કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)

January, 2006

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા.

પાંડુરંગ વામન કાણે

તેમણે દાપોલીમાંથી 1897માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરીને મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 1902માં પ્રથમ એલએલ.બી.માં ભાઉ દાજી પારિતોષિક, 1903માં ઝાલા વેદાંત પ્રાઇઝ, 1908માં એલએલ.બી. અને 1912માં એલએલ.એમ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. બીજાં અનેક પારિતોષિકો ઉપરાંત 1905 અને 1906માં
વી. એન. માંડલિક સુવર્ણપદક તેમને એનાયત થયેલ.

તેમણે રત્નાગિરિ અને મુંબઈનાં સરકારી વિદ્યાલયો તેમજ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ અને વિલ્સન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1911થી મુંબઈની વરિષ્ઠ અદાલતમાં અનેક વર્ષો સુધી વકીલાત કરી હતી. તેઓ હિન્દુ અને મુસ્લિમ કાયદાના વિશેષજ્ઞ હતા. તેમણે 1913થી 1917 પર્યંત કાયદાના ખાનગી વર્ગો પણ ચલાવ્યા હતા. 1913માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં વિલ્સન ફિલૉલૉજિકલ લેક્ચર્સ આપ્યાં હતાં. તેમને મહારાષ્ટ્રના પ્રાચીન ભૌગોલિક સંશોધન માટે 1915-16માં સ્પ્રિંગર સંશોધન શિષ્યવૃત્તિ મળી હતી. 1917થી 1923 પર્યંત તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

1941માં ષષ્ટિપૂર્તિ પ્રસંગે તેમને ભારતીય વિદ્યા અધ્યયનગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. 1942માં તેઓ મહામહોપાધ્યાય થયા અને તેમને અલ્લાહાબાદ યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ ઉપાધિ મળી હતી. પછી 1947-49માં તે મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા. 1946માં નાગપુરમાં મળેલી ઑલ ઇંડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને 1953માં વૉલ્ટેરમાં મળેલી ઇંડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ભારત સરકાર તરફથી 1948માં પ્રતિનિધિ અને 1951 તેમજ 1954માં પ્રતિનિધિઓના નેતા તરીકે પ્રાચ્યવિદ્યાવિદોની આંતરરાષ્ટ્રીય કૉન્ગ્રેસમાં હાજરી આપી હતી. 1951માં લંડન સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝના માનાર્હ ફેલો બન્યા હતા. 1953-59માં તે રાજ્યસભાના સભ્ય તરીકે નિમાયા હતા. 1956માં સાહિત્ય અકાદમી એવૉર્ડ અને 1958માં વિશેષ સંસ્કૃતજ્ઞ તરીકે સર્ટિફિકેટ ઑવ્ મેરિટ તેમને પ્રાપ્ત થયેલાં. 1959માં તેમને પ્રાચ્યવિદ્યાના રાષ્ટ્રીય અધ્યાપકનું સન્માન મળ્યું હતું. 1960માં પુણે યુનિવર્સિટીએ ડી.લિટ.ની માનાર્હ ઉપાધિથી અને 1963માં ભારત સરકારે ‘ભારતરત્ન’ એવૉર્ડથી તેમને નવાજ્યા હતા.

સાહિત્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર તેમના અધ્યયનનાં વિશેષ ક્ષેત્રો હતાં. 1906માં ‘અલંકારશાસ્ત્રનો ઇતિહાસ’ માટે સુવર્ણપદક મળ્યો. હિંદુ કાયદાની ર્દષ્ટિએ અતિમહત્વના ગણાતા નીલકંઠના ‘વ્યવહારમયૂખ’ના બોરોડાઇલ અને માંડલિકે કરેલ અનુવાદોમાં રહી ગયેલી ક્ષતિઓ નિવારી તૈયાર કરેલો અનુવાદ અને ન્યાયાલયોના નિર્ણયો અને તેની સમીક્ષા આવશ્યકતા અનુસાર કરી ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેની ‘વ્યવહારમયૂખ’વાળી આવૃત્તિનું સંપાદન કરી હિંદુ કાયદાના પ્રમાણિત ગ્રંથ તરીકે તેનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું. અનેક જવાબદારીઓ વચ્ચે 1930થી 1962 દરમિયાન પાંચ ખંડોમાં વિભક્ત સાડા છ હજાર પૃષ્ઠના વિદ્વત્તાપૂર્ણ ‘ધર્મશાસ્ત્રનો ઇતિહાસ’માં ઈ. પૂ. 600થી ઈ. સ. 1800 સુધીના ધર્મશાસ્ત્રના ગ્રંથોની અધિકૃત આવૃત્તિ તેમણે તૈયાર કરી. ખગોળ, જ્યોતિષ, ધર્મ, સાંખ્ય, તંત્ર, પુરાણ, મીમાંસા જેવા અનેકવિધ વિષયોની વિદ્વત્તાપૂર્ણ ચર્ચા તેમાં મળે છે. ક્રમશ: 1930, 1941 (બે ભાગ), 1946, 1953, 1958 (ખંડ 5; ભાગ 1) અને 1962માં (ખંડ 5; ભાગ 2) પાંચ ખંડ પ્રગટ થયા. ચોથા ખંડને 1956માં સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો. 1968માં પ્રથમ ભાગની પુન: આવૃત્તિ થઈ. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાને શ્રી અર્જુન ચૌબે કશ્યપે કરેલો ‘ધર્મશાસ્ત્રના ઇતિહાસ’નો હિંદી અનુવાદ પ્રગટ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીએ તેમનાં સર લલ્લુભાઈ શાહ વ્યાખ્યાનો ‘હિન્દુ કસ્ટમ્સ ઍન્ડ મૉડર્ન લૉ’ નામે 1950માં પ્રગટ કર્યાં છે.

આ સિવાય ‘પૂર્વમીમાંસા’, ‘શંખલિખિત ધર્મસૂત્ર’, ‘કાત્યાયન-સ્મૃતિ’, ‘હિંદુ કાયદાના મૂલાધાર’, ‘શંકરાચાર્ય પહેલાંના વેદાંત ભાષ્યકાર’, ‘વિજ્ઞાનેશ્વરના પૂર્વસૂરિ’, ‘કોહલના અવશેષ’, ‘પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પહલવ અને પારસિકો’, ‘તંત્રવાર્તિક’ વગેરે ગ્રંથો તેમણે રચ્યા છે. ‘સાહિત્યદર્પણ’, ‘કાદંબરી’, ‘ઉત્તરરામચરિત’, ‘હર્ષચરિત’ અને ‘વ્યવહારમયૂખ’ જેવા ગ્રંથોનું તેમણે સંપાદન કર્યું છે.

મરાઠી ભાષામાં ‘ભારત : રામાયણકાલીન સ્થિતિ’ (1911), ‘ધર્મશાસ્ત્રવિચાર’ (1935), ‘કાલિદાસની ધાર્મિક અને તત્વજ્ઞાનવિષયક કલ્પના’, ‘કાલિદાસીય જ્યોતિષ’, ‘વિદર્ભ અને મહારાષ્ટ્ર’, ‘ભાસ અને તેનાં નાટકો’ જેવા તેમના પ્રસિદ્ધ ગ્રંથો છે.

તે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રણી પુરુષ હતા. તેમણે લોનાવલાના ધર્મનિર્ણય મંડળની હિન્દુ ધર્મસુધારણામાં અગ્રિમ ભાગ લીધો હતો. અસ્પૃશ્યતાનિવારણ, વિધવાકેશવપનવિરોધ, પંઢરપુરમાં વિધવાને પૂજા અધિકાર, આંતરજાતીય વિવાહ અને વિધવાવિવાહના મહારાષ્ટ્રમાં તે પ્રધાન પુરસ્કર્તા રહ્યા છે.

મુંબઈની એશિયાટિક સોસાયટીના ફેલો અને ઉપાધ્યક્ષ, ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, પુણેના નિયામક મંડળમાં અને મહાભારત સંપાદન મંડળમાં તેઓ હતા. મહારાષ્ટ્ર પરિષદના ઉપાધ્યક્ષ તેમજ દાપોલી એજ્યુકેશન સોસાયટી અને મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયના પદાધિકારી તરીકે તેમણે સેવા આપી હતી. તે લોકશાહીના દાર્શનિક સિદ્ધાંતો, રાષ્ટ્રીયતા અને વિશ્વબંધુત્વની ભાવનાના સંદર્ભમાં હિંદુ સમાજને પુનર્ગઠિત કરવાના હિમાયતી હતા. તેમણે રાજકારણને બદલે લોકસેવા, સાહિત્યસેવા અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જીવંત રસ લીધો હતો. સાદું જીવન, ઉદાત્ત વિચારસરણી, મનોરમ રીતભાત અને આકર્ષક પ્રભાવશાળી વ્યક્તિત્વથી તેમણે ભારતના સામાજિક જીવનમાં આગવું સ્થાન મેળવ્યું હતું.

1939માં યુરોપમાં મળેલી પ્રાચ્ય વિદ્યા કૉંગ્રેસમાં તેમજ 1954માં યુનાઇટેડ કિંગ્ડમમાં કેમ્બ્રિજ ખાતે મળેલી પ્રાચ્યવિદ્યાવિદોની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં હાજરી આપવા ગયા હતા.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા