કવચ (પ્રાણીજન્ય)

January, 2006

કવચ (પ્રાણીજન્ય) : પ્રાણીઓનું કઠણ ચૂનાયુક્ત / રેતીયુક્ત / અસ્થિજાત / શૃંગીય કે કાયટીનયુક્ત બાહ્ય આવરણ. જુદા જુદા પ્રાણીસમુદાયો કે વર્ગોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિવિધ રાસાયણિક બંધારણ ધરાવતાં કવચો કોષોના સ્રાવ કે પેશીઓના વિભેદનથી ઉત્પન્ન થાય છે. આવાં કવચોનો મૂળભૂત હેતુ શરીરના નાજુક ભાગો કે અંગિકાઓને રક્ષણ આપવાનો છે. વનસ્પતિસૃષ્ટિમાં પણ પુષ્પવિન્યાસ, પુષ્પો, ફળ કે બીજના રક્ષણ કાજે કઠણ આવરણો કે કવચ જોવા મળે છે; ઉદા., નારિયેળની કાચલી (shell), ગોટલો, બીજાણુના કવચ વગેરે. બૅક્ટેરિયા અને ફૂગમાં બીજાણુઓ કડક કવચની અંદર સુષુપ્તાવસ્થામાં લાંબો સમય ટકી રહે છે. પ્રાણીસૃષ્ટિમાં પ્રજીવોથી માંડીને ઉચ્ચ વર્ગનાં પ્રાણીઓમાં જાતજાતનાં કવચોનો વિકાસ થયેલો જોવા મળે છે. પ્રજીવોમાં કેટલાંક પ્રાણીઓ; ઉદા., આર્સેલા. ડિફલ્યુજિયામાં અંદરના નાજુક શરીરનું રક્ષણ કરવા માટે એક સળંગ અગર છિદ્રિષ્ટ તકતીઓવાળું રેતી(silica)નું બનેલું આવરણ કે કવચ જોવા મળે છે. છીપનાં કવચ મુખ્યત્વે ચૂનાયુક્ત પદાર્થોના બનેલા હોય છે, જ્યારે કાચબા જેવાની ઢાલ (કવચ) અસ્થિજાત કે શૃંગીય બંધારણ ધરાવે છે. વિવિધ પ્રકારનાં પ્રાણીઓનાં કવચ, તેનો ઉદભવ અને તેની ઉપયોગિતા આ મુજબ છે :

પ્રજીવો : કોષવિહીન પ્રાણીઓ(acellular animals)માં બાહ્ય કોષરસ-સ્તર આવરણ કે કવચની જેમ વર્તે છે. પરેમેશિયમ કે યુગ્લિના જેવા જીવોમાં છાદી (pellicle) કવચ જેવું કાર્ય કરે છે. ફોરામિનિફેરા વર્ગના ગ્લોબોજેરિના અને એલ્ફિડિયમ ચૂનાના કે કાયટિનસનાં કવચો ધરાવે છે. આ જીવો નાશ પામતાં તેમનાં કંકાલતંત્રો સમુદ્રના તળિયે ખડકોની રચના કરે છે. રેડિયોલેરિયા વર્ગના સામુદ્રિક જીવો રેતી(silica)નાં આવરણો ધરાવે છે. મીઠા પાણીના હેલિયોઝોઆ વર્ગના જીવો સિલિકાનાં ભિંગડાં કે કંટક જેવાં આવરણો ધરાવે છે.

સછિદ્ર અને કોષ્ઠાંત્રિ સમુદાયો : સ્નાન-વાદળી અને અન્ય સછિદ્ર સમુદાયનાં પ્રાણીઓનાં કંકાલતંત્ર સિલિકા, ચૂના કે સ્પૉન્જિનનાં બનેલાં હોય છે. તે વિવિધ આકારના કંટકો ધરાવે છે. પ્રાણીનો નાશ થતાં તેમના આ બાહ્યકંકાલતંત્રો કે આવરણો પાણીના તળિયે ચૂના કે રેતીયુક્ત ખડકો રચે છે. કોષ્ઠાંત્રિ સમુદાયનાં પરવાળાં જે મુખ્યત્વે ચૂનાયુક્ત બાહ્ય કંકાલતંત્ર ધરાવે છે તે જીવો નાશ થતાં પરવાળાંના ખડકો રચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

સૂત્રકૃમિ, પૃથુકૃમિ કે કડીવાળા નૂપુરક સમુદાયનાં પ્રાણીઓ ક્યુટિકલ આચ્છાદન સિવાય વિશિષ્ટ કવચ જેવી રચના ધરાવતા નથી. બધા જ સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ ખાસ કરીને સ્તરકવચી (crustaceans) અને કીટક (insecta) વર્ગનાં પ્રાણીઓ કાયટિન(chitin)યુક્ત બાહ્ય કંકાલતંત્ર ધારણ કરે છે. આ કાયટિનની તકતીઓ સાંધા પાસે નરમ અને અન્ય ભાગોમાં કડક હોય છે. આને કારણે સંધિપાદ સમુદાયના ઉપાંગો સહેલાઈથી હલનચલન કરી શકે છે. સ્તરકવચીય પ્રાણીઓ – લૉબ્સ્ટર જિંગા, કરચલા વગેરેમાં કવચ કાયટિન ઉપરાંત કૅલ્શિયમ કાર્બોનેટનાં બનેલાં હોય છે. કીટકોમાં જાડા ર્દઢકોવાળા કાયટિનનાં કવચો હોય છે. ત્વચા-નિર્મોચન વખતે કીટકો આ નિર્જીવ કવચ કે આવરણોનો ત્યાગ કરે છે અને બીજું નવું આવરણ પેદા થાય ત્યાં સુધીમાં શારીરિક વૃદ્ધિ કરી લે છે. ‘હરમિટ ક્રૅબ’ નામનો કરચલો તો પોતાના રક્ષણ માટે ગોકળગાય(snail)ના ખાલી કવચ(shell)નો પણ ઉપયોગ કરે છે. શૂળત્વચી સમુદાયનાં પ્રાણીઓ-સાગરગોટા (sea urchins) કડક ચૂનાયુક્ત તકતીઓ ધરાવે છે. બ્રેકિયોપોડાનાં પ્રાણીઓમાં તો છીપના જેવું જ આવરણ જોવા મળે છે; પરંતુ આ છીપનાં અડધિયાં પૃષ્ઠવક્ષીય જોડાયેલાં હોય છે. ઉદા., લિંગ્યુલા (Lamp. Shells). બાર્નેકલ્સમાં ઉભયલિંગી સ્તરકવચી પ્રાણી કવચમાં પુરાયેલું જ રહે છે.

સમુદાય મૃદુકાય(mollusca)નાં કવચો : આ સમુદાયના દરેક વર્ગનાં પ્રાણીઓ વિવિધ રચનાવાળાં, પૂર્વાયોજિત બંધારણવાળાં કવચો (shells) ધરાવે છે. પ્રાણીશરીર નરમ અને માંસલ હોય છે, પરંતુ તેના પ્રાવાર(mentle)ના કોષો દ્વારા સ્રાવથી થયેલાં બાહ્ય કવચ ખૂબ મજબૂત અને આકર્ષક આકારનાં હોય છે. નિયૉપાયલિના (વર્ગ મૉનોપ્લેકોફૉરા-મૃદુકાય)માં કવચ 2, લંબગોળાકાર પણ દ્વિપાર્શ્વીય સમરચનાવાળાં હોય છે. કવચ 40 mm જેટલો વ્યાસ ધરાવે છે. આ પ્રાણી પૅસિફિક મહાસાગરમાં 40,000 ફૂટથી વધુ ઊંડાઈએથી આવે છે. કાઇટોન(વર્ગ – પૉલિપ્લેકોફૉરા)માં પૃષ્ઠ કવચ એકબીજાને ઢાંકતી 8 બહિર્ગોળ તકતીઓનું બનેલું હોય છે. આ પ્રાણીમાં વક્ષ-ભાગમાં કવચ હોતું નથી, પરંતુ લગભગ લંબગોળ માંસલ પગ હોય છે. આ તકતીઓ પ્રાવાર(મેન્ટલ)ને વળગેલી હોય છે અને થોડી આગળ-પાછળ ખસી શકે છે. ડેન્ટેલિયમ(વર્ગ સ્કેફોપૉડા)માં કવચ એક પાતળી શંકુ-આકારની ભૂંગળી જેવું હોય છે. તેના પહોળા છેડે પ્રાણીનાં મુખ, પ્રાવાર અને સંવેદનશીલ અંગો આવેલાં હોય છે. પાછલો છેડો અણીદાર અને ખુલ્લો હોય છે. આ પ્રાણી એકલિંગી હોઈ હિંદી મહાસાગર અને પૅસિફિક મહાસાગરમાં રેતાળ કિનારે કે તળિયે મળી આવે છે.

ગેસ્ટ્રોપૉડ વર્ગનાં પ્રાણીઓ – ઉદા. ગોકળગાય, પાયલા, શંખ, કોડી વગેરેનું કવચ સળંગ વલયાકાર હોય છે. કોડીમાં કવચ વક્ષ ભાગમાં દ્વિપાર્શ્વીય પણ અસમાન હોય છે. આ કવચ પણ અન્ય મૃદુકાયનાં પ્રાણીઓની માફક કૅલ્શિયમ કાર્બોનેટનું હોય છે અને તેની અંદરની સપાટી સુંવાળી અને ચળકાટવાળી (iridescence) હોય છે. શંખના કવચનાં વલયો ક્રમે ક્રમે પ્રાણીની વૃદ્ધિ મુજબ મોટાં થતાં જાય છે. પ્રાણીનું મુખ્ય શરીર અને અંતસ્થ અંગો બહારના મોટા વલયમાં રક્ષાયેલાં હોય છે અને તે વલયના ખુલ્લા છેડે તેને ઢાંકતું, ઓપરક્યુલમ તરીકે ઓળખાતું એક રક્ષણાત્મક ઢાંકણું હોય છે. દરિયાઈ શંખ ઘણા મોટા હોય છે. મોટાભાગના શંખ જમણી બાજુ ખૂલતા મોઢાવાળા હોય છે. ડાબી બાજુના શંખ અતિ દુર્લભ છે અને તેથી તેની કિંમત ઘણી અંકાય છે. જમણી બાજુના શંખને ડેક્સ્ટ્રલ શંખ કહે છે, જ્યારે ડાબી બાજુના શંખને સિનિસ્ટ્રલ શંખ કહે છે. આ તફાવત જનીનિક છે. દરિયાઈ શંખ સમુદ્રમાં 17,000 ફીટ ઊંડે સુધી મળી આવે છે. હિમાલય પર્વતીય પ્રદેશમાં 18,000 ફીટ ઊંચાઈ સુધી ગેસ્ટ્રોપૉડ મળી આવે છે. મીઠા પાણીના શંખ અને છીપલાંનાં કવચ કરતાં દરિયાઈ શંખ અને છીપલાંનાં કવચ જાડા અને મજબૂત હોય છે.

પેલિસિપૉડા વર્ગનાં પ્રાણીઓ ખરાં છીપ-પ્રાણી છે. છીપ દ્વિપાર્શ્વીય સમરચના દાખવે છે. કેટલાંકમાં બંને છીપો અસમાન હોય છે; ઉદા. મોતીની છીપ. છીપનાં કવચ કૅલ્શિયમ કાર્બોનેટ અને માતૃમોતી-સ્રાવી પડનાં બનેલાં હોય છે. છીપના કવચ-પ્રાવારનાં મોતી-સ્રાવ કરનાર અધિસ્તરમાંથી ઉદભવે છે. છીપનું કવચ ત્રણ પ્રકારનાં સ્તરોનું બનેલું હોય છે. બધી જ છીપો મોતી (pearl) ઉત્પન્ન કરી શકતી નથી. પ્રાવાર અને છીપના ચૂનાયુક્ત કવચની વચ્ચે કોઈ આગંતુક કણિકા આવી જાય અને તેને ફરતે પ્રાવારમાંથી સ્રાવ થાય તો જ સમવર્તુલિત સ્રાવી સ્તરોનાં મોતી છીપની નીચે બંધાય છે. કૃત્રિમ રીતે આગંતુક કણ છીપ અને પ્રાવાર વચ્ચે દાખલ કરવામાં આવે તો ત્યાં મોતી બંધાય છે. વિશિષ્ટ જાતિની છીપમાં જ કુદરતી રીતે મોતી બંધાય છે. પેલિસિપૉડા વર્ગનાં પ્રાણીઓમાં છીપના આકાર અને ડિઝાઇનો વિવિધ પ્રકારની હોય છે : કોઈ પંખાકાર તો કોઈ લંબગોળ તો કોઈ અસમાન છીપોનાં અડધિયાં ધરાવે છે. છીપો ખારા અને મીઠા પાણીમાં જોવા મળે છે. જોકે ખારા પાણીની છીપોનું પ્રમાણ ખૂબ મોટું છે.

પૃષ્ઠવંશીઓમાં કવચ : કાચબાનું કવચ, મગરનાં ખીલા જેવાં ભિંગડાં અને ગેંડાની ઢાલ જેવી ચામડી પૃષ્ઠવંશી પ્રાણીનાં કવચ છે. અપૃષ્ઠવંશી (છીપ, જિંગા, કીટક) પ્રાણીઓનાં કવચ અને પૃષ્ઠવંશી પ્રાણીઓનાં કવચ ઉત્પત્તિની ર્દષ્ટિએ અલગ પ્રકારનાં છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ત્વચા કે પ્રાવાર જેવા ભાગોમાંથી અકાર્બનિક પદાર્થોનો સ્રાવ થતાં જે બહિષ્કંકાલતંત્ર પેદા થાય છે તે કવચ રૂપે પ્રાણીને સંરક્ષણ આપે છે. પૃષ્ઠવંશીઓમાં સંયોજક પેશીમાંથી કાસ્થિ રૂપે કે અસ્થિ રૂપે જે અંત:સ્થ કંકાલતંત્ર રચાય છે તે શરીરની અંદર રહી પ્રાણીશરીરને ટેકો કે મજબૂતાઈ આપે છે. તે સજીવ ક્રિયાશીલ પેશી છે અને શરીરની વૃદ્ધિ સાથે તેની વૃદ્ધિ થાય છે. પૃષ્ઠવંશીઓમાં કાસ્થિજાત કંકાલતંત્ર કે અસ્થિજાત કંકાલતંત્ર તરીકે તે ઓળખાય છે. બાહ્ય કવચનું કાર્ય મુખ્યત્વે ચામડી અને ત્વચાના કોષોમાંથી ઉદભવતા બહિરુદભેદો દ્વારા થાય છે. માછલીનાં ભિંગડાં તેની ત્વચાનો બહિરુદભેદ છે. કાસ્થિમત્સ્યોમાં ડેલ્ટોઇડ પ્રકારનાં ભિંગડાં જોવા મળે છે. તેની સપાટી દંતુરિત હોય છે અને પૂંછડીથી મુખ તરફ તેની પીઠ ઉપર હાથ ફેરવવામાં આવે તો તેની ખરબચડી સપાટીનો ખ્યાલ આવે છે. શાર્ક માછલીનાં ભિંગડાં આ પ્રકારનાં હોય છે. અસ્થિમત્સ્યોમાં (સામાન્ય માછલી) સાઇક્લૉઇડ કે ગેનૉઇડ પ્રકારનાં ભિંગડાં જોવા મળે છે. માછલીની નાજુક ચામડી ઉપરનાં આ ભિંગડાં ત્વચાનું રક્ષણ કરે છે. ઉભયજીવી પ્રાણીઓમાં (ઉદા., દેડકો) તેની ચામડી ઉપર ત્વચાના કોષો દ્વારા સ્રાવ કરેલું શ્લેષ્મનું સ્તર હોય છે. આ બાહ્યાવરણ ચીકણા શ્લેષ્મ(mucous)નું બનેલું હોય છે. આ સ્તર પ્રાણીને દુશ્મનના સકંજામાંથી છટકી જવામાં મદદરૂપ બને છે. વળી તે બાહ્ય રોગકારક જીવાણુ(bacteria)થી ત્વચાનું રક્ષણ પણ કરે છે. આમ તે ઘટ્ટ પ્રવાહી કવચ જેવું કામ આપે છે.

સરીસૃપોની ચામડી શુષ્ક હોઈ તેમાં અધિસ્તર સ્તરોવાળું (stratified) અને નિચર્મ (dermis) જટિલ રચના ધરાવતું હોય છે. અધિસ્તરના કોષો બાહ્ય સપાટીએ કઠણ દાણાદાર સ્તરોની રચના કરે છે. નિચર્મનું સ્તર સંયોજક પેશીઓનું બનેલું હોય છે અને તે રંજક દ્રવ્યો, રુધિરવાહિનીઓ અને ચેતાન્તો ધરાવે છે. કેટલાંકમાં આ સ્તરમાં નિચર્મીય અસ્થિ પણ હોય છે અને તે પ્રાણીને યાંત્રિક શક્તિ પૂરી પાડે છે. સાપ કાંચળી ઉતારે છે ત્યારે તેનું બહારનું દાણાદાર અધિસ્તર (cornified epidermis) નીચેના સ્તરથી છૂટું પડે છે. ઘો અને ગરોળીમાં પણ બાહ્ય અધિસ્તરના કોષો ઘસારાથી શરીરથી છૂટા પડે છે. કાચબાઓમાં શરીર અસ્થિની તકતીઓનાં બનેલાં ગોળાકાર કવચોથી રક્ષાયેલાં હોય છે. આ બાહ્ય કવચ વિવિધ આકાર અને ભાત (ડિઝાઇન) ધરાવતાં હોય છે. કાચબામાં પૃષ્ઠકવચ ઉરસીય કશેરુકાઓ અને પાંસળીઓ સાથે જોડાયેલું હોય છે. વક્ષકવચ પૃષ્ઠકવચ સાથે ચુસ્ત રીતે જોડાયેલું હોય છે. આમ કાચબાનું શરીર પૃષ્ઠકવચ (carapace) અને વક્ષકવચ(plastron)ની વચ્ચે ઢંકાયેલું હોય છે. મગર જેવા સરીસૃપમાં તેની પૃષ્ઠચામડી ઉપર નિચર્મમાંથી ઉદભવેલા ખીલા જેવાં ભિંગડાં હોય છે.

પક્ષીઓમાં પીંછાનું આવરણતંત્ર (integumentary system) અને સસ્તનોમાં વાળનું આવરણતંત્ર રક્ષણાત્મક કવચની ગરજ સારે છે. પીંછાં કે વાળ નિચર્મ સાથે જોડાયેલાં હોય છે અને તેમાંથી જ ઉદભવે છે. પક્ષીઓનાં ઈંડાં બાહ્ય કવચ ધરાવે છે. ફલિતાંડ અંડવાહિનીમાંથી પસાર થાય છે ત્યારે કવચગ્રંથિ(shell gland)માંથી કૅલ્શિયમ કાર્બોનેટનો સ્રાવ થાય છે; જે ફલિતાંડને ફરતે લપેટાય છે. આ કવચ ઈંડાંમાં રહેલા ગર્ભનું ગરમી અને બાહ્ય જીવાણુ સામે રક્ષણ આપે છે. કીટકોનાં ઈંડાં પણ રક્ષણાત્મક કવચ ધરાવતાં હોય છે.

રા. ય. ગુપ્તે