કાબુલ : અફઘાનિસ્તાનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 690 13’ પૂ. રે.. સમુદ્ર-સપાટીથી 1,795 મીટરની ઊંચાઈએ હિન્દુકુશ પર્વતોની વચ્ચે આવેલું આ શહેર પૂર્વ અફઘાનિસ્તાનના સાંકડા ખીણપ્રદેશમાં કાબુલ નદીના કાંઠે વસેલું છે.

અહીં શિયાળામાં હિમવર્ષા અને માર્ચમાં વરસાદ પડે છે, અહીંની આબોહવા એકંદરે સ્વાસ્થ્યપ્રદ છે. કાબુલ શહેરમાં તેના પ્રાચીન વિભાગો છે, ઘણા નવા વિભાગો પણ વિકસ્યા છે. જૂના વિભાગોમાં સપાટ છાપરાંવાળાં ગીચ મકાનો તથા બજારો જ્યારે નવા વિભાગોમાં વૃક્ષોની હાર સહિતની પહોળી શેરીઓ, આધુનિક શૈલીના આવાસી તેમજ ધંધાકીય વિસ્તારો જોવા મળે છે. નવા વિભાગમાં સરકારી ઇમારતો તથા કાબુલ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.

આ શહેરમાં દ્રાક્ષ, સફરજન, બદામ, અખરોટ, પિસ્તાં, અંજીર, જરદાલુ, સરદા-તડબૂચનો ધંધો ચાલે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઔષધો, કૃષિ-ઓજારો, રાચરચીલું, યાંત્રિક ઓજારો, હથિયારો, બંદૂકો, પ્લાસ્ટિક અને મકાન તૈયાર કરવાનાં માળખાં, ચામડાનો સામાન તથા કાપડ, દારૂ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ફળફળાદિની વાડીઓ આવેલી છે. અહીંથી ગાલીચા, કારાકુલ ઘેટાંની ખાલ, તાજાં અને સૂકવેલાં ફળો તેમજ સૂકા મેવાની નિકાસ થાય છે.

1999 મુજબ કાબુલની વસ્તી 24.5 લાખ જેટલી છે. મુખ્ય વસ્તી કાબુલી પઠાણોની છે. અહીં પુશ્તો અને ફારસી ભાષા બોલાય છે.

વ્યાપાર-વાણિજ્યથી ધમધમતો કાબુલ નગરનો એક માર્ગ

અહીંથી મળેલા પ્રાચીન સિક્કાઓ પરથી જાણવા મળે છે કે આ શહેર ઈ.પૂ. છઠ્ઠી સદીથી ઈ.પૂ. ચોથી સદીમાં અસ્તિત્વ ધરાવતું હતું. સમ્રાટ સિકંદરે અહીં લશ્કરી થાણું બનાવેલું; હિજરી સન 35માં આરબોએ અહીં ચડાઈ કરેલી; બાબરે તેને રાજધાની બનાવેલી; અફઘાનિસ્તાનની વિવિધ જાતિઓએ તથા એશિયાના અન્ય ભાગોમાંથી આવેલા કેટલાક લોકોએ 18મી સદી સુધી કાબુલ પર કાબૂ ધરાવેલો. 1776માં કાબુલ અફઘાનિસ્તાનનું પાટનગર બન્યું. અંગ્રેજોએ 1839માં તેને કબજે કરેલું, પણ 1880માં છોડી દેવું પડ્યું.

તૈમૂરશાહ અને બાબરે અહીં મસ્જિદો બંધાવેલી, તેમની કબરો પણ અહીં જોવા મળે છે. બાબરે અને શાહજહાંએ કાબુલ નદી પર પુલો પણ બંધાવેલા.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

ગિરીશભાઈ પંડ્યા