કવિ ન્હાનાલાલ દલપતરામ – ‘પ્રેમ-ભક્તિ’

January, 2006

કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમ-ભક્તિ’ (જ. 16 માર્ચ 1877, અમદાવાદ; અ. 9 જાન્યુઆરી 1946) : અર્વાચીન કાળના પહેલી હરોળના ગુજરાતી કવિ. અટક ત્રિવેદી પણ પિતા ‘કવીશ્વર’ તરીકે પંકાતા હોવાથી શાળાને ચોપડે તેમ પછી જીવનભર ‘કવિ’. નાનપણમાં અલ્લડવેડાથી પોતાનાં ભણતર અને ભાવિ વિશે વૃદ્ધ પિતાને ચિંતા કરાવેલી, પણ 1893નું મૅટ્રિકનું વર્ષ એમને માટે ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. એ વર્ષમાં ગાડી અભ્યાસને પાટે ચડી તે સાથે એમણે સમકાલીન ગુજરાતી નવ-સાહિત્ય વાંચી નાખી છંદોવ્યાયામ પણ આરંભ્યો. કૉલેજનાં પ્રથમ બે વર્ષમાં ‘પ્રેમ-ભક્તિ’ ઉપનામની પસંદગી તથા ‘સાહિત્ય અને જીવનનો દિશાનિર્ણય’.

અમદાવાદની ગુજરાત, મુંબઈની એલ્ફિન્સ્ટન અને પુણેની ડેક્કન એ ત્રણ સરકારી કૉલેજોના શિક્ષણનો લાભ લઈ પોતે 1899માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને 1901માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. 1896થી થોડું થોડું લખતા થયેલા વિદ્યાર્થી ન્હાનાલાલની સિસૃક્ષાએ 1898માં વેગ પકડી તેમની પાસે ‘વસંતોત્સવ’ અને ‘ઇન્દુકુમાર’ અંક 1 લખાવ્યાં હતાં. એમનો કૉલેજ-અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમના સમગ્ર સર્જનમાં કવિતા, ઇતિહાસ અને તત્વજ્ઞાનનો દેખાતો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ-તત્વજ્ઞાનના અભ્યાસને, એમની સ્નેહલગ્ન અને લગ્નસ્નેહની અને સ્ત્રીપુરુષ-સંબંધની પ્રિય ભાવના ટેનિસનના અને એમની ધર્મભાવના માર્ટિનોના અભ્યાસને આભારી ગણાય. કૉલેજમાં એમની બીજી ભાષા ફારસી પાછળથી એમને મુઘલ નાટકોમાં કામ લાગી હતી. એમની ભક્તિભાવના, ધર્મર્દષ્ટિ તથા ‘શુભ્ર ભાવના’ (puritanism) પાછળ પ્રેરકબળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-મુંબઈ-પુણેની પ્રાર્થનાસમાજોના સંપર્કનું હતું. વિદ્યાગુરુ કાશીરામ દવેનાં શીલ અને અધ્યાપનનો સૂક્ષ્મ પ્રભાવ પણ એમના ઉપર ઘણો.

કવિ ન્હાનાલાલ દલપતરામ

સાદરાની સ્કૉટ કૉલેજમાં તેમણે 1902થી 1904 સુધી અને રાજકોટની રાજકુમાર કૉલેજમાં 1904થી 1918 સુધી અધ્યાપક તરીકે સેવા આપી. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દીવાનની કામગીરી પણ બજાવી. 1918માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાતાં નિશાળ વગરનાં ઘણાં સ્થળોએ નિશાળો ઉઘડાવવા અને પ્રાથમિક શિક્ષકોનું પગારધોરણ સુધરાવવામાં તે કારણભૂત બન્યા. નિષ્ઠાપૂર્વક નોકરી બજાવતાં બજાવતાં નગર અને સૌરાષ્ટ્રની સંસ્કાર-પ્રવૃત્તિઓમાં તથા સમાજસેવામાં ભાગ લેતા રહેલા કવિએ નિત્યના જીવનકાર્ય અને રસોપાસના લેખે સાહિત્યસર્જન અવિરામ ચાલુ રાખ્યું હતું, જેના ફળરૂપે ગુજરાતને ‘કેટલાંક કાવ્યો’ના બે ભાગ, ‘ઇન્દુકુમાર’ અંક 1 અને ‘જયા-જયન્ત’ એ બે નાટકો, ‘ભગવદગીતા’ અને ‘મેઘદૂત’નાં સમશ્લોકી ભાષાંતર, ‘ન્હાના ન્હાના રાસ’ અને ‘ઉષા’ લઘુનવલ જેવાં યશસ્વી પ્રકાશનો સાંપડ્યાં છે. 1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતીએ ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્યથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રૉલેટ કાયદા અને જલિયાંવાલા બાગ હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં 1920માં લાંબી રજા પર ઊતરી 1921માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું; જ્યાં એમનું અઢી દાયકાનું શેષ જીવન અખંડ સારસ્વત યજ્ઞનું સુદીર્ઘ સત્ર જ બની રહ્યું. આ ગાળામાં ગુજરાતે એમના સુવર્ણ અને મણિ મહોત્સવો ઊજવ્યા હતા. મૃત્યુદિન પહેલાંના અઠવાડિયા સુધી તેમની કલમ ચાલતી રહી હતી.

એમનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન વિપુલ સંખ્યાનાં ઊર્મિકાવ્યોનું છે, જેનો ‘કેટલાંક કાવ્યો’ અને ‘ન્હાના ન્હાના રાસ’ના ત્રણ અને ‘ગીતમંજરી’ના બે ભાગો, ‘ચિત્રદર્શનો’, ‘મહેરામણનાં મોતી’, ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ જેવા સંગ્રહોમાં તથા નાટકો અને લાંબી કથાત્મક કાવ્યકૃતિઓમાં સમાવેશ થયો છે. એમાં હાલરડાં, બાળકાવ્યો, કન્યાકાવ્યો, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ઘ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, કથાગીતો એમ સારું વૈવિધ્ય છે. તેમાં પ્રણય, પ્રકૃતિ, પ્રભુ અને સ્વદેશવાત્સલ્ય કવિના મુખ્ય કવનવિષય રહ્યાં છે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો તથા પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળોના યથેચ્છ અને સંતર્પક વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એમની કવિતાનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતા કવિએ એ શૈલી પ્રથમ ‘ઇન્દુકુમાર’ નાટક માટે અને પછી કવિતા માટે અનુકૂળ જણાતાં લાંબી વર્ણનાત્મક કવિતા માટે પણ પ્રયોજી છે. કવિનાં કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’, ‘ઓજ અને અગર’ અને ‘દ્વારિકાપ્રલય’ જેવાં કથાકાવ્યો તથા ‘કુરુક્ષેત્ર’ મહાકાવ્ય આવી ડોલનશૈલીમાં લખાયાં છે. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમભક્તિ’ કવિનામના પૂર્વાર્ધને, તો ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ એ બે આત્મલક્ષી પ્રસંગ-કાવ્યો, ‘દ્વારિકાપ્રલય’, ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ તેના ઉત્તરાર્ધને સાર્થ ઠરાવે છે. છેલ્લી ત્રણ દીર્ઘ રચનાઓમાં આગલી બે પૌરાણિક અને છેલ્લી દેખાવમાં પૌરાણિક પણ કવિકલ્પિત વસ્તુની છે. છેલ્લી બે મહાકાવ્ય લખવાની કવિની મહત્વાકાંક્ષાની નીપજ છે. વચ્ચે વચ્ચે ગીતોનું સંગીત પીરસતાં અને પાત્રો પાસે ડોલનશૈલીમાં બોલાવતાં કવિનાં ચૌદ નાટકો પાંખું વસ્તુ, મંથરગતિ કાર્ય અને કાર્યશીલ કરતાં ઉદગારશીલ પાત્રોને કારણે ર્દશ્ય કરતાં શ્રાવ્ય કે વાચ્ય કોટિની ભાવપ્રધાન કવિતાઈ રચનાઓ બન્યાં છે. એ ચૌદમાં ‘રાજર્ષિ ભરત’, ‘સંઘમિત્રા’, ‘શ્રી હર્ષદેવ’, ‘જહાંગીર-નૂરજહાન’ અને ‘શાહાનશાહ અકબરશાહ’ ઐતિહાસિક છે અને ‘જયા-જયંત’ ને ‘વિશ્વગીતા’ સિવાયનાં બીજાં સામાજિક અને કલ્પિત છે. ‘સંઘમિત્રા’ અને ‘શ્રી હર્ષદેવ’ને કવિએ સંસ્કૃત નાટ્યશૈલીનાં બનાવ્યાં છે. બધાં નાટકોનો કવિનો ભાવલોક સ્નેહ, લગ્ન, સેવા, શીલ-સંયમ અને સમન્વયની કવિની પ્રિય ભાવનાઓમાંથી કોઈ એક કે વધુના ઉદઘોષથી ગાજતો રહે છે. ‘વિશ્વગીતા’ સ્થળ, કાળ અને કાર્યની એકતાની ઉપેક્ષા કરી તેના લઘુ એકાંકીઓ જેવા પ્રવેશો અને અંકોને ભાવ-એકાગ્રતાથી સાંકળવાની અને ‘અમરવેલ’ સિનેમા, નાટક અને સંગીતના સમન્વયનું કવિ-સાહસ દેખાડે છે. આમ પોતાની ચાલે જ ચાલવાનું કવિએ ‘ઉષા’ અને ‘સારથિ’ એ બે ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવના પરિવેશમાં સ્નેહ, સંવનન અને લગ્નની કથા બનતી લઘુનવલ ‘ઉષા’ની ગદ્યસૌરભે એને ગુજરાતની ‘કાદંબરી’ કહેવડાવી છે. એથી બમણા કદની ‘સારથિ’માં ‘આવડે તો બ્રિટન જગત્ઇતિહાસનો મહારથી થાય અને ભરતખંડ જગત્સારથિ થાય’ એવા પોતાના રાજકીય દર્શનના સારની બનાવેલી કથા અને કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. મૌલિક સર્જનનો થાક ઉતારવા અનુવાદનો આશરો લેતા કવિના ‘મેઘદૂત’ અને ‘શાકુન્તલ’ એ બે કાલિદાસ-કૃતિઓના અને ‘ભગવદ્ગીતા’, ‘ઉપનિષત્પંચક’ અને ‘શિક્ષાપત્રી’ના અનુવાદ પછી સંભારાય ચાર પુસ્તકોમાં પ્રગટ થયેલું તેમનું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ’. ચરિત્રનાયક વિશેની વિગતભરપૂર માહિતી સાથે ઓગણીસમા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ એમાં અપાયો છે તે એનું મૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ ‘‘જગત કાદંબરીઓમાં ‘સરસ્વતીચંદ્ર’નું સ્થાન’’ અને ‘આપણાં સાક્ષરરત્નો’ 1-2 જેવાં પુસ્તકોમાં તથા પોતાનાં ને બીજાનાં પુસ્તકોના કેટલાક પ્રવેશકોમાં સાહિત્યવિવેચક પણ બન્યા છે. એમનું વિવેચન પાંડિત્ય કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તોળતું સંસ્કારગ્રાહી વિવેચન કહેવાય. જુદાં જુદાં શહેરોમાં પોતે આપેલાં વ્યાખ્યાનોના ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’, ‘ઉદબોધન’, ‘સંસારમંથન’, ‘સંબોધન’ આદિ આઠ સંગ્રહોમાં કવિનો ઇતિહાસરસ, અભ્યાસશીલતા, ભારતીય ધર્મ ને સંસ્કૃતિએ પુરસ્કારેલાં જીવનમૂલ્યો પરની આસ્થા, લોકહિતચિન્તા, સમન્વયર્દષ્ટિ અને ભાવનાશીલતા જોવા મળે છે. ગૃહજીવન, સમાજપ્રશ્નો, સાહિત્ય, શિક્ષણ, ધર્મ, કલા એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતા આ વ્યાખ્યાન-લેખો કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે છે.

હાડે અઠંગ રોમૅન્ટિક એવા આ ભાવનાવિહારી અને કલ્પનાબળિયા કવિનું રસ-સૂત્ર હતું : ‘પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી’. એને તથા ‘સ્વર્ગના સંદેશ જેવાં ઉત્સાહી પ્રેરણાભર્યાં પરમ શ્રેય દાખવતાં કલ્યાણસ્તોત્રો’ ગાવાના પોતે ઉપદેશેલા કવિધર્મને અંત લગી આચરી પોતે ‘રસ’ સાથે ‘પુણ્ય’ના પૂજક અને સૌંદર્ય સાથે સત્ય અને શિવના પણ એવા જ બુલંદ ગાયક રહ્યા હતા.

અનંતરાય રાવળ