કાર્ટેલ : બજારનો ઇજારો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક પેઢીઓ દ્વારા રચાતું સંગઠન (syndicate). સામાન્ય રીતે તે વેચાણકરારમાં પરિણમે છે. સરખી વસ્તુનું ઉત્પાદન કરતી સ્વતંત્ર પેઢીઓ વિધિસરની સંધિ દ્વારા પોતાનું મંડળ રચે છે. તેની મારફત વસ્તુની સમાન કિંમત નક્કી કરે છે અને કેટલીક વાર દરેક ઉત્પાદક માટે મૂડીરોકાણ અને ઉત્પાદનનું કદ (quota), વેચાણની શરતો, પરસ્પર વ્યવહારની રીતરસમો તથા તેનું ઉલ્લંઘન કરતી પેઢીઓ સામે લેવાનાં સંભવિત પગલાંનો પણ કરારમાં નિર્દેશ કરે છે. સંગઠનમાં જોડાયેલા દરેક ઉત્પાદક કરાર દ્વારા નિર્ધારિત કરેલી કિંમતે પોતાની વસ્તુનું વેચાણ કરવા નૈતિક રીતે બંધાયેલા હોય છે. કાર્ટેલનો મુખ્ય હેતુ વસ્તુના પુરવઠાને અંકુશમાં રાખવાનો, પરસ્પરની હરીફાઈ નાબૂદ કરવાનો અને તે દ્વારા મહત્તમ નફો કમાવાનો હોય છે. કરારમાં સામેલ ન થયેલી બાબતો અંગે નિર્ણય કરવા દરેક પેઢી સ્વતંત્ર હોય છે.

કાર્ટેલ(જર્મન ભાષામાં kartell)નો પ્રારંભ જર્મનીમાં મધ્ય યુગમાં થયો હતો. ગ્રીસ ને રોમમાં તેનું અસ્તિત્વ હતું તેવા પુરાવા સાંપડે છે. ઓગણીસમી સદીના અંતમાં જર્મનીમાં તેનો ઝડપથી ફેલાવો થયો. 1930 સુધી તેની સંખ્યા આશરે 3000 જેટલી હતી. નાઝી શાસનકાળ દરમિયાન સરકારની નીતિ મુજબ અર્થતંત્રનું કેન્દ્રીય નિયમન કરવા માટે કાર્ટેલનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી જર્મની તથા યુરોપના અન્ય દેશોમાં તેમના પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસ થયા હતા. 1957માં જર્મનીમાં હરીફાઈને અવરોધતાં પરિબળો તથા પગલાં ગેરકાયદેસર જાહેર કરાયાં હતાં. અમેરિકામાં 1880થી ટ્રસ્ટવિરોધી કાયદા મારફત આવાં સંગઠનો તથા કરારો નાબૂદ કરવાના પ્રયાસ થતા રહ્યા છે; છતાં ઇજારાને પ્રોત્સાહન આપતાં આવાં સંગઠનો પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં વિશ્વના દેશોને ઝાઝી સફળતા મળી નથી. હાલ અસ્તિત્વ ધરાવતા ઑર્ગેનિઝેશન ઑવ્ પેટ્રોલિયમ એક્સપૉર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) તથા અમેરિકન ઑર્ગેનિઝેશન ઑવ્ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રિઝ (AOPEC) જેવાં સંગઠનો તેની સાબિતી પૂરી પાડે છે.

કાર્ટેલ જેવાં સંગઠનો ઊંચી કિંમતો દ્વારા ગ્રાહકવર્ગનું શોષણ કરે છે, બિનકાર્યક્ષમ પેઢીઓને ટકાવી રાખે છે તથા ઉત્પાદનખર્ચમાં ઘટાડો લાવી શકે તેવા તકનીકી સુધારા માટે બાધારૂપ બને છે.

જર્મનીમાં કાર્ટેલ, ઇંગ્લૅન્ડમાં પૂલ્સ તથા અમેરિકામાં ટ્રસ્ટ – એ ત્રણેય સરખા હેતુઓને વરેલાં સંગઠનો ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે