કહારયણકોસો (કથારત્નકોશ)

January, 2006

કહારયણકોસો (કથારત્નકોશ) (સન 1101) : દેવભદ્રસૂરિ-રચિત કથાકોશ. તે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. 1158 છે અને રચનાસ્થળ છે ભૃગુકચ્છ નગરનું મુનિસુવ્રત ચૈત્યાલય.

આ કથાકોશમાં કુલ 50 કથાઓ છે. આ ગ્રંથ બે અધિકારોમાં વિભક્ત છે : ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અધિકારમાં 33 અને બીજામાં 17 કથાઓ છે. આ કથાગ્રંથની બધી કથાઓ રોચક છે. ઉપવન, ઋતુ, રાત્રિ, યુદ્ધ, સ્મશાન, રાજપ્રાસાદ, નગર વગેરેનાં સરસ વર્ણનો દ્વારા કથાકારે કથાપ્રવાહને ગતિશીલ બનાવ્યો છે. બધી કથાઓમાં જાતિવાદનું ખંડન અને માનવતાવાદની પ્રતિષ્ઠા થયેલ જોવા મળે છે. સાંસ્કૃતિક ર્દષ્ટિએ આ કથાઓ મહત્વપૂર્ણ છે. કેટલીક કથાઓ અનેકાર્થી પણ છે. તેમાં રસોની અનેકરૂપતા અને વૃત્તિઓની વિભિન્નતા વિદ્યમાન છે.

આ ગ્રંથમાં ગદ્યપદ્યમિશ્ર છે. ગદ્ય કરતાં પદ્યનો પ્રયોગ વધુ થયો છે. તેની ભાષા પ્રાકૃત છે. ક્યાંક ક્યાંક અપભ્રંશ અને સંસ્કૃતનો પ્રયોગ પણ જોવા મળે છે. શૈલી પ્રવાહી છે.

મુનિ પુણ્યવિજયજીએ દેવભદ્રસૂરિના આ ‘કહારયણકોસો’નું સંપાદન કર્યું છે અને તે શ્રી આત્માનંદ જૈનસભા, ભાવનગર દ્વારા સન 1944માં પ્રકાશિત થયું છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા