કલકત્તા ઑબ્ઝર્વેટરી : તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે કાળના ભારતના ‘સર્વેયર જનરલ’ વી. બ્લાકર(1778-1826)ની માગણીને ધ્યાનમાં લઈને 1825માં કરી હતી. વેધશાળાની સ્થાપનાનો આશય મોજણી(સર્વેક્ષણ)ના કાર્યમાં સ્થળના અક્ષાંશ વગેરે જાણી વધુ ચોકસાઈ આણવાનો હતો. આરંભમાં મુખ્યત્વે ત્રણેક ઉપકરણો વસાવવામાં આવ્યાં : પાંચ ફૂટની કેન્દ્રલંબાઈ (focal length) ધરાવતું યામ્યોત્તર યંત્ર કે યામ્યોત્તર ટેલિસ્કોપ (transit telescope), શિરોબિંદુ કે ખમધ્યનલિકા (zenith tube) અને વિશિષ્ટ લોલક (Kater’s Pendulum); પરંતુ, અહીં સંશોધન કરતા હૉગ્સન (1777-1848) નામના ખગોળશાસ્ત્રીએ આ ઉપકરણો ઉચ્ચ ખગોલીય સંશોધનો માટે ઝાઝાં ઉપયોગી ન હોવાની ફરિયાદ કરતાં, પાછળથી કેટલાંક ઉપકરણો નવેસરથી વસાવવામાં આવ્યાં. આમાં 36 ઇંચ લાંબા ટ્રાન્ઝિટ, 18 ઇંચના ઑલ્ટિટ્યૂડ અને ઍઝિમથ સર્કલ તથા સાડા ચાર ફૂટની કેન્દ્રલંબાઈ ધરાવતા એક ટેલિસ્કોપ તથા અન્ય કેટલાંક ઉપકરણોનો સમાવેશ થતો હતો.

હૉગ્સન પ્રખર નિરીક્ષક હતો અને એણે અહીંથી કેટલાંક મહત્વનાં નિરીક્ષણો કર્યાં. આ વેધશાળામાંથી હૉગ્સન અને બ્લાકર ઉપરાંત વિન્સેન્ટ રીસ નામના એક સ્વિસ ખગોળશાસ્ત્રીએ પણ ખગોલીય નિરીક્ષણો કરેલાં. વેધશાળાના કર્મચારીઓમાં મૂળે દક્ષિણ ભારતના આર્કૉટના વતની સૈયદ મીર મોહસિન (1778-1826) નામના એક ભારતીયનો પણ સમાવેશ થતો હતો. વેધશાળાનાં સઘળાં ઉપકરણોનો હવાલો એને હસ્તક હતો. મોહસિન ઘણો મેધાવી ઉપરાંત નવાં ઉપકરણો નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવતો હતો. એણે બનાવેલું એક ‘થિયૉડોલાઇટ’ યંત્ર આજે પણ કલકત્તાના વિક્ટોરિયા મ્યુઝિયમમાં જોઈ શકાય છે. પાછળથી ખગોલીય વેધોની કામગીરીમાં ઓટ આવી અને સમય નોંધવાની રોજિંદી કામગીરી તથા મોસમ સંબંધી અવલોકનોની સામાન્ય કામગીરી વધતી ચાલી. આખરે સમય જતાં આ વેધશાળા કામ કરતી બંધ થઈ.

સુશ્રુત પટેલ