કલા અને કલાતત્વ

માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને અનુલક્ષીને વિચારીએ તો ચિત્રકલા અને શિલ્પકલા જ નહિ પણ મકાનો, ફર્નિચર, ઑટોમોબાઇલ, શહેરો તથા કચરાના ઉકરડા પણ એક રીતે તેના કૌશલ્યનું પરિણામ હોઈ કલાનું નિર્માણ કહેવાય; પણ સામાન્ય રીતે આ શબ્દ આટલા વ્યાપક સંદર્ભમાં નથી વપરાતો. રોજિંદા વ્યવહારમાં કલાકૃતિનો ઉલ્લેખ કરતી વખતે અમુક મર્યાદિત પદાર્થોનો જ ઉલ્લેખ એટલે કે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવે તેવા પદાર્થોનો જ ઉલ્લેખ અભિપ્રેત હોય છે. આ સીમિત ઉલ્લેખ મુજબની વસ્તુઓમાં લલિત કલા અને ઉપયોગી કલા એવો ભેદ પાડવામાં આવે છે. લલિત કલામાં એવી કૃતિઓની ગણના થાય છે, જે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવી શકે અથવા સૌંદર્યલક્ષી સૂઝ પ્રગટાવી શકે (જેમ કે, ચિત્રકૃતિ, શિલ્પકૃતિ, કાવ્યરચના કે સંગીતરચના); એટલે કે કૃતિથી ઇતર બાબતો ખાતર નહિ પણ કૃતિ ખાતર જ કૃતિનો આસ્વાદ માણવાનો હોય એવી માનવસર્જિત કૃતિઓ. ઉપયોગલક્ષી કલામાં સૌંદર્યલક્ષી અને ઉપયોગિતાલક્ષી એમ બંને પરિણામ વણાયાં હોય એમ બને. ઑટોમોબાઇલ, કાચના પ્યાલા, ટેબલ-લૅમ્પ વગેરે જેવી હાથકારીગરીની અને યંત્રનિર્મિત થોકબંધ વસ્તુઓ એવી હોય છે, જે મૂળભૂત રીતે ઉપયોગિતાની ખાસિયત ધરાવતી હોય છે અને એ ઉદ્દેશથી તૈયાર કરાઈ હોય છે; પણ તેમાં સુંદરતાલક્ષી પરિમાણ પણ જળવાયું હોય છે; સુંદર પદાર્થો તરીકે પણ તેનો આનંદ માણી શકાય છે. એટલે સુધી કે કોઈ વ્યક્તિ અમુક બનાવટની મોટરગાડીને બદલે બીજી કોઈ નિશ્ચિત બનાવટની મોટરગાડી ખરીદે છે ત્યારે તેમાં યાંત્રિક સુવિધાનાં કારણો (જેની તેને બહુ ખબર પણ નથી હોતી) કરતાં સુંદરતાનાં કારણો ઘણી વાર મહત્વનો ભાગ ભજવે છે. આમાં સીમાવર્તી વિષય છે સ્થાપત્યનો. ઘણી ઇમારતો ઉપયોગી હોય છે પણ તેની સૌંદર્યલક્ષી કામગીરી સીમાંત પ્રમાણમાં હોય છે; કેટલીક ઇમારતો મૂળભૂત રીતે જ સુંદરતાના નમૂનારૂપ હોય છે. એમાં ઉપયોગિતાનું તત્વ આકસ્મિક હોય છે અથવા પછી રહ્યું હોતું નથી. (ગ્રીક દેવળો એક વખત ધર્મસ્થાનો હતાં પણ આજે તે કેવળ સૌંદર્યલક્ષી મહત્વ ધરાવે છે.) વ્યવહારુ પરીક્ષણ એવું રહ્યું છે કે કૃતિઓના સર્જકોએ એમની કયા ઉદ્દેશથી રચના કરી હતી એ નહિ, પણ સાંપ્રત અનુભવજગતમાં એમનું શું મહત્વ છે એ તપાસવું ઘટે.

કલાનાં માધ્યમો : પ્રત્યેક કલાકૃતિના સંદર્ભમાં નીચેની ત્રણ બાબતો વિચારવાની રહે :

કલાકૃતિનો ઉદભવ.

કલાકારે સર્જેલી અને પ્રેક્ષક્ધો જાહેર સ્વરૂપે જોવા મળતી કલાકૃતિ.

કલાકૃતિની પ્રેક્ષક પર થતી અસર.

પ્રથમ મુદ્દામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે : કલાસર્જનમાં પ્રયોજાતી કલાકારની જાગ્રત અને અર્ધજાગ્રત મન:સ્થિતિ તેમજ કૃતિ વિશેનો તેનો ઉદ્દેશ તથા એ મન:સ્થિતિ માટે કારણભૂત બનેલાં પરિબળો; જેમકે યુગની ભાવના, તત્કાલીન સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, અન્ય કલાકારો સાથે વિચારોની આપલે વગેરે. કલાકૃતિના સર્જનમાં કલાકારને જે કાંઈ અનુભવો થાય છે તે કલાલક્ષી અનુભૂતિ ગણાય છે.

ત્રીજા મુદ્દામાં કલાકૃતિની ભાવકના ચિત્ત વિશે નિષ્પન્ન થતી સૌંદર્યલક્ષી અને બિન-સૌંદર્યલક્ષી એમ બંને પ્રકારની અસરો; સંસ્કારજગત, જ્ઞાનજગત, સાંપ્રત નીતિમત્તા વગેરે પરત્વે કલાકૃતિનો પ્રભાવ જેવી બાબતો આવે. જે અનુભવથી પ્રેરાઈને કોઈ વ્યક્તિનું મન કલાકૃતિને કોઈ પરોક્ષ કારણસર નહિ પણ કલાતત્વના કારણસર જ જોવા પ્રેરાય એ સૌંદર્યલક્ષી અનુભવ કહેવાય. કલાલક્ષી અનુભવથી ઊલટું આ સૌંદર્યલક્ષી અનુભવ ભાવકના પક્ષે હોય છે, જ્યારે કલાલક્ષી અનુભવ કલાના સર્જકના પક્ષે હોય છે.

બીજો મુદ્દો સ્વયં કલાકૃતિને લગતો છે. ઇટાલીના વિચારક ક્રોચે (1860–1952) જેવા કેટલાક લેખકોનું મંતવ્ય એવું છે કે કલાકૃતિનું અસ્તિત્વ કેવળ કલાકારના મન વિશે રહેલું છે; ભૌતિક કૃતિ એ કલાકૃતિના પરિણામરૂપ લેખાય છે;. પરંતુ સામાન્ય શબ્દપ્રયોગની ર્દષ્ટિએ તેમજ મોટાભાગના કલા-વિશારદોના શબ્દપ્રયોગની ર્દષ્ટિએ કલાકૃતિ એટલે ભૌતિક માધ્યમમાં પ્રગટ થતી (ભૌતિક) કૃતિ.

