેરાઇડ્ઝ(એક-શર્કરા)માં ફેરવાય છે; જે શરીરમાં શોષણ બાદ શ્વાસોચ્છવાસ દ્વારા ઑક્સીકરણ વખતે અંગારવાયુ અને પાણીમાં વિઘટન પાણી ઊર્જા મુક્ત કરે છે. (ગ્લુકોઝનો એક મોલ 38 એટીપીનું સંશ્લેષણ કરે છે.) કોષદીવાલમાંનું સેલ્યુલોઝ અને જીવાણુ બીજકોષ(કૅપ્સ્યૂલ)નાં પૉલિસૅકેરાઇડ્ઝ (બહુ-શર્કરા) આકાર આપનાર અગત્યના પદાર્થો છે. કાર્બોદિત પદાર્થો વનસ્પતિજન્ય ગુંદરમાં પણ હોય છે (pentosans). ટ્યૂબરકલ બેસિલાઇના ગ્લુકોસાઇડમાં D-Arabinose જોવા મળે છે. પૅન્ટોઝ (પંચકાર્બોદિત) શર્કરા ન્યુક્લિઇક ઍસિડમાં હોય છે. મીઠાશનો ગુણધર્મ ધરાવતી હેક્ઝોસ (ષષ્ઠકાર્બોદિત) શર્કરા ફળોના રસમાં અને મધમાં હોય છે. આ દરેકમાંથી ગ્લુકોઝ એવી શર્કરા છે જે મોટાભાગના સજીવોમાં જોવા મળે છે. ફળોના રસમાં પણ એ હોય છે. મેનાન્સ રૂપે મેનોઝ વનસ્પતિઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ફણગાવેલ ધાન્યમાં તેમજ જવમાં માલ્ટોઝ હોય છે. સુક્રોઝ (ડાઇસૅકેરાઇડ – દ્વિશર્કરા) દરેક વનસ્પતિમાં હોય છે. ખાસ કરીને શેરડી અને બીટરૂટમાંથી એ મેળવવામાં આવે છે. આપણા ખોરાકનો મુખ્ય અને મહત્વનો કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચ કે કાંજી (પૉલિસૅકેરાઇડ – બહુ-શર્કરા), બટાટા, ધાન્ય અને ચોખામાં મોટા પ્રમાણમાં હોય છે. વનસ્પતિની તેમજ કેટલીક શેવાળ અને જીવાણુઓની કોષદીવાલને આકાર આપનાર મહત્વનો ઘટક સેલ્યુલોઝ છે. ડહાલિયા અને જેરૂસલેમ આર્ટિચોક્સનાં મૂળ અને કંદમાં ઇન્યુલીન (વિશેષ પ્રકારનો કાર્બોદિત પદાર્થ) સંચિત ખોરાક તરીકે મળી આવે છે.

ઓમપ્રકાશ સક્સેના

અશ્વિન થાનકી