કમળો – નવજાત શિશુનો

January, 2006

કમળો, નવજાત શિશુનો : નવા જન્મેલા શિશુને થતો કમળો. જ્યારે લોહીની અંદર પિત્તવર્ણક (bilirubin) નામના પીળા રંગના વર્ણકદ્રવ્ય(pigment)નું પ્રમાણ વધવા માંડે ત્યારે તેને અતિબિલીરુબિનરુધિરતા અથવા અતિપિત્તવર્ણકરુધિરતા (hyperbilirubinaemia) કહે છે. આવા શિશુના આંખના ડોળાનો સફેદ ભાગ (sclera), ચામડી, શ્લેષ્મકલા (mucosa) વર્ણકદ્રવ્યને કારણે પીળાં થાય ત્યારે તેને કમળો અથવા પીળિયો (jaundice) કહે છે. નાના બાળકને થયેલો કમળો પારખવામાં તકલીફ પડે છે અને તેથી તેના મોં કે નાક પરની ચામડીને સહેજ દબાવીને જોવાથી નક્કી કરી શકાય છે. નવજાત શિશુ પ્રકાશમાં આંખો બંધ રાખે છે, તેથી પીળી થતી આંખો તરફ ધ્યાન જતું નથી. પેટની ચામડી પરથી પારખી શકાય ત્યારે તે મધ્યમ તીવ્રતાવાળો હોય છે અને હથેળી કે પગના તળિયેથી પણ પારખી શકતાં કમળો તીવ્ર હોય છે. ઘણી વખત ચામડીની પીળાશ પરથી લોહીના બિલીરુબિનનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ હોય છે. પૂર્ણકાલે જન્મતાં 60 % શિશુઓને તથા કાલપૂર્વ (premature) 80 % શિશુઓને તેમના જીવનના જન્મના પ્રથમ અઠવાડિયામાં કમળો થાય છે. શરીરમાં ફરતા લોહીના ‘વૃદ્ધ’ થયેલ રક્તકોષોને તન્ત્વી-અંતશ્ચ્છદકોષીય તંત્ર(reticuloendothetial system)ના કોષો દ્વારા દૂર કરાય છે, ત્યારે તેમાં રહેલા લોહરક્તવર્ણક(haemoglobin)નું હીમ અને ગ્લોબિનમાં વિભાજન થાય છે. ‘હીમ’ નામના દ્રવ્યમાંથી પિત્તવર્ણક બને છે. આ બિલીરુબિન (પિત્તવર્ણક) મેદદ્રાવ્ય હોય છે અને તેથી તે મગજના કોષોને નુકસાન કરી શકે છે. યકૃતકોષોમાં તેનું ગ્લુકુરોનાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચકની મદદથી સંયોજિત બિલીરુબિનમાં રૂપાંતર થાય છે, જે પાણીમાં ઓગળી શકે છે. સંયોજિત બિલીરુબિન પેશાબ વાટે શરીરમાંથી નીકળી જાય છે તથા તે મગજના કોષોને નુકસાન કરતું નથી. મેદદ્રાવ્ય બિલીરુબિનને અસંયોજિત બિલીરુબિન પણ કહે છે. નવા જન્મેલા શિશુનું યકૃત પૂરતા પ્રમાણમાં પરિપક્વ થઈને કાર્યશીલ થયેલું ન હોવાથી શરીરમાં અસંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે છે અને તેથી તેને કમળો થાય છે.

રક્તકોષવિલયી ગર્ભવિકાર (erythnoblastosis foetalis) થયો હોય તે પછીની સ્થિતિ હોય તો તેમાં અથવા કાલપૂર્વ કે ઓછા વજન સાથે જન્મેલા શિશુમાં યકૃતની ક્રિયાશીલતા ઓછી હોવાથી તેમનામાં અતિપિત્તવર્ણકરુધિરતા તથા કમળો વધુ તીવ્ર હોય છે. ગર્ભાવસ્થામાં ગર્ભનું અસંયોજિત બિલીરુબિન નાળ(umbilical cord)માંની નસો દ્વારા ઓર(placenta)માં થઈને માતાના શરીરમાં પ્રવેશે છે અને માતાના યકૃત દ્વારા સંયોજિત રૂપમાં ફેરવાય છે. જન્મ પછી માતાના યકૃત દ્વારા મળતું રક્ષણ દૂર થાય છે. શિશુના જન્મ સમયે તેની નાળમાંનું લોહીનું સીરમ 1થી 3 મિગ્રા. % બિલીરુબિન ધરાવે છે, જે દર 24 કલાકે 5 મિગ્રા. %થી ઓછા દરે વધીને બીજા કે ચોથા દિવસે 5થી 6 મિગ્રા. %ના અધિકતમ સ્તરે પહોંચે છે. શિશુનું યકૃત ક્રિયાશીલ બનતાં પાંચમા કે સાતમા દિવસે તે ઘટીને 2 મિગ્રા. % થાય છે. બિલીરુબિનના વધેલા પ્રમાણને કારણે જન્મ પછીના બીજા કે ત્રીજા દિવસે કમળો થયેલો જોવા મળે છે. આ પ્રકારના અસંયોજિત બિલીરુબિનની અધિકતાથી થતા કમળાને નવજાત શિશુનો દેહધર્મી (physiological) કમળો કહે છે અને તે ભાગ્યે જ દસ દિવસ સુધી લંબાય છે, તે જોખમી નથી. રોગજન્ય કમળો નથી એવું નિશ્ચિત કરીને, દેહધર્મી કમળાનું નિદાન કરી શકાય છે. વિવિધ રોગો કે વિકારો નવજાત શિશુને કમળો કરી શકે છે (સારણી 1). રોગજન્ય કમળાના દર્દીમાં બિલીરુબિન વધવાનો દર 5 મિગ્રા. %/24 કલાકથી વધુ હોય છે, તેનું અધિકતમ પ્રમાણ 12થી 14 મિગ્રા. % હોય છે અથવા તેમાં સંયોજિત બિલીરુબિનનું પ્રમાણ 1 મિગ્રા. %થી વધુ હોય છે. જન્મ પછીના પ્રથમ દિવસે થતો કમળો અથવા એક અઠવાડિયાથી વધુ રહેતો કમળો મોટેભાગે રોગજન્ય હોય છે.

જન્મના પ્રથમ દિવસે જ દેખાતો કમળો મોટેભાગે રક્તકોષલયી ગર્ભવિકારથી થાય છે, પરંતુ ક્યારેક સપૂયરુધિરતા (septicaemia) તથા વિષાણુજન્ય રોગો પણ કારણભૂત હોય છે. બીજાથી સાતમા દિવસ સુધી સપૂયરુધિરતા, વિષાણુજન્ય ચેપ, યકૃતશોથ (chepalitis), અતિગ્લેક્ટોઝરુધિરતા, રક્તકોષવિલયી પાંડુતા (haemdytic anaemia), પિત્તનળીનું જન્મજાત અપૂર્ણ વિકસન વગેરે કમળો કરે છે. બીજા અઠવાડિયામાં સપૂયરુધિરતા, રુધિરગુલ્મ (haematoma), યકૃતશોથ, જન્મજાત પિત્તનળીનું અપૂર્ણ વિકસન વગેરે તથા ત્યારબાદ પ્રથમ મહિનામાં ઉપદંશ (syphilis), રક્તકોષલયી ગર્ભવિકાર પછીની સ્થિતિ તથા રક્તકોષલયી પાંડુતાને કારણે જામી ગયેલા (inspissated) પિત્તથી થતાં સંલક્ષણો કમળો કરે છે. કેટલીક માતાઓના દૂધમાં પ્રેગ્નેન-3 આલ્ફા, 20 બીટા-ડાયોલ નામનું પ્રૉજેસ્ટેરોનનું ચયાપચયી દ્રવ્ય હોય છે અને તે શિશુમાં અસંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધારીને કમળો કરે છે. જીવાણુજન્ય  ચેપમાં શરીરમાં વ્યાપકપણે ફેલાતાં ચેપના વિકારને સપૂયરુધિરતા કહે છે. યકૃત પર મુખ્યત્વે વિષાણુના ચેપને કારણે સોજો આવે તે વિકારને યકૃતશોધ કહે છે. લોહીમાં ગેલેક્ટોઝની સપાટી ઊંચી જાય તેને અતિગેલેક્ટોઝરુધિરતા કરે છે. લોહીના રક્તકોષોનું વિલયન (lysis) થાય અને તેનાથી હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તેને રક્તકોષવિલયી પાંડુતા કહે છે. લોહીનો ગઠ્ઠો જામ્યો હોય તો તેને રુધિરગુલ્મ કહે છે. ઉપદંશ એક જાતીય સંસર્ગથી  ફેલાતો રોગ છે. નવજાત શિશુમાં કમળાની તીવ્રતા વધારનારાં કેટલાંક અન્ય પરિબળો પણ હોય છે : (1) ઉત્સેચકની ઓછી ક્રિયાશીલતા, દા.ત., ઑક્સિજન-ઊણપ (anoxia), ચેપ, અલ્પગલગ્રંથિતા (hypothyroidism) તથા કેટલાંક ઔષધો; (2) જનીનીય ખામીને કારણે કમળો કરતા રોગો; દા.ત., ગિલ્બર્ટનો રોગ, ક્રિગ્લર-નાજરનો રોગ; (3) નવજાત શિશુની જન્મ સમયે અપરિપક્વતા.

