કર્ણીસિંહ શાર્દૂલસિંહ

January, 2006

કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1942, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ પછી સતત સત્તર વર્ષ સુધી ટ્રૅપ-શૂટિંગમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બન્યા. એમના ટ્રૅપ-શૂટિંગના રાષ્ટ્રીય વિક્રમને હજી કોઈ આંબી શક્યું નથી. પાંચ વખત ઑલિમ્પિકમાં અને વિશ્વની ટ્રૅપ-શૂટિંગ સ્પર્ધામાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો. 1971માં કોરિયામાં યોજાયેલી દ્વિતીય એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1981માં ઇંગ્લૅન્ડમાં એક જ વર્ષમાં નૉર્થ વેલ્સ કપ, વેલ્સ ગ્રાન્ડ પ્રિક્સ અને નૉર્થ વેસ્ટ કપમાં વિજય મેળવીને મહત્વની સિદ્ધિ મેળવી. 1962માં કૅરો ખાતેની વિશ્વસ્પર્ધામાં તેમણે ટ્રૅપ-શૂટિંગમાં દ્વિતીય સ્થાન મેળવ્યું. ભારતમાં નિશાનબાજીના પ્રચાર માટે, યુવકોને તાલીમ માટે અને જરૂરી સગવડ માટે તેઓ સતત સક્રિય રહ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના વિષય સાથે બી.એ. (ઑનર્સ) અને પછી ‘‘1465થી 1949 સુધીના બિકાનેર અને કેન્દ્ર સરકારના સંબંધો’’ વિષય પર મહાનિબંધ લખીને મુંબઈ યુનિવર્સિટી તરફથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1952થી 1977 સુધી તેઓ પાર્લમેન્ટના સભ્ય હતા. તેઓ જૂની મોટરકારના શોખીન હતા. રમતનાં સ્મરણો વિશે તેમણે બે પુસ્તકો લખ્યાં છે.

નાનુભાઈ સુરતી