કાતન્ત્ર વ્યાકરણ

January, 2006

કાતન્ત્ર વ્યાકરણ (ઈ.પૂ. 200 ?) : સંસ્કૃત ભાષાનું વ્યાકરણ. લેખક શર્વવર્મા (સર્વવર્મા). આ વ્યાકરણનાં ‘કલાપક’/‘કલાપ’ કે ‘કૌમાર’ એવાં નામાન્તરો પણ છે. કોઈક મોટા વ્યાકરણતન્ત્રનો, સંભવત: કાશકૃત્સ્નના ‘શબ્દકલાપ’ બૃહત્તન્ત્રનો તે સંક્ષેપ છે, માટે તેને ‘કાતન્ત્ર’ (= લઘુતન્ત્ર) કહે છે.

આ ‘કાતન્ત્ર’માં અનુક્રમે સન્ધિ, ત્રણેય લિંગનાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત નામપદોનાં સુબન્ત રૂપોની સિદ્ધિ, અવ્યય, (સ્ત્રી) પ્રત્યય, કારક, સમાસ, તદ્ધિત, તિઙન્ત, સનાદિ ધાતુ અને કૃદન્ત પ્રકરણ આવેલાં છે. (એવું મનાય છે કે વરરુચિ કાત્યાયને આ અંતિમ કૃદન્તપ્રકરણ રચ્યું છે.)

આ વ્યાકરણ ઉપર વિશાળ ટીકાસાહિત્ય રચાયું છે. તેમાં ‘કાતન્ત્રવૃત્તિ’ (દુર્ગસિંહકૃત), ‘કાતન્ત્રકૌમુદી’, ‘કાતન્ત્રચન્દ્રિકા’, ‘કાતન્ત્રધાતુવૃત્તિ’, ‘કાતન્ત્રપરિભાષાવૃત્તિ’ અને ‘કાતન્ત્રપરિશિષ્ટ’ વગેરે મુખ્ય છે. આમાંનું કેટલુંક સાહિત્ય હજી હસ્તપ્રત સ્વરૂપમાં જ છે.

પ્રાથમિક ધોરણે સંક્ષેપમાં અને સરળતાપૂર્વક સંસ્કૃત ભાષા શીખવવા માટે આ વ્યાકરણની રચના થઈ છે. ભૂતકાળમાં બિહાર, બંગાળ અને ગુજરાતમાં આ વ્યાકરણનો ખૂબ પ્રચાર હતો.

વસંતકુમાર મ. ભટ્ટ