કાગડો (common crow) : માનવવસવાટ અને માનવસહવાસ પસંદ કરતા સમૂહચારી પ્રકારનું પક્ષી. સમુદાય : મેરુદંડી (Chordala), ઉપસમુદાય : પૃષ્ઠવંશી (Vertebrata), વર્ગ : વિહગ (Aves), ઉપવર્ગ : નિઑર્નિથિસ, શ્રેણી : પેસેરિફૉર્મિસ, કુળ : કૉર્વિડે, પ્રજાતિ અને જાતિ : કૉર્વસ સ્પ્લેંડેન્સ. લંબાઈ આશરે 25 સેમી.. ગરદન અને પેટ ઉપર રાખોડી જ્યારે બાકીના શરીર પર કાળા રંગનાં પીંછાં. કાગડાની જાતિ પક્ષીઓમાં સૌથી વધારે સંપીલી ગણાય છે. મુશ્કેલીમાં મુકાઈ ગયેલા સાથીદારને તે જીવના જોખમે પણ મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. ચાલાકી તેમજ ચતુરાઈમાં કાગડો અજોડ છે.

ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. ઉપરાંત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા કે મ્યાનમારમાં પણ તે સહેલાઈથી મળી આવે છે. કાગડો સર્વભક્ષી હોવાથી મૃત ઉંદરો, તીડ, ઊધઈ, ઈંડાં, રસોડાનો એઠવાડ, સડેલાં ફળો, ધાન્ય વગેરે ગમે તે પ્રકારના ખોરાકનું ભક્ષણ કરી શકે છે. તે જીવાત પણ ખાય છે અને ખુલ્લા પાત્રમાંથી દૂધ પણ પીએ છે !

કાગડાની પ્રજનનઋતુ મેથી ઑગસ્ટ માસ સુધીની હોય છે. આથી ચોમાસામાં ઊંચાં વૃક્ષો પર તેના માળા જોવા મળે છે. માળો બનાવવા માટે તે લોખંડના તાર, અને જાડાં સાંઠીકડાંનો ઉપયોગ કરે છે. વરસાદ કે વંટોળ સામે ટકી શકે તેવો મજબૂત માળો બીજા વર્ષે પણ આ પક્ષીના ઉપયોગમાં આવે છે. ઈંડાં મૂકવાની જગ્યામાં ઊન, વાળ, કપડાના ટુકડા, દોરા જેવી મુલાયમ વસ્તુઓ ગોઠવેલી હોય છે. માદા પક્ષી આછા ભૂરા કે લીલાશ પડતા ભૂરા રંગનાં 4થી 6 ઈંડાં મૂકે છે.

કોયલ માદા પણ કાગડાના માળામાં ઈંડાં મૂકતી હોય છે. કાગડાનાં નર અને માદા, વારાફરતી ઈંડાંનું સેવન કરે છે અને બચ્ચાંને ખોરાક પૂરો પાડે છે. પરંતુ બચ્ચાં કોયલનાં છે, એવી જાણ થતાં કાગડા હતાશા અનુભવે છે. બંદૂક કે લાકડી ઓળખવાનું સામર્થ્ય ધરાવતા કાગડા આ બાબતમાં કોયલ દ્વારા છેતરાઈ જતા હોય છે ! ‘કાગડાને માત્ર એક આંખ હોય છે’ કે ‘તેનો સંભોગ જોવાથી મનુષ્યનું આયુષ્ય છ માસમાં પૂરું થાય છે’ આવી પ્રચલિત માન્યતાઓ વજૂદ વગરની છે. કાગડાની અન્ય જાતિમાં જંગલી કાગડો (Corvus mucrorhyncus culminatus) તેમજ મહાકાગ (Corvus corax) જાણીતા છે. કદમાં સામાન્ય કાગડા કરતાં આ બંને મોટા હોય છે.

દિલીપ શુક્લ