પ્રત્યેક કલાકૃતિ માધ્યમ મારફત પ્રગટે છે; એટલે કે કોઈ ભૌતિક પદાર્થ અથવા ઘટનાશ્રેણી મારફત એ કૃતિનું ભાવક(એટલે શ્રોતા, પ્રેક્ષક કે વાચક)ને ઇન્દ્રિયો વાટે પ્રત્યાયન કરાય છે. ચિત્રકલામાં રંગ માધ્યમ છે, શિલ્પમાં પથ્થર, લાકડું કે પ્લાસ્ટિક જેવા પદાર્થો માધ્યમ હોય છે. સંગીત પૂરતું સૌપ્રથમ તો એમ લાગે કે સંગીતકારે તૈયાર કરેલ સ્વરલિપિની રચના એ સંગીતનું માધ્યમ; પણ લિખિત સ્વરાંકન એ સંગીત નથી. એ તો કેવળ જુદાં જુદાં વાજિંત્રોમાંથી સૂર પ્રગટાવવા માટેના ર્દશ્ય નિર્દેશો છે. પ્રત્યેક વાદકની યાદશક્તિ સારી હોય તો આવી નોંધની તેને જરૂર પડે પણ નહિ. વસ્તુત: આવી લિખિત સ્વરરચના ન હતી ત્યારે પણ સંગીતનું અસ્તિત્વ તો હતું જ અને કેવળ યાદશક્તિના આધારે વર્ષોવર્ષ અથવા પેઢી-દર-પેઢી સંગીત બજાવાતું કે ગવાતું રહ્યું હતું. એમ ચોક્કસપણે કહી શકાય કે સંગીતનું માધ્યમ છે ભૌતિક ધ્વનિતરંગો; તેમની મારફત ધ્વનિની અનુભૂતિ શ્રોતાના ચિત્તતંત્રમાં પ્રવેશે છે. સાહિત્યનું માધ્યમ શબ્દો જ છે એમ યથાર્થ રીતે કહી શકાય. પણ એ શબ્દો તે મનોજગતમાં કલ્પાયેલું અમૂર્ત અસ્તિત્વ નહિ પણ બોલાયેલા કે લખાયેલા શબ્દો. આમ સાહિત્યનું ભૌતિક માધ્યમ શ્રાવ્ય કે ર્દશ્ય છે; અલબત્ત, એ માધ્યમ દ્વારા થતી અભિવ્યક્તિ ર્દશ્ય કે શ્રાવ્ય નથી હોતી.

કલાનું માધ્યમ અનુસાર વર્ગીકરણ : કલાનું વર્ગીકરણ ઘણી રીતે થઈ શકે, જેમ કે કલાના ઉદ્દેશ અનુસાર, કલાના પ્રભાવ અનુસાર વગેરે. પરંતુ સૌથી પ્રચલિત અને સૌથી મૂળભૂત પદ્ધતિ કલાનું માધ્યમ પ્રમાણે વર્ગીકરણ કરવાની છે.

ર્દશ્ય કલાઓ : આમાં ચિત્રકલા જેવી દ્વિપરિમાણી તેમજ શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલાઓનો સમાવેશ થાય છે. વળી આમાંની કેટલીક કલાઓને ર્દશ્ય-સ્પર્શલક્ષી (visuo-tactual) કલાઓ તરીકે ઓળખાવી શકાય. સામાન્ય રીતે ઇમારતોને જોઈ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે. શિલ્પને તો જોવા ઉપરાંત સ્પર્શવામાં આવે તો જ સાદ્યંત માણી શકાય; અને ચિત્રોમાં પણ કેટલીક વાર એવી ત્રિપરિમાણી લાક્ષણિકતા હોય છે જેથી સ્પર્શાનુભૂતિનું વળતર મળી રહે. ટૂંકમાં, આ બધી કલાઓ સૌપ્રથમ ર્દષ્ટિની ઇન્દ્રિયને – આંખને અપીલ કરે છે અને કલાકૃતિ તે ર્દશ્ય માધ્યમમાં પ્રગટેલો પદાર્થ હોય છે.

શ્રાવ્ય કલા (auditory art) : આ કલાપ્રકારમાં સંગીતનાં તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પરંતુ ગીતની, ઑપેરાની તેમજ સંગીત અને સાહિત્યનું જેમાં સંયોજન થતું હોય તેવી કલાની આમાં ગણના થતી નથી. ર્દશ્ય કલામાં જેમ રંગરૂપ રેખાનું તેમ શ્રાવ્ય કલામાં ધ્વનિનું માધ્યમ હોય છે.

ર્દશ્ય કલાથી ઊલટું, શ્રાવ્ય કલામાં ઉપાદાનરૂપે કોઈ ભૌતિક પદાર્થ હોતો નથી (સિવાય કે સૂર, તાલ ને તદનુલક્ષી સ્વરાંકન, અને આગળ જોયું તેમ સ્વરાંકન એ સંગીત નથી.). એમાં કેવળ સમયક્રમમાં પથરાયેલી નાદશ્રેણી હોય છે; જુદાં જુદાં વાજિંત્રોમાંથી ઉદભવતા ધ્વનિતરંગો હોય છે. સ્વરાંકનની નોંધ રહે છે. જેના આધારે ફરી સંગીત રજૂ કરી શકાય છે. ચિત્ર તથા શિલ્પ જે રીતે અસ્તિત્વ ધરાવે છે એ રીતે સંગીતના ધ્વનિઓનું અવિરત કે સ્થાયી અસ્તિત્વ નથી હોતું. એનું અસ્તિત્વ એ ર્દષ્ટિએ છે કે લિખિત સ્વરાંકન પરથી તેનું પુનર્વાદન થઈ શકે છે.

શબ્દલક્ષી કલા (verbal art) – સાહિત્યની કલા ર્દશ્ય તથા શ્રાવ્ય એ બંને કલાપ્રકારો કરતાં તદ્દન ભિન્ન છે. કાવ્યનું ખાસ કરીને મોટેથી પઠન કરવામાં આવે ત્યારે તેમાં ધ્વનિની સભરતા ઉમેરાય છે; પરંતુ એ ધ્વનિ એકલો હોય તો સાહિત્યની કલા સાવ સત્વહીન બની રહે. કવિતાનો ધ્વનિ એટલા માટે અસરકારક અને સફળ બની રહે છે કે એમાં સાંભળવા મળતા શબ્દોના અર્થની શ્રોતાને ખબર હોય છે. કોઈ અપરિચિત ભાષામાં ઉચ્ચારાતા કાવ્ય કે નાટકના ધ્વનિ સાંભળીએ ત્યારે સાહિત્યમાં શબ્દના અર્થ જાણવા-સમજવાનું કેટલું જરૂરી અને મહત્વનું છે તે સમજાઈ જાય છે. અંગ્રેજીમાં સૌથી મધુર નાદધ્વનિ ધરાવતા શબ્દો પૈકીના એક શબ્દ murmuringમાં લગભગ murdering જેવા જ ધ્વનિઓ છે. આથી શબ્દોના અર્થની જાણકારી હોય તો જ સાહિત્યિક કલાનો આસ્વાદ માણી શકાય છે.

સાહિત્ય સંગીતના જેવી શ્રાવ્ય કલા નથી, તેમ ર્દશ્ય કલા પણ નથી. તેનું માધ્યમ શબ્દ છે. અલબત્ત સાહિત્યકૃતિનાં છાપેલાં પાનાં પરથી તેનું પઠન કરવાનું પ્રચલિત છે ખરું. મુદ્રિત કે લિખિત શબ્દ અથવા પ્રસ્તુત હેતુસર કહો કે ‘ઉચ્ચારાયેલો શબ્દ’ અર્થ વ્યક્ત કરવાનું સાધન છે. આથી સાહિત્યને શ્રાવ્ય કે શ્ય કલાપ્રકાર કરતાં શબ્દલક્ષી કલાના જુદા વર્ગમાં મૂકવાનું રહે.

