કાર્તી-બ્રેસોં, હેન્રી

January, 2006

કાર્તી-બ્રેસોં, હેન્રી (Cartier-Bresson, Henrin) (જ. 22 ઑગસ્ટ 1908, શાન્તેલૂ, ફ્રાંસ; અ. 2004, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ ફોટોગ્રાફર. કોઈ પણ સજીવ તેની કેટલીક પ્રાકટ્યની પળોમાં આંતરમનની અભિવ્યક્તિ શારીરિક અંગભંગિ અને મૌખિક મુદ્રાઓ દ્વારા કરે છે અને તે પળોને કૅમેરા વડે જકડી લેવાનો તેમનો આપેલો સિદ્ધાંત આજે ‘ડિસાઇસિવ મૉમેન્ટ’ (‘Decisive Moment’) નામે વ્યાપક બન્યો છે.

1927થી 1928 દરમિયાન કાર્તી-બ્રેસોંએ પૅરિસમાં પ્રસિદ્ધ ઘનવાદી (‘ક્યૂબિસ્ટ’) ચિત્રકાર અને કલાવિવેચક આન્દ્રે લ્હોતે હેઠળ કલા-અભ્યાસ કર્યો. લ્હોતેએ કાર્તી-બ્રેસોંના દિલમાં ચિત્રકલા માટે પણ આજીવન રસ પેદા કર્યો. 1929માં કાર્તી-બ્રેસોંએ કેમ્બ્રિજ જઈ સાહિત્ય અને ચિત્રકલાનો અભ્યાસ કર્યો.

એક છોકરડો હતો ત્યારથી જ ‘બ્રાઉની’ (Brownie) સ્નૅપશૉટ કૅમેરા વડે કાર્તી-બ્રેસોં ફોટા પાડતા; પરંતુ 1930માં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફરો મૅન રે તથા યુજિન એત્ગેના ફોટોગ્રાફ જોયા પછી ફોટોગ્રાફીના ક્ષેત્રે કારકિર્દી ઘડવાની મહત્વાકાંક્ષા તેમના મનમાં જાગી. 1931માં આફ્રિકા જઈ એક જંગલમાં રહેવાનું તેમણે શરૂ કર્યું અને ફોટોગ્રાફી કરી. તબિયત બગડતાં તેઓ ફ્રાંસ આવ્યા. 1933માં તેમણે 35 મિલીમિટર પહોળી નેગેટિવ પર ફોટા પાડતો લાઇકા ખરીદ્યો. એ પછી 55 વરસ સુધી પૂરી દુનિયામાં રઝળપાટ કરીને તેમણે પુષ્કળ ફોટોગ્રાફી કરી.

હેન્રી કાર્તી-બ્રેસોં

1937માં કાર્તી-બ્રેસોંએ રત્ના મોહિની સાથે લગ્ન કર્યું. એ જ વર્ષે સ્પૅનિશ ગૃહયુદ્ધમાં દાક્તરી સારવાર ઉપર તેમણે દસ્તાવેજી ફિલ્મ બનાવી. વળી, એ જ વર્ષે છાપાંઓ અને મૅગેઝીનોમાં એમણે લીધેલા ફોટા છપાવા માંડ્યા.

1936થી 1939 સુધી કાર્તી-બ્રેસોંએ વિશ્વપ્રસિદ્ધ ફ્રેન્ચ ફિલ્મ-દિગ્દર્શક જ્યાં રેન્વા(Jean Renoir)ના મદદનીશ તરીકે કામ કર્યું. રેન્વાની બે ફિલ્મો ‘ઉને પાર્તી દ શેમ્પેઇન’ (‘ધ પિકનિક’) અને ‘લા રેલ્યા દ જ્યુ’(La Regle de jeu : ‘ધ રુલ્સ ઑવ્ ધ ગેઇમ’)માં તેમણે મદદનીશ તરીકે સર્જનાત્મક ફાળો આપ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં જર્મન લશ્કરે તેમને કેદી તરીકે પકડ્યા. 1943માં તેઓ આ કેદમાંથી છટકીને ભાગી છૂટ્યા અને જર્મન લશ્કરે ફ્રાંસમાં આચરેલા અમાનવીય દમન અને ત્રાસ તથા તેને પરિણામે ઉદભવેલા ઓથારનું દસ્તાવેજીકરણ કરવા માટે ફ્રેન્ચ ભૂગર્ભ ફોટોગ્રાફિક ચળવળમાં જોડાયા. બીજું વિશ્વયુદ્ધ ખતમ થતાં અગાઉ જર્મનોએ પકડેલાં ફ્રેન્ચ કેદીઓને મુક્તિ મળતાં પાછા ફરી રહેલા ફ્રેન્ચ કેદીઓ ઉપર એક દસ્તાવેજી ફિલ્મ ‘લે રિતૂ’ (Le Retour) યુનાઇટેડ સ્ટેટ્સ ઑફિસ ઑવ્ વૉર-ઇન્ફર્મેશન માટે બનાવી.

કાર્તી-બ્રેસોંના ફોટાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન ન્યૂયૉર્કની જુલિયન લેવી ગૅલરી ખાતે 1933માં થયેલું. 1947માં ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમના ફોટાઓનું બીજું વૈયક્તિક પ્રદર્શન યોજાયું. એ જ વર્ષે વિશ્વપ્રસિદ્ધ ફોટોગ્રાફર રૉબર્ટ કાપાની ભાગીદારીમાં કાર્તી-બ્રેસોંએ મૅગ્નમ ફોટોઝ નામે સહકારી ફોટો એજન્સી શરૂ કરી. વિશ્વભરનાં સામયિકોને તત્કાલીન શ્રેષ્ઠ ફોટોગ્રાફરોના શ્રેષ્ઠ ફોટા પૂરા પાડવાની કામગીરી આ એજન્સીએ આરંભી. 1948માં કાર્તી-બ્રેસોં ફોટા પાડવા માટે ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને ઇજિપ્તની મુલાકાતે ગયા. ભારતમાં તેમણે ગુજરાત અને અમદાવાદને પણ ફોટામાં ઝડપ્યાં. એ પછી યુરોપના વિવિધ દેશોમાં ફરી ફોટાગ્રાફી કરી. આ બધા ફોટા 1952થી 1956 સુધીમાં કાર્તી-બ્રેસોંના ફોટાના આલબમ-પુસ્તકોમાં પ્રકાશિત થયા. આ તબક્કાના તેમના ફોટોગ્રાફ-આલબમોમાંથી શ્રેષ્ઠ ગણાયું છે ‘ઇમેજિઝ એ લા સૉવેતે’ (Images À La Sauvette). એ પછીનાં તેમનાં શ્રેષ્ઠ ફોટા-આલબમોમાં સમાવેશ પામે છે : ‘કાર્તી-બ્રેસોં’ઝ ફ્રાંસ’ (1971), ‘ધ ફેઇસ ઑવ્ એશિયા’ (1972) તથા ‘એબાઉટ રશિયા’ (1974).

1955માં પૅરિસના મ્યુઝિયમ ‘મુઝી દ આ દેકોરેતિફ’ (Musēe des Arts Decoratifs)માં કાર્તી-બ્રેસોંના ફોટાનું પશ્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શન યોજાયું. તેમાં કાર્તી-બ્રેસોંના શ્રેષ્ઠ 400 ફોટા પ્રદર્શિત થયા. પછી આ પ્રદર્શન યુરોપના વિવિધ દેશો અને યુ.એસ.માં ગયું. આખરે પૅરિસમાં આવેલા ફ્રેન્ચ રાષ્ટ્રીય પુસ્તકાલય ‘બિબ્લિયૉથેક નૅશનાલે’(Bibliotheque Nationale)માં આ પ્રદર્શનને કાયમી ધોરણે ગોઠવી દેવામાં આવ્યું.

કાર્તી-બ્રેસોં ફોટા પાડવા માટે 1963માં ક્યૂબા, 1963-64માં મેક્સિકો તથા 1965માં ભારતના પ્રવાસે ગયા. ભારતના પ્રવાસ દરમિયાન અમદાવાદની પોળોનું જીવન તથા સાબરમતી નદી પણ તેમણે કચકડામાં કેદ કર્યાં.

1968માં ફ્રેન્ચ વિદ્યાર્થીઓએ પોકારેલા બળવા દરમિયાન કાર્તી-બ્રેસોં પૅરિસમાં હતા. ક્રોધિત વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ તેમણે કચકડામાં ઝડપી લીધી.

પછીનાં વર્ષોમાં કાર્તી-બ્રેસોંએ ચલચિત્રો-સિનેમા બનાવ્યાં. તેમાં ‘ઇમ્પ્રેશન્સ ઑવ્ કૅલિફૉર્નિયા’ (1969) અને ‘સધર્ન એક્સ્પોઝર્સ’ (1971) સૌથી વધુ નોંધપાત્ર બન્યાં છે; પરંતુ આ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી (ગતિશીલ ફોટોગ્રાફી-કૅમેરાકાર્ય) તેમણે પોતે કર્યું નહિ. તેઓ માનતા કે એમ કરવાથી દિગ્દર્શનના કામમાંથી ધ્યાન હઠી જાય છે. એ જ રીતે, એમણે કરેલી સ્થિર ફોટોગ્રાફીની પ્રિન્ટ તેઓ પોતે કદી ડેવલપ કરતા નહિ, કારણ કે તેઓ માનતા કે તેમ કરવાથી ટેકનિકલ ગૂંચવાડામાં ધ્યાન ખેંચાઈ જાય છે. ટેલિવિઝન વ્યાપક બનવાને કારણે સ્થિર ફોટા છાપતાં સામયિકોએ સ્થાન ગુમાવ્યું છે તેવી તેમની માન્યતા હતી.

કાર્તી-બ્રેસોંનો લાઇકા તેમનો હંમેશનો રોજિંદો સાથી હતો. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં બધે જ તેઓ તેને સાથે રાખતા. પોતાના લાઇકાને તેઓ ‘નોટબુક’ કહેતા.

અમિતાભ મડિયા