કર્તિઝ, આન્દ્રે  (જ. 2 જુલાઈ 1894, બુડાપેસ્ટ, હંગેરી; અ. 28 સપ્ટેમ્બર 1985, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : રોજરોજની સ્વાભાવિક જિંદગીને કૅમેરા દ્વારા દસ્તાવેજી રૂપ આપનાર વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર.

1912માં બુડાપેસ્ટ સ્ટૉક એક્સ્ચેન્જમાં કારકુનની નોકરી કરી રહેલા કર્તિઝને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરિયન લશ્કરમાં કર્તિઝે સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધની અમાનવીય યાતનાઓ જોઈ કર્તિઝનું ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરી પાછી બુડાપેસ્ટમાં નોકરી શરૂ કરી. એ દરમિયાન અલગ અલગ હંગેરિયન સામયિકોમાં તેમના ફોટોગ્રાફ છૂટાછવાયા છપાતા રહ્યા.

હંગેરીમાં ફોટોગ્રાફીની કારકિર્દીના વિકાસની તકો નહિવત્ હોવાથી 1925માં કર્તિઝ પૅરિસ ચાલ્યા ગયા. અહીં ઘણાબધા અત્યાધુનિક ફોટોગ્રાફરો, ચિત્રકારો, શિલ્પીઓ, ફિલ્મ ડિરેક્ટરો અને લેખકો સાથે કર્તિઝે મિત્રતા બાંધી. 1925થી 1940 સુધીના પૅરિસના સાંસ્કૃતિક જીવનનો સમગ્ર ચિતાર અને ઇતિહાસ આન્દ્રે કર્તિઝે કૅમેરા દ્વારા ફોટોગ્રાફીમાં કંડાર્યો. 1927માં કર્તિઝે પાડેલા ફોટોગ્રાફનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન પૅરિસમાં યોજાયું. 1928માં કર્તિઝે પહેલી જ વાર લાઇકા કૅમેરા ખરીદ્યો અને હવે માત્ર લાઇકા વડે જ ફોટોગ્રાફી કરવાનું રાખ્યું. 1928માં શરૂ થયેલા ફોટો-જર્નાલિસ્ટિક સામયિક ‘વુ’માં નિયમિત રીતે કર્તિઝના ફોટોગ્રાફ છપાવા માંડ્યા. એ પછી યુરોપભરમાં શરૂ થવા માંડેલાં ઘણાં ફોટો-જર્નાલિસ્ટિક સામયિકોમાં કર્તિઝના ફોટોગ્રાફ છપાતા થયા.

1936માં એક વરસ માટે ફોટોગ્રાફી કરવા માટે કર્તિઝ અમેરિકા ગયા; પણ દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમને ત્યાં જ રહી જવું પડ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ઘણાં અમેરિકન સામયિકો માટે ફોટોગ્રાફી કરી અને 1962માં તેઓ અમેરિકાના નાગરિક બની ગયા. 1964માં ન્યૂયૉર્કના ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટે’ તેમના ફોટોગ્રાફનું પશ્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શન યોજ્યું. કર્તિઝના ફોટોગ્રાફના પ્રસિદ્ધ થયેલાં આલબમોમાંથી સૌથી વધુ અગત્યનાં આ છે :

  1. ડે ઑવ્ પૅરિસ (1945)
  2. આન્દ્રે કર્તિઝ, ફોટોગ્રાફર (1964)
  3. આન્દ્રે કર્તિઝ (1971)
  4. ઑન રિડિન્ગ (1971)
  5. આન્દ્રે કર્તિઝ : સિક્સ્ટી યર્સ ઑવ્ ફોટોગ્રાફી (1972)
  6. ડિસ્ટૉર્શન્સ (1976)

અમિતાભ મડિયા