કરુણાદિ છોટોં માંગ્રો

January, 2006

કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું નિરૂપણ તો અનેક આધુનિક પંજાબી કવિઓએ કર્યું છે. જશવંતસિંહજીએ ફક્ત વાસ્તવિકતા જ નિરૂપી નથી પણ એના પર ચિંતનનો પુટ ચઢાવી વાસ્તવિકતા અને દર્શન બંનેનો સુભગ સમન્વય સાધ્યો છે.

કેટલાંક કાવ્યોમાં એમણે જીવનની પરિવર્તનશીલ વાસ્તવિકતા પરથી વાચકનું ધ્યાન પ્રકૃતિસૌન્દર્યના શાશ્વત તત્વ તરફ આકૃષ્ટ કર્યું છે અને એ દ્વારા પરમતત્વની ઝાંખી કરાવી છે.

પ્રમીલા મલ્લિક