કહાણી : ધાર્મિક ભાવના અને માન્યતાઓ પર આધારિત મરાઠી લોકસાહિત્યનો એક પ્રાચીન પ્રકાર. તે મુખ્યત્વે બહેનો દ્વારા વ્રતની ઉજવણીના સમય દરમિયાન ઉપયોગમાં લેવાય છે. વ્રત કરનારી બહેનો જે તે વ્રતનું માહાત્મ્ય તથા તેની ફલશ્રુતિની સમજણ આ કહાણી દ્વારા બીજાને દર્શાવે છે. દરેક વ્રત માટે અલગ અલગ કહાણી હોય છે. શ્રાવણ માસ અને અધિક માસ દરમિયાન તેનું વિશેષ રૂપે કથન થતું હોય છે. કહાણીનું કથન પરિવારની વડીલ સ્ત્રી કરતી હોય છે અને પરિવારની દીકરીઓ અને પુત્રવધૂઓ તે દરમિયાન શ્રોતા તરીકે હાજર રહેતી હોય છે. દરેક કહાણીમાં જે તે વ્રતના માહાત્મ્ય અને ફલશ્રુતિ ઉપરાંત દેવીદેવતાઓનાં વર્ણન અને તેમની સાથે સંકળાયેલા ચમત્કારોનું વર્ણન પણ હોય છે અને તે દ્વારા પરિવારમાંની મોટી ઉંમરની સ્ત્રીઓ નાની ઉંમરની બહેનોને ખાસ પ્રકારનો ઉપદેશ આપતી હોય છે; જેથી તેમનું આચરણ આદર્શ પ્રકારનું ઘડી શકાય. લગભગ દરેક કહાણીમાં પૌરાણિક કથાઓનો અને પૌરાણિક દાખલાઓનો સમાવેશ કરેલો હોય છે. દરેક કહાણીના અંતે ભગવાન પાસેથી કંઈ ને કંઈ યાચના કરવામાં આવતી હોય છે.

કહાણીનું માળખું પ્રાચીન કાળથી એકસરખું રાખવામાં આવેલું છે. તેનાં વાક્યો નાનાં, ભાષા સાદી અને સુબોધ, શૈલી લયબદ્ધ અને રચના આકર્ષક હોય છે. દરેકની રજૂઆત અલગ અલગ હોય છે. લગભગ દરેક કહાણીમાં પ્રાચીન કાળનું અને જે તે જમાનાના સામાજિક જીવનનું ચિત્રણ હોય છે.

મહારાષ્ટ્રના ગ્રામ-વિસ્તારોમાં આજે પણ ધાર્મિક વ્રતના દિવસો દરમિયાન કહાણી-કથનનું મહત્વ અકબંધ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે