કવચપ્રોટીન

January, 2006

કવચપ્રોટીન (scleroprotein) : મંદ સાઇટ્રિક અને એસેટિક ઍસિડમાં દ્રાવ્ય એવાં તંતુમય પ્રોટીનો. મહત્વનાં કવચપ્રોટીનો તરીકે કૉલેજન અને કેરાટિન જાણીતાં છે. અન્ય કવચપ્રોટીનોમાં ફાઇબ્રૉઇન, ઇલૅસ્ટિન, સ્પાજિન, ફ્લેજેલિન અને રેટિક્યુલિનનો સમાવેશ થાય છે. કેરાટિનના મુખ્ય ઘટક તરીકે સિસ્ટાઈન હોય છે. સિસ્ટાઈનનાં સલ્ફર બંધનો કેરાટિનને ર્દઢતા આપે છે. કેરાટિન ચામડી, વાળ, ઊન, પીંછાં, નખ જેવાં અંગોમાં જોવા મળે છે. કૉલેજનના તંતુઓ અક્કડ હોય છે. સ્નાયુ-રજ્જુકો (ligaments), કંડરા (tendon) અને ચામડી જેવાં અંગો કૉલેજનને લીધે ર્દઢ હોવા ઉપરાંત તણાવશક્તિ ધરાવે છે. ફાઇબ્રૉઇન તંતુકો રેશમમાં આવેલા હોય છે. સંયોજક પેશીના પીળા તંતુકો ઇલૅસ્ટિનને લીધે સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. સ્પાજિન દરિયાઈ વાદળી (sponge) અને પરવાળાના અગત્યના ઘટકો છે. કેટલાક બૅક્ટેરિયાના કશાભો(flagellae)માં કવચપ્રોટીન તરીકે ફલેજેલિન દ્રવ્ય આવેલું હોય છે, જ્યારે રેટિક્યુલિન સસ્તનોમાં આવેલા કૉલેજન અને ઇલૅસ્ટિન તંતુઓ સાથે સંકળાયેલાં હોય છે.

વૃંદા ઠાકર