કારંથ, બી. વી.

January, 2006

કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક; અ. 1 સપ્ટોમ્બર 2002 બેંગાલુરુ, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. પૂરૂં નામ બાબુકોડી વેંક્ટરામન કારંથ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા. નાટ્યનિર્માણ અને ભજવણીના સઘન સંસ્કાર તેમને અહીં સાંપડ્યા. પણ નાટ્યપ્રવૃત્તિનું આ સાતત્ય જળવાયું નહિ અને તેમના જીવનમાં નવો નિર્ણાયક વળાંક આવ્યો.

બી. વી. કારંથ

વારાણસી ખાતે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરવા ગયા અને ત્યાં પીએચ.ડી. કક્ષાનો અભ્યાસ પૂરો કર્યો. અહીં પં. ઓમકારનાથ ઠાકુરના સંપર્ક તથા સાંનિધ્યનો પણ તેમને લાભ મળ્યો. પંડિતજી પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી. ત્યારબાદ પદ્ધતિસર નાટ્યતાલીમનો તંતુ પુન: જોડાયો અને તે દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં નાટ્યતાલીમ માટે દાખલ થયા. તાલીમ પૂરી કરીને સ્થાનિક સરદાર પટેલ સ્કૂલમાં જોડાયા અને શાળાના વિદ્યાર્થીઓ પાસે કેટલાંક નાટકો ભજવાવ્યાં. એ રીતે રંગભૂમિક્ષેત્રે સ્વતંત્ર રીતે કામ કરવાનો પ્રારંભ થયો. અલબત્ત નિજી નાટ્યનિર્માણશૈલી પ્રમાણે નાટ્યપ્રયોગો કરવાની પૂરેપૂરી મોકળાશ, તક તથા સાનુકૂળતા તો તે નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાના નિયામક નિમાયા ત્યારે જ મળી. આ તક તથા તેમની પ્રતિભાનો સમન્વય થવાથી, નિયામક તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ‘મૅકબેથ’ના યક્ષગાન શૈલીમાં રજૂ થયેલા હિંદી રૂપાંતર ‘બરનમ વન’ ઉપરાંત ‘અંધેર નગરી ચૌપટ રાજા’, ‘મુદ્રારાક્ષસ’, ‘છોટે સૈયદ બડે સૈયદ’, ‘શાહજહાન’, ‘ભગવદજ્જુકીયમ્’ જેવાં વિવિધ વિષય-શૈલીનાં નાટકો તેમણે હિંદીમાં રજૂ કર્યાં અને નામના મેળવી. આ ઉપરાંત માતૃભાષા કન્નડમાં પણ તેમણે કર્ણાટકનાં વિભિન્ન જૂથો મારફત નાટકો ભજવ્યાં. ઇતર ભારતીય ભાષાઓનાં નાટકોનું દિગ્દર્શન પણ સંભાળ્યું. કેટલાંક સંસ્કૃત નાટકોનાં કન્નડ તથા હિંદી ભાષાંતર પણ કર્યાં. ભોપાલની રાષ્ટ્રીય કક્ષાની કલા-સંસ્થા ભારતભવનના સ્થાયી નાટ્યજૂથ (repertoire) ‘રંગમંડલ’ના નિયામક તરીકે તેમણે કેટલાંક યાદગાર નાટકોનું દિગ્દર્શન કર્યું. પોતે ઉચ્ચ કોટિના દિગ્દર્શક હોવા છતાં તે દૃઢપણે માને છે કે નાટ્યપ્રયોગોમાં અભિનેતાનું અનન્ય મહત્ત્વ  હોય છે. અલબત્ત અભિનયના કલાકારો માટેના પ્રશિક્ષણ પ્રત્યે જોઈએ તેવું લક્ષ અપાતું નથી કે જોઈતી સુવિધા પણ નથી. તે ચિંતાથી પ્રેરાઈને જ તેમણે કર્ણાટક રાજ્ય સરકારના ઉપક્રમે ‘નાટક કર્ણાટક’ નામની નાટ્યતાલીમ પરિયોજના અમલમાં મુકાવી હતી. તે સંસ્થાના નિયામક તરીકે તેઓએ મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. નાટકમાં લેખકની ભાષા ઉપરાંત નાટ્યપ્રયોગ પૂરતી પણ આગવી ભાષા હોવી જોઈએ અને નાટકમાં સંગીત અનિવાર્ય રીતે આવશ્યક છે એમ તેઓ માનતા હતાં.

ફિલ્મસર્જક તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ થયો 1971માં. સહદિગ્દર્શક તરીકે ગિરીશ કર્નાડને સાથે રાખીને તેમણે સર્જેલી ‘વંશવૃક્ષ’ ફિલ્મ કન્નડ સાહિત્યના નામી લેખક એસ. એલ. બાયરપ્પાની નવલકથા પર આધારિત છે અને ‘બ્રાહ્મણત્વ’ના વિષય પર કેન્દ્રિત થયેલી છે. બ્રાહ્મણની ભૂમિકા ગિરીશ કર્નાડે ભજવી હતી. સુરુચિનો ભંગ થાય એવાં કેટલાંક ગાઢ આશ્લેષનાં દૃશ્યોના કારણે ફિલ્મની રજૂઆત સામે થોડો વિરોધ પણ જાગ્યો હતો. પરંતુ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળતાં તેની ઊંચી ગુણવત્તા સ્વયંસિદ્ધ બની રહી. 1975માં તેમણે ડૉ. શિવરામ કારંથની નવલકથા પરથી ‘ચોમાના ડુડી’ નામની ફિલ્મનું સ્વતંત્રપણે સર્જન કર્યું. એમાં તેમણે દિગ્દર્શન ઉપરાંત સંગીતનિર્દેશનની જવાબદારી પણ સંભાળી. તેને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 1977માં ગિરીશ કાસરવલ્લીની રાષ્ટ્રીય પુરસ્કાર પામેલી ફિલ્મ ‘ઘટશ્રાદ્ધ’માં તેમણે પાર્શ્ર્વસંગીત આપ્યું અને શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનું રાષ્ટ્રીય પારિતોષિક મેળવ્યું. એ જ વર્ષે ગિરીશ કર્નાડના સહદિગ્દર્શનમાં ‘ગોધૂલિ’ નામની હિંદી ફિલ્મ બનાવી. તેની પટકથા પણ પોતે જ લખી હતી. ફિલ્મનિર્માણનાં આવાં વિવિધ પાસાં વિશે આવી સિદ્ધ નિપુણતા હોવા છતાં હિંદી ફિલ્મઉદ્યોગના વ્યાવસાયિક પરિમાણને કારણે કદાચ તે આ પ્રવૃત્તિથી વિમુખ બની ગયા. તેમની અન્ય કામગીરીમાં અમદાવાદના સાબરમતી આશ્રમના ‘ધ્વનિ અને પ્રકાશ’ કાર્યક્રમનું નિર્માણ તથા કર્ણાટક નાટક અકાદમીના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ઉલ્લેખનીય છે. 1976-77માં કેન્દ્રીય સંગીત-નાટક અકાદમીએ તેમને ઉત્તમ દિગ્દર્શક તરીકેનો પુરસ્કાર એનાયત કરી બહુમાન કર્યું હતું. ભારત સરકારે 1981માં પદ્મશ્રી આપીને તેમને સન્માનિત કર્યાં હતાં. મધ્યપ્રદેશ સરકારે 1976માં કાલિદાસ સન્માન તેમ જ 1976માં કર્ણાટક સરકારે ગુબ્બી વીરન્ના ઍવૉર્ડથી નવાજ્યા હતા.

ગોવર્ધન પંચાલ

પીયૂષ વ્યાસ

હસમુખ બારાડી