કસાયપાહુડ (કષાયપ્રાભૃત)

January, 2006

કસાયપાહુડ (કષાયપ્રાભૃત) : લગભગ બીજી-ત્રીજી ઈસવી શતાબ્દીમાં થઈ ગયેલા ગુણધર નામના આચાર્યની રચના. દિગમ્બર જૈન પરંપરામાં આગમશાસ્ત્રો તરીકે માન્ય ષટ્ખંડાગમ ગ્રંથોની જેમ જ કસાયપાહુડ(કષાયપ્રાભૃત)નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે.  શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ આ પદ્યમય ગ્રંથનું પ્રમાણ 233 ગાથાનું છે. ષટ્ખંડાગમના ટીકાકાર આચાર્ય વીરસેને જ કસાયપાહુડ પર ટીકા વીશ હજાર ગ્રંથાગ્ર પ્રમાણની રચી છે; પરંતુ આ ટીકા પણ અપૂર્ણ હતી. તેને રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષના ગુરુ આ. જિનસેને ઈ.સ. 874માં પૂરી કરી હતી, જે જયધવલના નામે પ્રસિદ્ધ છે અને એકંદરે સાઠ હજાર શ્લોકપ્રમાણ છે.

કસાયપાહુડની રચના ચૌદ પૂર્વ તરીકે ઓળખાતા પ્રાચીન જૈન ગ્રંથોમાંના પાંચમા જ્ઞાનપ્રવાહ પૂર્વની દસમી વસ્તુના ત્રીજા ‘પેજ્જદોસ પાહુડ’ નામે પ્રકરણમાં ઉદ્ધરીને કરવામાં આવી હતી તેવી માન્યતા છે. ‘પેજ્જ’નો અર્થ રાગ અને ‘દોસ’નો અર્થ દ્વેષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ક્રોધ આદિ કષાયોની રાગદ્વેષ પરિણતિ અને તેમનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશગત વૈશિષ્ટ્ય આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે.

કસાયપાહુડ પંદર અધિકારોમાં વિભક્ત છે – પેજ્જદોસવિભક્તિ, સ્થિતિવિભક્તિ, અનુભાગવિભક્તિ, પ્રદેશવિભક્તિ, બંધક, વેદક, ઉપયોગ, ચતુ:સ્થાન, વ્યંજન, દર્શનમોહોપશમના, દર્શનમોહક્ષમણા, સંયમાસંયમલબ્ધિ, સંયમલબ્ધિ, ચારિત્રમોહોપશમના અને ચારિત્ર-મોહક્ષમણા. આમાં પ્રથમ આઠ અધિકારોમાં સંસારના કારણભૂત મોહનીય કર્મની અને અંતિમ સાત અધિકારોમાં આત્મપરિણામોના વિકાસથી શિથિલ થતા જતા મોહનીય કર્મની વિવિધ દશાઓનું વર્ણન છે.

રમણિકભાઈ મ. શાહ