કશા (કશાભ) (flagellum) : કોષની બાહ્ય સીમા તરફ આવેલા તારક-કેંદ્ર(centriole)ના દૂરસ્થ છેડા પરથી કોષના વિસ્તાર તરીકે નીકળતી ગતિશીલ (motile) અંગિકા. પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (mastigophera) વર્ગનાં પ્રાણીઓ. પુંજન્યુ (male gametes) અને શુક્રકોષોમાં તે પ્રચલનઅંગ તરીકે કાર્ય કરે છે. વાદળી(sponges)ના કૉલરકોષો પણ કશાભ ધરાવતા હોય છે, જે વાદળીના શરીરમાં પ્રવેશેલા પાણીને આસ્યક (osculum) દ્વારા બહાર કાઢવામાં મદદરૂપ બને છે. કોષની બાહ્ય સીમા તરફ તારકકેંદ્રના વ્યુત્પન્ન તરીકે આવેલી તલસ્થકણિકા(basal granule)માંથી તે નીકળે છે. કશાની સૂક્ષ્મતર રચના, પરિઘ તરફ 9 જોડમાં આવેલા સૂક્ષ્મ તંતુકો (microfilaments) અને 2 મધ્યસ્થ નલિકાઓની બનેલી હોય છે. વળી કશા રસસ્તર (cell membrane) વડે ઘેરાયેલી હોય છે. આવી રચના પક્ષ્મ(cilia)માં પણ જોવા મળે છે. સામાન્યપણે કોષદીઠ 1 અથવા 2 કશાઓ હોય જ્યારે પક્ષ્મોની સંખ્યા સેંકડોમાં હોય છે.

કોષના કદની ર્દષ્ટિએ કશાને એક લાંબી અંગિકા તરીકે વર્ણવી શકાય. સામાન્યપણે તેની લંબાઈ 50 mm હોય છે. શુક્રકોષોમાં કશાની લંબાઈ કોષની લંબાઈ કરતાં ચારપાંચગણી લાંબી હોય છે.

કશાઓ તરંગગતિથી હલનચલન કરે છે. આ પ્રક્રિયામાં કશા પર ઉત્તરોત્તર ઉદભવતા વલન (bending) તરંગો આગળ પ્રસરતા જાય છે. કશા એક ક્રિયાશીલ અંગ છે અને તે ATPના વિઘટનથી કાર્યશક્તિ પ્રાપ્ત કરે છે.

બળદેવભાઈ પટેલ