મિશ્ર કલાઓ(mixed arts)માં ઉપરની ત્રણેય પ્રકારની કલાઓનો જુદી જુદી રીતે સમન્વય થતો હોય છે. આ વર્ગમાં તમામ મંચનલક્ષી કલાઓ(arts of performance)ની ગણના થાય છે. નાટકમાં સાહિત્ય (શબ્દલક્ષી કલા) તથા વેશભૂષા, રંગમંચસજાવટ વગેરે જેવી ર્દશ્ય કલાઓનો સમન્વય સધાય છે. સંગીતનાટક(opera)માં સંગીતકલા(એના મુખ્ય ઘટકરૂપે)નો સાહિત્ય (એનો ગીતરૂપ ભાગ) તથા રંગમંચસજાવટની ર્દશ્ય કલાઓ સાથે સમન્વય સધાય છે. નૃત્યમાં નર્તનમય દેહછટા(એના મુખ્ય ઘટક રૂપે)ની ર્દશ્યાવલી સાથે સંગીતની સંગત તેમજ કેટલીક વાર શબ્દોનો સાથ તથા બહુધા રંગમંચસજાવટના સહયોગનો સમન્વય હોય છે. ગીતમાં શબ્દ તથા સંગીતનું સહકાર્ય હોય છે. ચલચિત્ર(motion picture)માં ર્દશ્ય ઘટકોની સાથે શાબ્દિક ઘટક (ચિત્રકથાનું લખાણ) તથા બહુધા અવાંતરે મુકાયેલા પાર્શ્વસંગીતનો સમન્વય સર્જાય છે.

તમામ ર્દશ્ય કલાઓ સ્થળલક્ષી (spatial) કલાઓ પણ છે; સાહિત્યની અને સંગીતની કલાઓ સમયલક્ષી (temporal) કલાઓ છે. આ તાત્વિક ભેદને પરિણામે પ્રત્યેક કલાપ્રકારની અસરકારકતા તથા આસ્વાદ વિશે ખાસ્સો તફાવત નીપજે છે. સમયલક્ષી કલામાં કલાકૃતિના અંશો પ્રેક્ષક સમક્ષ એકસાથે સમગ્રપણે પ્રસ્તુત થતા નથી પણ સમયની ક્રમિકતા પ્રમાણે રજૂ થાય છે. પહેલી ક્ષણ પૂરી ન થાય ત્યાં સુધી પછીની બીજી ક્ષણનો પ્રારંભ થતો નથી. સ્થળલક્ષી કલામાં સમગ્ર કલાકૃતિ એકસાથે પ્રસ્તુત થાય છે; એના અંશો તરફ ધ્યાન આપવાનું પછીથી બને છે. સમગ્ર કૃતિ પ્રત્યે એકદમ એટલે કે પહેલી નજર પડતાંવેંત તેને એકાગ્રતાથી અવલોકવાનું બની શકે નહિ; પરંતુ કલાકૃતિ તેના સમગ્ર સ્વરૂપે રજૂ થાય છે અને દર્શક પોતાની ઇચ્છાનુસાર કૃતિના અંશોને અવલોકે અને આસ્વાદે છે. શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલામાં પૂર્ણ કૃતિ પ્રસ્તુત કરાય છે પરંતુ તેની અખિલાઈ એકીવખતે અવલોકી તો શું જોઈ પણ શકાતી નથી. કોઈ શિલ્પનો આગળનો ભાગ જોતા હોઈએ ત્યારે તેનો પીઠભાગ જોઈ શકાય નહિ; કોઈ મંદિરનું ગર્ભગૃહ નિહાળી રહ્યા હોઈએ ત્યારે શિખરની શોભા માણી શકાય નહિ.

સમયલક્ષી કલાઓ અમુક નિશ્ચિત ક્રમમાં જ માણી શકાય. કોઈ સંગીતરચના કે નાટક કે ચલચિત્ર અવળે છેડેથી એટલે કે આરંભથી નહિ પણ અંતથી શરૂ કરીને માણવાનું શક્ય નથી. અલબત્ત ટેક્નીકની ર્દષ્ટિએ એ શક્ય છે ખરું; દા. ત., કોઈ ચલચિત્રની કૅસેટ અવળેથી શરૂ કરી શકાય પણ આસ્વાદની ર્દષ્ટિએ એ કેવલ ઉત્પાત જ ગણાય. સમયલક્ષી કલાની કૃતિના વિવિધ અંશોનો આસ્વાદ કલાકારે અગાઉથી સુનિશ્ચિત કરેલા ક્રમ પ્રમાણે જ ભાવકે માણવાનો હોય છે. આ કારણસર જ નવલકથામાં જે રીતે વાર્તાકથન થઈ શકે છે એ રીતે ચિત્રકલામાં થઈ શકતું નથી. ચિત્રમાં ‘ક્ષુરસ્ય ધારા’ (razor’s edge) પર ઝિલાતો સમય  થોડી ક્ષણો જ આલેખાય છે જ્યારે નવલકથામાં અનેક પાત્રો-પ્રસંગોને આવરી લેતા વિશાળ સમયઘટકની ઘટનાઓ બનતી હોય એ ક્રમમાં અથવા પીઠઝબકાર (flash-back) પદ્ધતિએ બની ગઈ હોય એ ક્રમમાં આલેખાય છે. સાંપ્રત કલાપ્રવાહોમાં સમય અને સ્થળનાં પરિમાણો વચ્ચેનો આ ભેદ ટકાવી રાખવા કરતાં નિવારવાનો ઝોક વિશેષ રહેલો છે.

કલાના માધ્યમગત તફાવત : જુદી જુદી કલાઓ વિશે જે માધ્યમગત તફાવત હોય છે તેના પરિણામે જે તે કલાઓ વિશે પણ મહત્વનો તફાવત સર્જાય છે.

સાહિત્યિક અને સાહિત્યેતર કલાઓ : વિવિધ કલાઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત તે આ : સાહિત્યિક અને સાહિત્યેતર કલા. સાહિત્યમાં સંકેતચિહનોનું એક રચનાતંત્ર હોય છે અને એ પ્રત્યેક સંકેતચિહનોનો અમુક નિશ્ચિત અર્થ હોય છે. શબ્દ એ કેવળ અવાજ નથી અથવા છાપેલા પાના પરની કોઈ નિરર્થક નિશાની નથી. શબ્દ નિશ્ચિત અર્થ ધરાવતો ધ્વનિ કે મુદ્રિત સંકેત છે. જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા સમૂહ માટે અર્થસંકેત નક્કી કરાયા છે અને જે તે ભાષાની કોઈ કૃતિ સમજવી હોય તો સંબંધિત ભાષા શીખી લેવાની રહે. બીજી કોઈ કલા વિશે આ સમસ્યા નથી. કોઈ પણ અંગ્રેજીભાષી વ્યક્તિ જર્મનભાષી વ્યક્તિ જેટલી જ સારી રીતે જર્મન સંગીત માણી શકે છે  અને એ ન માણી શકતી હોય તોપણ તેમાં ભાષાની જાણકારીનો અભાવ કારણભૂત નથી બનતો.

આકાર, રંગ અને સૂર માટે શબ્દની જેમ કોઈ અર્થ મુકરર કરાયા નથી. એનું તાત્પર્ય એવું નથી કે કલામાં અભિવ્યક્ત થતાં આ તત્વો ‘અર્થ’ શબ્દની કોઈ ભાવના ધરાવતા નથી. ‘અર્થ’ શબ્દના ઘણા અર્થ છે અને ઉદાહરણ તરીકે જોઈએ તો રંગ કોઈ ને કોઈક ભાવનું પ્રતીક બની રહે છે એટલે રંગ અમુક અર્થ ધરાવે છે એમ કહી શકાય; જેમ કે લાલ રંગ શૌર્યના પ્રતીકરૂપ છે; અથવા તેનાથી ઉદભવતા ઉગ્ર સાહચર્યના કારણે દર્શકના ચિત્તમાં પ્રબળ લાગણીઓ અથવા અન્ય કોઈ પ્રતિભાવ પણ જન્મી શકે. ટૂંકમાં, રંગનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો. સંગીતમાં પણ વિવિધ સૂરનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો  કેવળ અસર અથવા પ્રભાવ હોય છે; અને જેમ રંગની બાબતમાં તેમ સૂરની બાબતમાં, અર્થ વગર પણ એની અસરકારકતા માણી શકાય છે. સાહિત્યિક કલામાં આથી ઊલટું છે. કવિતામાં કોઈ શબ્દના અર્થની ખબર ન હોય તો એ કવિતાનો આસ્વાદ એટલે અંશે ઊણો રહે; કારણ કે કવિતાનું માધ્યમ અવાજ કે મુદ્રિત ચિહન નહિ પણ શબ્દો છે અને અવાજ તથા શબ્દ વચ્ચે એ જ તો તફાવત છે કે શબ્દ એ એવો ધ્વનિ છે જે અર્થ પણ ધરાવે છે.

આ તાત્વિક તફાવતના કારણે સાહિત્ય અને અન્ય કલાઓ વચ્ચે ખાસ્સો ભેદ સર્જાય છે. સાહિત્યનું માધ્યમ શબ્દ છે એટલે સાહિત્યની કલામાં ભાષાંતરની સમસ્યા સર્જાય છે; સાહિત્યેતર કલાઓમાં એ સમસ્યા લેશમાત્ર હોતી નથી. ઇટાલીની અમર ચિત્રકૃતિઓ, ગ્રીસની ચિરંજીવ શિલ્પકૃતિઓ કે ભારતનું સૌંદર્યમંડિત સ્થાપત્ય માણવા માટે ભાષાભેદની આવી કોઈ બાધા નડતી નથી. કોઈ સાહિત્યકૃતિને અન્ય ભાષાભાષી વિશાળ ભાવક સમુદાય સમક્ષ રજૂ કરવાનું વિચારાય ત્યારે ભાષાંતરની આ પ્રક્રિયા ઉપસ્થિત થાય છે. પરંતુ સાહિત્યકૃતિની જે જે સુંદરતા મૂળ ભાષામાં પામી શકાય છે તે તમામ સુંદરતા ભાષાંતરની પ્રક્રિયા વડે અન્ય ભાષામાં અક્ષત ઉતારી શકાતી નથી અને એટલે અંશે મૂળ સાહિત્યકૃતિની સુંદરતા નષ્ટ થાય છે. સાહિત્યિક કૃતિની આ લાક્ષણિક માધ્યમગત મર્યાદા છે.

કલા એટલે અનુકરણ : ‘કલા’ એ અનુકરણ છે એવો મત ગ્રીક તત્વવેત્તા પ્લૅટો (ઈ. પૂ. 428-327) જેટલો પ્રાચીન છે. આજે જોકે એનો પ્રભાવ રહ્યો નથી પરંતુ તેના સુદીર્ઘ અને વિલક્ષણ ઇતિહાસ પરથી જણાય છે કે માનવવિચારસરણી પર તેનો લગાતાર પ્રભાવ રહ્યો છે. પણ આમાં એક પારિભાષિક મુદ્દો પ્રસ્તુત છે. કોઈ કલાકાર વિશે વાત કરવી હોય તો તે તેની કૃતિઓમાં જગતનાં લોકો, વસ્તુઓ તથા ર્દશ્યોનું પ્રતિનિધાન (representation) કરે છે એમ કહી શકાય, જ્યારે અનુકરણ (imitation) તો તે બીજા કોઈ કલાકારનું કરે છે એમ કહી શકાય. આમ કોઈ ચિત્રકૃતિમાં કલાકારે ખેતર, વૃક્ષો, પનિહારી વગેરેનું પ્રતિનિધાન કર્યું છે એમ કહેવાય જ્યારે કોઈ કલાકારે અનુકરણ સોમાલાલ શાહનું કર્યું છે એમ કહેવાય. એટલે હવે આ અનુકરણના પરંપરાગત સિદ્ધાંતને બદલે પ્રતિનિધાન સિદ્ધાંતનો સવિશેષ ઉલ્લેખ થાય છે.

કલાના વિકાસના અમુક તબક્કે એવો પણ આગ્રહ રખાતો હતો કે કલામાં પ્રકૃતિનું આલેખન ફોટોગ્રાફ જેવી સૂક્ષ્મતાથી થવું જોઈએ પણ સ્વયં ફોટોગ્રાફીની કલાનો જ ખૂબ વિકાસ થતાં ચિત્રકારના માથેથી એ ભારણ ઓછું થયું. જોકે કલામાં પ્રતિનિધાન તો વાસ્તવિકતાનું જ કરવાનું રહે, પણ ચિત્રકૃતિમાં આલેખાયેલું ઘર વાસ્તવિક ઘર જેવું ન હોય  અને હોઈ પણ ન શકે કારણ કે વાસ્તવિક ઘર ત્રિપરિમાણ ધરાવે છે, જ્યારે ચિત્રકલા દ્વિપરિમાણી છે  પણ દરેક વ્યક્તિ તેને ઘર તરીકે ઓળખી કાઢી શકે એટલું તો એમાં સરખાપણું હોવું જોઈએ.

પ્રતિનિધાનનું પૃથક્કરણ : પ્રતિનિધાનમાં હંમેશાં અમુક પ્રમાણમાં તત્વતારણ(abstraction)ની પ્રક્રિયા સંકળાયેલી હોય છે; એટલે કે મૂળ પદાર્થ કે વસ્તુની એક યા વિશેષ લાક્ષણિકતા તારવી કે ગાળી લેવામાં આવે છે. આમેય કોઈ વ્યક્તિના ખાસ્સા વાસ્તવિક ગણાતા હોય એવા ચિત્રમાં પણ, મૂળ વ્યક્તિની લક્ષણવિશેષતાઓ જેવી કેટલીક ખાસિયતો અવ્યક્ત જ રહી હોય છે; પરંતુ આ તત્વતારણ એટલે કે એબ્સ્ટ્રૅક્શનનું પ્રમાણ એટલું વિશેષ હોય કે કૃતિમાં નિરૂપાયેલો આકાર માનવ-આકાર છે કે કોઈ વાસ્તવિક પદાર્થનો આકાર છે એ પણ ઓળખી ન શકાય ત્યારે એવાં ચિત્રોને બિન-પ્રતિનિધાનાત્મક (non-representational) કહેવાય છે; પ્રચલિત ભાષામાં એ ચિત્રો અમૂર્ત કે ‘એબ્સ્ટ્રૅક્ટ’ તરીકે ઓળખાય છે. જોકે આ પણ કંઈક ભ્રામક છે. દરેક પ્રતિનિધાનમાં તત્વતારણની પ્રક્રિયા અનિવાર્યપણે સંકળાયેલી જ હોય છે એટલે કે વાસ્તવિકતાના અમુક અંશો તારવી કાઢેલા હોય છે; એબ્સ્ટ્રૅક્શનના પ્રમાણમાં ફેર પડતો રહે છે એટલું જ.

સાહિત્ય પણ પ્રતિનિધાનલક્ષી કલા છે પરંતુ એમાં થયેલું પ્રતિનિધાન ર્દશ્ય કલા જેવું હોતું નથી. નવલકથા કે નાટકમાં અનેક પાત્રો આવે અને ઘટનાનું પ્રતિનિધાન થાય એ ખરું, પણ એ પ્રતિનિધાન ર્દશ્ય નથી હોતું કારણ કે એ ભાષાગત હોય છે. ચિત્રકાર રંગ-રેખા વડે સિદ્ધરાજ જેવા કોઈ પ્રતાપી પાત્રનું વ્યક્તિચિત્ર બનાવે છે, લેખક એનું શબ્દચિત્ર વર્ણવે છે. ચિત્રકારથી ઊલટું લેખક કાર્યનું પણ નિરૂપણ કરી શકે છે; દાખલા તરીકે, સિદ્ધરાજનાં કાર્યો – પરાક્રમો તે ભાષા મારફત નિરૂપી શકે છે. શબ્દનું માધ્યમ આ રીતે રંગરેખાને મુકાબલે વધુ સક્ષમ લાગે. જે મિશ્ર કલાઓમાં માધ્યમ તરીકે શબ્દનો પણ ઉપયોગ થાય છે તેમાં એટલે કે નાટક તથા ફિલ્મમાં, સાહિત્ય જેવા શબ્દનિર્ભર પ્રતિનિધાન ઉપરાંત બીજો પણ લાભ મળે છે. શબ્દ વડે કાર્ય આલેખવા ઉપરાંત આ કલાપ્રકારો પ્રેક્ષક સમક્ષ એ પાત્રો પ્રત્યક્ષ રજૂ કરી શકે છે અને કાર્ય બનતું હોય એ રીતે દર્શાવી શકે છે. આ મિશ્ર કલાઓ ર્દશ્ય છે તેમજ શ્રાવ્ય પણ હોય છે; વળી ચિત્રકલા તથા શિલ્પની જેમ સમયની એકાદ ક્ષણપૂરતી સીમિત ન હોવાથી એ મિશ્ર કલાઓ દ્વિગુણિત સ્થળલક્ષી તથા સમયલક્ષી બંને છે; આથી આ કલાઓ દ્વિગુણિત પ્રતિનિધાન કરી શકે છે. સંગીતકલામાં આ શક્ય નથી; સંગીત પાત્રો કે પદાર્થોને નથી તો ર્દશ્યસ્વરૂપે દાખવી શકતું કે નથી તો શબ્દમાં વર્ણવી શકતું.

કલા એક અભિવ્યક્તિ : કલા એ અનુકરણ (કે પ્રતિનિધાન) નથી એ ર્દષ્ટિબિંદુનો પ્રતિવાદ તો થયો જ છે, પણ અમુક કલાપ્રકારોમાં તો એકાદ સદી ઉપરાંતથી એ વાદ મૃતપ્રાય બની ગયો છે. એના સ્થાને મોટેભાગે એવો સિદ્ધાંત પ્રચલિત થયો છે કે કલા એ અભિવ્યક્તિ (expression) છે. બાહ્ય જગતની પરિસ્થિતિઓનું આલેખન કરવાને બદલે કલા કલાકારના આંતરિક જગતનું આલેખન કરે છે એવું મનાયું છે. ‘અભિવ્યક્તિ’ના હાર્દરૂપ અર્થમાં આવું જ અભિપ્રેત છે : આંતરિક અવસ્થાનો બાહ્ય આવિષ્કાર.

કલાકૃતિનું સર્જન એટલે કોઈ માધ્યમમાં (સંગીતમાં સૂર, સાહિત્યમાં શબ્દ, ચિત્રકલામાં રંગરેખા એ પ્રમાણે) તત્વોનું નવેસર સંયોજન સિદ્ધ કરવું તે. એ તત્વોનું પૂર્વ-અસ્તિત્વ તો હતું જ, પણ આ પ્રકારના સંયોજન મુજબનું નહિ. કલાકાર પોતાની કૃતિમાં એ તત્વોના પુન:સંયોજનરૂપે સર્જન કરે છે.

કલાનાં જુદાં જુદાં માધ્યમોમાં સર્જન થાય છે એ દેખીતી ઘટના હોવા છતાં અભિવ્યક્તિ વિશે બહુ જ થોડું કહેવાયું છે. અભિવ્યક્તિવાદી તરીકે ઓળખાતો વર્ગ એમ માને છે કે સર્જનાત્મક પ્રક્રિયા એ અભિવ્યક્તિની જ પ્રક્રિયા છે – અથવા અભિવ્યક્તિ માટે કલાકાર પાસેથી સર્જનકાર્ય કરતાં પણ કંઈક વિશેષ અપેક્ષા રહે છે. કેટલાકનું મંતવ્ય એવું છે કે કલાનું સર્જન એ આત્માભિવ્યક્તિ છે; બીજા કેટલાક એવું માને છે કે એમાં લાગણી(feeling)ની અભિવ્યક્તિ હોય છે; જોકે એવું નથી કે એ લાગણીઓ સ્વયં પોતાની જ હોય; એ પણ હોય અને એથી વિશેષ પોતાના સમુદાયની, રાષ્ટ્રની કે સમસ્ત માનવજાતની લાગણીઓ પણ હોય. અન્ય કેટલાક લોકો એવો મત ઉચ્ચારે છે કે સર્જન લાગણીઓ પૂરતું જ સીમિત હોય એ જરૂરી નથી; એમાં કલ્પના અને વિચારો પણ અભિવ્યક્ત થાય. પણ કલાલક્ષી સર્જન અભિવ્યક્તિની પ્રક્રિયા છે એવો અસંદિગ્ધ અભિપ્રાય એ રોમૅન્ટિક ઝુંબેશની નીપજ છે. એ મત અનુસાર તત્વજ્ઞાન અને અન્ય જ્ઞાનશાખાઓમાં જેમ વિચારોની અભિવ્યક્તિ છે તેમ કલાના સર્જનમાં ભાવ કે સંવેદનની અભિવ્યક્તિ છે. સર્વાંશે જોતાં, કલા એ વિવિધ ભાવોની અભિવ્યક્તિ છે એ મત ઐતિહાસિક મહત્વનો નીવડ્યો છે અને એમાં ભાવ એટલે લાગણી કે ઊર્મિ તથા મનોવલણ પણ અભિપ્રેત છે.

કલાનું સ્વરૂપ : કલાની સ્વરૂપ તરીકેની વિચારણા અથવા સ્વરૂપવાદ એ ચોક્કસપણે વીસમી સદીની ઘટના છે. એ પણ ચોક્કસ કે એનો આવિષ્કાર અમુક વિચારસરણીની પ્રતિક્રિયારૂપે થયો છે એટલે સ્વરૂપવાદનું તાત્પર્ય પામવું હોય તો તે વિચારસરણીઓ જાણી લેવી ઘટે. કલા પ્રતિનિધાન છે, કલા અભિવ્યક્તિ છે, કલા સત્ય કે જ્ઞાન કે નૈતિક ઉત્કર્ષ કે સામાજિક સુધારણા માટેનું સાધન છે; કલા આ બધી કામગીરી પાર પાડી શકવા સમર્થ નથી એવું સ્વરૂપવાદીઓ માનતા નથી; તેઓ એમ માને છે કે કલાને આવાં કાર્યો માટે પ્રયોજવાથી કલાનો સાચો ઉદ્દેશ માર્યો જાય છે. આ સ્વરૂપવાદીઓનો ધ્યેયમંત્ર – જીવન ખાતર કલા નહિ, પણ કલા ખાતર કલાની જિકર છે.

રેખા અને રંગની, સંગીતના સૂરોની તથા શબ્દોની જટિલ ગૂંથણી તથા એ બધાંનાં સંયોજનોને સમજવા-માણવાના આસ્વાદ તથા આનંદ માટે કલા છે. આ બધાં માધ્યમો વડે કલા દુન્યવી પદાર્થોનું પ્રતિનિધાન કરી શકે, જીવનમાંનાં ર્દશ્યો આલેખી શકે અને વાસ્તવિક જિંદગીના અનુભવ વ્યક્ત કરી શકે એ સાચું, પણ સ્વરૂપવાદીઓની ર્દષ્ટિએ કલાના પ્રધાન ઉદ્દેશ સાથે આ બધું અપ્રસ્તુત અને અસંગત ગણાય છે. હકીકતમાં કોઈ વાર્તા કહેવી અથવા જગતનું નિરૂપણ કરવું એના કરતાં રંગોને રંગ ખાતર, સૂરોને કેવળ સૂર ખાતર અને એવાં બીજાં તત્વોને એ તત્વો ખાતર જ કલાના માધ્યમમાં પ્રસ્તુત કરવાનો ઉપક્રમ હોવો જોઈએ.

કલાના સાચા ઉદ્દેશ પરત્વે ચર્ચા કરનારા કલાસંપ્રદાયો વચ્ચે મતભેદ છે. પણ એક વાતમાં એ સૌ એકમત છે કે કલા એ અમુક સાધ્ય માટેનું સાધન તો છે જ. એમાં ઇન્દ્રિયોને આનંદ આપવો કે વિશ્વનાં રાષ્ટ્રોમાં બિરાદરી જન્માવવી કે માનવજાતમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી કે વાચક અથવા પ્રેક્ષકની નૈતિક માન્યતાઓમાં સુધારણા કરવી એવો કોઈ પણ ઉદ્દેશ હોઈ શકે; ઉદ્દેશ કોઈ પણ હોય, એમાં કલા કલા સિવાયના કોઈ સાધ્ય માટેનું સાધન બની રહે છે. એટલે અંતિમ પૃથક્કરણમાં કલાના પ્રકારનું મહત્વ રહેતું નથી, પણ ભાવક પર તેની શી અસર ઝિલાય છે એ જ ગણતરીમાં લેવાય છે; એ અસર ચાહે ઇંદ્રિયગમ્ય હોય યા બોધલક્ષી; સામાજિક હોય યા ધાર્મિક કે નૈતિક હોય.

એક વાદ એવો પણ છે કે ભાવકના ચિત્ત વિશે એક જ પ્રકારની અસર જન્માવવી એટલે કે આનંદ જન્માવવો. કલામાં બોધ હોય કે માહિતી, નિરૂપણ હોય કે અભિવ્યક્તિ; પણ તેનું મુખ્ય કાર્ય તે આનંદ આપવાનું. વિશેષ આનંદ આપે તે વિશેષ સારી કલાકૃતિ. આ સિદ્ધાંતને આટલી સરળતાપૂર્વક રજૂ કરવામાં આવે તો ઉપલક ચળકાટવાળી અને છીછરી કૃતિઓ તેમજ ઊંડાણ કે સ્પષ્ટતા વગરની કૃતિઓને ઉત્તમ કલાકૃતિઓ ગણવી પડે; અને એટલું સ્વીકારીએ તો શેક્સપિયર કે પિકાસો કે પિરાજી સાગરાની કૃતિઓને લાગફેલોનાં કાવ્યો અથવા રાજા રવિવર્માનાં ચિત્રો કરતાં ઘણું નીચું સ્થાન આપવાનું થાય; કેમ કે, શેક્સપિયરની કે પિકાસોની અથવા એવા અન્ય સર્જકોની ગહન, ગંભીર કે વિચારપ્રેરક કૃતિઓ સમજવામાં ઘણાને મુશ્કેલી પડે છે અને ઘણા તો સમજી પણ શકતા નથી. પણ આવા સમર્થ સર્જકોની કૃતિઓમાંથી આનંદ નથી મળતો એવું નથી; એટલું કે એ આનંદ માટે અધિકાર કે યોગ્યતાની અપેક્ષા રહે છે તેથી ઘણી વાર અમુક કક્ષાના ભાવકોને તેમાંથી આનંદનો અનુભવ થતાં વાર લાગે છે. લાંબે ગાળે, એ કૃતિ સમજાય ત્યારે કલાગત આનંદનો અનુભવ થાય છે. આનું બીજું ફલિત એ પણ થાય છે કે જે કલાકૃતિઓ સરળ, સ્વયંસ્પષ્ટ અને સુગમ હોય તેને ઘણો વિશાળ ભાવકસમુદાય સમજી-માણી શકે છે.

કલા કેવળ ‘આનંદ’ આપે એવા ઉપરના વાદમાં ઉમેરણ કરીને એમ પણ કહેવાયું છે કે કલા સૌંદર્યલક્ષી આનંદ (aesthetic pleasure) આપે છે. આમાં પણ ‘સૌંદર્યલક્ષી’ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે તેના પર જ બધો આધાર રહે. વળી સૌંદર્યલક્ષી આનંદને અન્ય પ્રકારના આનંદથી તારવી બતાવવા માટે કોઈ તૈયાર કે સરળ ઉપાય નથી. વસ્તુત: ઉત્તમ કલાકૃતિની વાચક, પ્રેક્ષક કે શ્રોતાના ચિત્ત વિશે જે અસર જન્મે છે તે કેવળ આનંદલક્ષી હોય છે એમ કહેવું પૂરતું નથી. કલા આનંદ આપી શકે છે અને કલાએ આનંદ આપવો ઘટે એનો તો ભાગ્યે જ કોઈ ઇનકાર કરે; પણ કલામાંથી કેવળ આનંદ મળી રહેવો જોઈએ એવું તો જૂજ લોકો કહેવાના. ઉત્તમ કલા આનંદની અનુભૂતિ તો કરાવે જ; પણ એ ઉપરાંત ક્યારેક એ ભાવકને હચમચાવી મૂકે, એના ચિત્તમાં આઘાત જન્માવે કે પડકાર પણ પેદા કરે અથવા એનો ગહન અનુભવ કરનારના જીવનમાં પરિવર્તન પણ લાવી શકે. ટૂંકમાં આનંદ એ કલાની બહુવિધ અસરો પૈકીની એક છે; એકમેવ અસર નહિ.

કલા સત્ય કે જ્ઞાન માટેનું સાધન : કલાપક્ષે જે એક બીજો ઉદ્દેશ નિરૂપાયો છે તે છે તેની જ્ઞાનલક્ષી કામગીરી; સત્યની પ્રાપ્તિના સાધન તરીકે કલાની કામગીરી. માણસને પ્રાપ્ત ઉત્તમોત્તમ જ્ઞાન મેળવવા તેમજ બીજા કોઈ ઉપાયોથી મેળવવું દુષ્કર બનતું જ્ઞાન મેળવવા માટેનો માર્ગ તે કલા એમ પણ કહેવાયું છે. એનો સૌથી પ્રચલિત અર્થ ઘટાવીએ તો એમ કહી શકાય કે જ્ઞાન કોઈ વિધાન(proposition)ના સ્વરૂપે વ્યક્ત થાય છે. ઇન્દ્રિયગત અવલોકન પરથી જાણી શકાય છે કે સૂર્ય આથમે છે – આ જ્ઞાન થયું. કલાકૃતિના પરિચયથી પ્રાપ્ત થતું જ્ઞાન આ જ પ્રકારનું હોય છે ? એ ખરું કે કલાકૃતિનો પરિચય કર્યા પછી એવાં કેટલાંક વિધાનો કરી શકાય છે, જે તેના પરિચય વિના શક્ય બનત નહિ; જેમ કે, આ ચિત્રમાં લાલ રંગનું વર્ચસ્ છે, આ શિલ્પકૃતિ ઈસુ પૂર્વે 400 વર્ષ આસપાસની હોવાનો સંભવ છે. પ્રશ્ન એ રહે છે કે કલાકૃતિમાંથી એવું કંઈ પ્રાપ્ત થાય છે જેને સત્ય અથવા જ્ઞાન કહી શકાય ? કદાચ સાહિત્યિક કૃતિ આવો દાવો કરી શકે. સાહિત્ય સર્જાય છે શબ્દો વડે; શબ્દોનું સંયોજન થતાં વાક્યો રચાય છે અને વાક્યોમાંથી વિધાન રચાય છે. સાહિત્યમાં આવાં વિધાનો આલેખાયાં હોય છે; પણ એમાંનાં કેટલાંક વિધાનો સાચાં ન હોય તો વિસ્મય પામવા જેવું નથી. શેક્સપિયરે ‘ધ વિન્ટર્સ ટેલ’માં અમુક ઘટના બોહેમિયાના દરિયાકાંઠે બનતી હોવાનું આલેખન કર્યું છે; પરંતુ બોહેમિયાને દરિયાકાંઠો જ નથી. આથી આ વિધાન ભૌગોલિક ર્દષ્ટિએ સાચું ન ગણાય પણ એથી શેક્સપિયરની સાહિત્યકૃતિને કશી આંચ નથી આવતી. મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ તથા ભૂગોળ સાચાં ન હોય તોપણ તે કારણે તેમની એ કૃતિઓની રસાત્મકતાને કશો બાધ આવતો નથી. હકીકતમાં સાહિત્ય ઇતિહાસ કે ભૂગોળ કે કોઈ જ્ઞાનશાખા નથી. એથી સાહિત્યની કૃતિમાં ઇતિહાસ કે ભૂગોળ, વિજ્ઞાન કે વિદ્યા કે શાસ્ત્રનાં સત્યો ન હોય તો વાંધો નહિ. પણ સૌ સાહિત્યકારોએ એક સત્ય તો અવશ્ય નિરૂપવું ઘટે – અને તે છે માનવહૃદય વિશેનું સત્ય. સાહિત્યનો સર્જક પરિણામોની પરવા કર્યા વિના બીજાં બધાં સત્યો વિશે ચેડાં કરે તો પાલવે પણ માનવહૃદયની સચ્ચાઈ આલેખવાની બાબતમાં તે ઉદાસીન, બેદરકાર કે અસાવધ રહે તો તે પોસાય નહિ. તેનાં પાત્રો જીવંત અને સ્વાભાવિક લાગવાં જોઈએ. એ પાત્રો પ્રેમ, ક્રોધ, ઈર્ષ્યા અને એવી જ બીજી માનવસહજ લાગણીઓ ધરાવતાં ન હોય તેમજ વાસ્તવજગતના માનવો જે રીતે વર્તવા પ્રેરાય એ જ રીતે વર્તતાં ન હોય તો મૂળભૂત રીતે જ વાચક તેમને સમજી પણ નહિ શકે. એ પાત્રો અજાણ્યાં, અપરિચિત કે અસંગત અને અસ્પષ્ટ બની રહેવાનાં. આથી જ સાહિત્યનો સર્જક બીજું જે કરે તે, પણ તેનું નિરૂપણ માનવપ્રકૃતિ પરત્વે સત્યનિષ્ઠ રહેવું જોઈએ.

સાહિત્યેતર કૃતિમાં માનવપ્રકૃતિનું સત્ય હોય ખરું ? ચલચિત્રો અને ઑપેરા તેમજ બીજી મિશ્ર કલાઓ સ્પષ્ટત: આવું સત્ય નિરૂપી શકે; પણ તેમનું ઉપાદાન છે શબ્દો, અને આવા નિરૂપણમાં સાહિત્ય મુખ્ય અંગભૂત ઘટક બની રહે છે; પણ જે કલાઓમાં શબ્દનું ઉપાદાન નથી તેમનું શું ? ચિત્રકલા અને શિલ્પ સમયલક્ષી કલાઓ નથી અને તેથી એમાં કાર્યનું નિરૂપણ થઈ શકતું નથી, પણ માનવચરિત્રના આલેખનમાં કાર્યનું સર્વોપરી મહત્વ છે. આ કલાઓમાં કલ્પિત કે વાસ્તવિક પાત્રોનું નિરૂપણ થાય છે પણ તેમાં સમયની સ્વલ્પ ક્ષણો જ ઝિલાય છે. એથી વાસ્તવિક માનવપ્રકૃતિની સચ્ચાઈ નિરૂપવાનું શક્ય બનતું નથી. એ જ રીતે, સંગીતની કલામાં (એટલે કે શબ્દની સંગત વગરના સંગીતમાં) તો આવું સ્વલ્પ સમયગત નિરૂપણ પણ નથી હોતું; બહુ તો એમાં માનવલાગણીઓ વ્યક્ત થાય પણ એ નિરૂપણમાં માનવપ્રકૃતિ અને સ્વભાવ વિશેની સચ્ચાઈ વ્યક્ત થઈ શકતી નથી. પાત્રોના નિરૂપણમાં માનવપ્રકૃતિ વિશેનું સત્ય કલાતત્વની ર્દષ્ટિએ સુસંગત હોય, પણ કલાકૃતિની ઉત્તમતા માટે એ એક જ માપદંડ છે એમ કહેવું એ એક અતિશયોક્તિ બની રહેશે; એવી અતિશયોક્તિ કરવાથી કલાની ઉત્તમતા માટે રંગ અને આકૃતિ અને અભિવ્યક્તિના જે માપદંડ છે તેની અવહેલના કરવા જેવું થાય. કલાના જુદા જુદા પ્રકારો સત્યના નિરૂપણ વિના પણ ટકે છે એ લક્ષમાં લેતાં એમ પણ જણાય છે કે કોઈ પણ સંજોગોમાં સત્ય (કે માનવપ્રકૃતિ વિશેનું સત્ય) કલાકૃતિમાં અનિવાર્ય નહિ બને. કલાકૃતિમાં એવું સત્ય નિરૂપાયું હોય અને સત્યની એ ઉપસ્થિતિથી કલાકૃતિની ગુણવત્તામાં વધારો થતો હોય (આનો પણ ઘણા પ્રતિવાદ કરવાના) તોપણ એ નિરૂપણ કલાકૃતિની અનેક વિશેષતા પૈકીની જ એક વિશેષતા લેખાવાની. આથી કલાનો ઉદ્દેશ કે કલાનું કાર્ય સત્ય દાખવવાનો છે એવો મત નિ:શંક ભ્રામક છે. જે કોઈને સત્ય પામવાની અપેક્ષા હોય અને સત્ય સિવાયનાં તત્વોની ઉપસ્થિતિ વિશે ઉદાસીનતા હોય તેમણે કલાનો નહિ પણ વિજ્ઞાન કે તત્વજ્ઞાનનો આશરો લેવો ઘટે.

કલા નૈતિક સુધારણાનું ઉપાદાન : કલાકૃતિ સુંદરતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં સૌંદર્યતત્વોની ગુણવત્તા છે એમ કહેવું એ એક વાત થઈ અને કલાકૃતિ નૈતિકતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં લોકોની નીતિમત્તા સુધરે એવો પ્રભાવ પાડવાની શક્તિ છે એમ કહેવું એ બીજી વાત થઈ. આ બંને અભિપ્રાય જોકે એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ એ સાવ અસંલગ્ન પણ નથી. કલાના નીતિ વિશેના સંબંધ અંગે ત્રણેક મતો પ્રચલિત છે.

