કરકરો (Demoiselle Small Crane) : કુંજની જેમ ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Anthropoides virgo. તેનું કદ 76 સેમી.નું હોય છે. તેનો Gruiformes વર્ગ અને Gruidae કુળમાં સમાવેશ થાય છે. આ પંખી દર વરસે ચોમાસા બાદ યુરોપ અને મધ્ય એશિયામાંથી ભારતમાં આવે છે. તે કુંજ કરતાં કદમાં નાનું છતાં દેખાવે નમણું હોય છે.

કરકરો

તેનું માથું અને ડોક કાળાં હોય છે. તેની આંખ પાછળ સફેદ પીંછાંનાં લાંબાં ફૂમકાં હોય છે. તેનું ગળું કાળું અને તેનાં પીંછાં લાંબાં થઈને છાતી આગળ ઝૂલતાં રહે છે. પાછલી પાંખનાં પીંછાં પૂંછડી ઉપર ઢળતાં રહે છે. તેનું ડોક સહિતનું આખું શરીર રાખોડી રંગનું હોય છે. ચાંચ છેડેથી લાલ અને બાકીની આછી લીલાશ પડતી હોય છે. પગ કાળા ને લાંબા હોય છે.

નર અને માદા એકસરખાં હોય છે. તેનાં બચ્ચાં બદામી રાખોડી રંગનાં હોય છે, ઊડે ત્યારે તે કુંજની જેમ અવારનવાર બોલ્યા કરે છે. તેનો જીવન વ્યવહાર બધો કુંજ જેવો હોય છે. તેઓ બંને એક લાંબી હરોળમાં કે અંગ્રેજી ‘વી’ આકારમાં ઊડે છે. ઊડતાં હોય ત્યારે સૌથી પહેલું પંખી થોડી થોડી વારે બદલાયા કરે છે. બપોરે ઊંચે હવામાં સ્થિર પાંખે ચકરાવા લેતાં પણ તે બંને જોવા મળે છે.

વસંત બેસતાં કુંજની સાથે તે સાઇબીરિયા ઊપડી જાય છે. ત્યાં જઈ પાણીની નજીકની વનસ્પતિમાં જમીન પર માળો કરે છે. તેમાં 4થી 5 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેને 13થી 14 દિવસ સેવે છે. બચ્ચાં મોટાં થતાં ઑક્ટોબરમાં તેમનાં માબાપ સાથે ભારતમાં આવી પહોંચે છે.

તેના ખોરાકમાં જીવાત ઉપરાંત વિવિધ પ્રકારની ચણ, મગફળી, જુવાર, બાજરી, લીલી કૂંપળો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વિવિધ સર્વેક્ષણો પ્રમાણે ગુજરાતમાં 1985માં કુલ 14,78,073 કરકરા, 1990માં તેના 53 % કરકરા, સૌરાષ્ટ્રનાં જળાશયોમાં 1990-91માં 40,740 કરકરા, 1991-92માં 70,678 કરકરા અને 1992-93માં 85,903 કરકરા જોવા મળ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા