કાજલમય (1972) : મરાઠી સર્જક જી. એ. કુલકર્ણીનો નવલિકાસંગ્રહ. કર્તાનો આ સાતમો નવલિકાસંગ્રહ છે. એને માટે લેખકને 1973નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમાંની વાર્તાઓમાં લેખકે આધુનિક જીવનની અર્થહીનતા, અસંબદ્ધતા તથા વિધાતા દ્વારા થતા માનવના ઉપહાસનું વિવિધ પાત્રોના ચિત્રણ દ્વારા સુપેરે આલેખન કર્યું છે. સંગ્રહની ચૌદ વાર્તાઓમાં જીવનના ખાબડામાં જુદા જુદા પ્રકારના લોકો શી રીતે ફેંકાતા હોય છે, દૈવ એમને શી રીતે છેતરે છે, માનવ કેવો નિ:સહાય બને છે અને સર્વજ્ઞ વિધાતા, નિર્લેપ ભાવે આ બધું તટસ્થ સાક્ષીરૂપે જોતો હોય છે તે દર્શાવ્યું છે. ‘પ્રદક્ષિણા’, ‘શેવટાંચાં હીરવા પાણી’, ‘વંશ’, ‘કેશવ બાવરે’ વગેરે વાર્તાઓમાં વાસ્તવ અને કલ્પનાનું મિશ્રણ છે. ‘વિદૂષક’, ‘રત્ના’ અને ‘દત્તા’ કલ્પનાપ્રધાન કૃતિઓ છે.

બધાં જ પાત્રો શારીરિક કે માનસિક ક્ષતિઓથી પીડાતાં હોય છે અને નિ:સહાય ભાવે વંચનાભરી પરિસ્થિતિનો સ્વીકાર કરતાં હોય છે.

એમની વાર્તાઓમાં પ્રાસાદો, મંદિરો, મઠો તથા રણોની ભવ્યતાનું તાશ ચિત્રાત્મક નિરૂપણ ધ્યાન ખેંચે છે.

લલિતા મિરજકર