નીતિવાદ : એક ર્દષ્ટિબિંદુ એવું છે કે કલાનું મુખ્ય કે એકમેવ કર્તવ્ય નીતિના અનુચર બની રહેવાનું છે. જે કલા આવા ઇચ્છિત પ્રકારની નૈતિક અસરકારકતા ન પ્રગટાવે તેને નીતિશાસ્ત્રીઓ શંકાસ્પદ નજરે જુએ છે; કારણ કે કલા લોકોના મન વિશે અરૂઢ વિચારો – અપ્રચલિત ખ્યાલો જન્માવે છે; લોકોને સંકુચિત ર્દષ્ટિના ચોકઠામાંથી છોડાવે છે; તે અજંપો અને વ્યાકુળતા જન્માવે છે કારણ કે તેમાં એકવાક્યતા ઉપર નહિ પણ વ્યક્તિત્વ પર ભાર મુકાતો હોય છે. ઘણીય વાર કલાકૃતિઓ સ્થાપિત વ્યવસ્થાતંત્ર સામેની ક્રાંતિ કે તે વિશેની નિર્ભાન્તિમાંથી આવિષ્કાર પામી હોય છે. આમ જે માન્યતાઓ અને મનોવલણો પર સમાજનું કલ્યાણ અવલંબતું હોવાનું મનાય છે તેને જ કલા અવગણે છે કે ગૌણ ગણે છે અને એવી જ રૂઢિના રક્ષકો કલા પ્રત્યે સાશંક ભાવે જુએ છે.

પશ્ચિમની દુનિયામાં કલાના નીતિમય પાસાના સૌપ્રથમ પુરસ્કાર કર્યો પ્લૅટોએ – ખાસ કરીને The Republic અને Laws નામના ગ્રંથોમાં. પ્લૅટોએ કવિઓની પ્રશંસા કરી છે; અમુક અંશે એ પોતે પણ કવિતા કરતા. પરંતુ પોતાના આદર્શ મુજબના રાજ્યની  કાગળ ઉપર – સ્થાપના કરવાનો પ્રસંગ પડ્યો ત્યારે પ્લૅટોને ખાતરી થઈ કે ઘણીખરી કલાપ્રવૃત્તિ તથા હોમરના કેટલાક ફકરા સુધ્ધાં યુવાન અને પ્રભાવક્ષમ વર્ગ પર માઠી અસર કરે તેમ હતા. આથી તેમણે તેનો નિષેધ કરવા ઠરાવ્યું. જે લખાણમાં ઈશ્વરને લગતાં અનિષ્ટ ઉચ્ચારણો હોય કે તેના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવાઈ હોય, જે લખાણમાં અતિશય કામવાસનાનું નિરૂપણ હોય તેવાં લખાણ તથા આત્મા તથા ઇન્દ્રિયો વિશે ક્ષોભ અને અશાંતિ પ્રગટાવે તેવું સંગીત પણ તેમણે નિષિદ્ધ ગણ્યું. આમાં પ્લૅટોની ચિંતા એ હતી કે પોતાના સૂચિત રાજ્યના રાજ્યકર્તાઓની પરિષદમાં જોડાનારનો આત્મા શુદ્ધ હોવો જોઈએ; સમસ્ત લોકસમુદાય માટે આવું નિયંત્રણતંત્ર સેન્સરશિપ હોય એવો તેમનો મત ન હતો. પરંતુ યુવાનવર્ગમાંથી કયા લોકોની રાજકર્તા-પરિષદ માટે પસંદગી થશે એ ભાખવું મુશ્કેલ તો હતું જ; વળી કલાકૃતિઓનો લાભ સમુદાયના અમુક વર્ગને જ મળે અને અમુકને એથી વંચિત રખાય એવું તંત્ર ગોઠવવાનું શક્ય હતું જ નહિ (છે પણ નહિ). આથી પ્લૅટોને જે પ્રકારનું નિયંત્રણ અભિપ્રેત હતું તેનો પ્રકાર સાર્વત્રિક રાખ્યા સિવાય ઉપાય ન હતો. પ્લૅટોના Ion તથા Phaedrus નામના બીજા જે ‘ડાયલૉગ્ઝ’માં રાજ્યની રચનાનો કોઈ ઉદ્દેશ ન હતો તેમાં તેમણે કલાના સદગુણોની પ્રશંસા કરી છે અને કલાકારને દૈવી પ્રકૃતિ(એટલે કે આવેશપૂર્ણ દૈવી પ્રકૃતિ)નો કહ્યો છે પણ જે કલા અને નીતિ વચ્ચે સંઘર્ષની સમસ્યા હોય તો જતું કરવાનું તો કલાના પક્ષે જ હોય.

સૌંદર્યવાદ : નીતિવાદના ર્દષ્ટિબિંદુથી તદ્દન વિરોધી મત તે સૌંદર્યવાદ. એ મત મુજબ કલા(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ નીતિના અનુચર કે દાસી બની રહેવાને બદલે નીતિ(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ કલાના અનુચર બની રહેવું જોઈએ. આ મતના સમર્થકોનું કહેવું એવું છે કે માનવજીવનને સુલભ થયેલી અનુભૂતિ પૈકી કલાની અનુભૂતિ સૌથી ઉત્કટ અને અતિવ્યાપક છે અને એ અનુભૂતિમાં કશાનોય વિક્ષેપ કે અંતરાય ન રચાવો જોઈએ. કલા નીતિમત્તા સાથે વિરોધાતી હોય તો એ નીતિમત્તાની અવદશા ગણાય. લોકસમુદાય તે માણી શકે નહિ અથવા તેમાંની અનુભૂતિ ઝીલી શકે નહિ તો એ લોકસમુદાયની કરુણતા ગણાય. સૌંદર્યાનુભૂતિની ચેતનાસભર ઉત્કટતા એ માનવજીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે. નીતિની ર્દષ્ટિએ કલાની અહિતકર અસર પડતી હોય તોપણ કલા નિમિત્તે મળતા સર્વાધિક અગત્યના અનુભવની તુલનામાં ખરેખર તેનું કશું મહત્વ નથી. કલાકૃતિની અનુભૂતિ એ માનવજીવનની સર્વોત્તમ અનુભૂતિ ખરી, પણ માનવજીવનની એ એકમેવ અનુભૂતિ નથી. જીવનમાં મૂલ્યોની બહુલતા છે અને સૌંદર્યલક્ષી મૂલ્યો મોટાભાગના લોકો ધારે છે તે કરતાં વિશેષ ઉમદા છે પણ જીવનમાં એ મૂલ્યોનો એકાધિકાર નથી; જીવનનાં સંખ્યાબંધ મૂલ્યો પૈકીનાં તે અમુક જ મૂલ્યો છે.

નીતિલક્ષી અને સૌંદર્યલક્ષી ર્દષ્ટિબિંદુઓ એ બંને અંતિમવાદી છે; સત્ય તો એ બંનેના મધ્ય માર્ગે જ સાંપડવાનો સંભવ છે. વસ્તુત: કલા અને નીતિ અત્યંત નિકટપણે સંકળાયેલાં છે; એકબીજાના સહયોગ વગર બંનેની કામગીરી અધૂરી જ રહે. જોકે એ બંનેનો સંબંધ ચોકસાઈપૂર્વક દર્શાવવો સહેલો નથી પણ નવો પ્રચલિત થયેલો શબ્દ ‘આંતરસંબંધ-વાદ’ (interactionism) વાપરીને એટલું કહી શકાય કે સૌંદર્યલક્ષી મૂલ્યો તેમજ નૈતિક મૂલ્યો – એ બંનેનું જગતમાં આગવું સ્થાન અને વિશિષ્ટ કાર્ય છે પણ એ બંને એકબીજાથી અલગ કે સ્વતંત્ર રહીને નહિ પણ પરસ્પર નિર્ભર રહીને સહકાર્ય વડે જ આ સિદ્ધ કરી શકે.

મહેશ ચોકસી