સારણી 1 : નવજાત શિશુને કમળો કરતા કેટલાક વિકારો

1. દેહધર્મી કમળો
2. રક્તકોષવિલયી ગર્ભવિકાર (erythroblastosis foetalis)
3. સપૂયરુધિરતા (septicaemia)
4. વિષાણુજન્ય ચેપ  સાયટોમેગાલો ઇન્ક્લુઝન રોગ, રુબેલા
5. અતિગેલેક્ટોઝરુધિરતા (galactosaemia)
6. રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia)
7. યકૃતશોથ (hepatitis)
8. પિત્તનળીઓનું જન્મજાત અપૂર્ણ વિકસન (congenital atresia of bile ducts)
9. રુધિરગુલ્મ (haematoma)
10. જામી ગયેલા (inspissated) પિત્તથી થતાં સંલક્ષણો, દા.ત.,

કમળાજન્ય ચેતાવિકાર (kernicterus) : અસંયોજિત બિલીરુબિન મેદદ્રાવ્ય છે અને તેથી તે મગજના કોષોમાં જમા થઈને વિકાર સર્જે છે. સામાન્ય રીતે લોહીમાં 18થી 20 મિગ્રા. % બિલીરુબિન થાય ત્યારે આ વિકાર ઉદભવે છે, પરંતુ અપરિપક્વ શિશુઓ (2થી 20 %) તથા રક્તકોષલયી ગર્ભવિકારવાળાં શિશુઓમાં તે વધુ જોવા મળે છે. સગર્ભા માતાએ વિટામિન-‘કે’ અથવા સલ્ફોસોક્સેઝોલનો ઉપયોગ કર્યો હોય, નવજાત શિશુમાં ઑક્સિજન-ઊણપ, અતિઅમ્લતાવિકાર (acidosis), ચેપ, અતિશય ઠંડી, ગર્ભની નરજાતિ વગેરે કારણોથી કમળાજન્ય ચેતાવિકાર થવાની શક્યતા વધે છે. તે જન્મથી મોટેભાગે 2થી 5 દિવસ સુધી જોવા મળે છે. નવજાત શિશુ અશક્તિ અનુભવે છે, તેનો ખોરાક ઘટે છે, મોરો(Moro)ની પરાવર્તી ક્રિયા (reflex) જતી રહે છે, અન્ય પરાવર્તી ક્રિયાઓ પણ બંધ થાય છે, શ્વસનમાં તકલીફ થાય છે, ચાલક (પ્રેરક) ચેતાપથ (pyramidal tract) તથા અધિચાલક (પ્રેરક) ચેતાપથ(extrapyramidal tract)ના વિકારોને લીધે અસંતુલન, આંચકી, સ્નાયુ-આકુંચન થાય છે તથા મૃત્યુ નીપજે છે. જે બચી જાય છે તે પણ તીવ્ર ચેતાવિકારથી પીડાય છે. અસંયોજિત બિલીરુબિનને દૂર કરવા માટે વિનિમયલક્ષી રુધિરપ્રતિક્ષેપન (exchange blood transfusion) તથા પ્રકાશચિકિત્સા (photo-therapy) વપરાય છે. શિશુને નવું લોહી આપીને તથા સાથે સાથે તેનું મૂળ લોહી દૂર કરવાની પ્રક્રિયાને વિનિમયલક્ષી રુધિરપ્રતિક્ષેપન કહે છે. વધુ તીવ્રતાવાળા ભૂરા રંગના ર્દશ્યમાન પ્રકાશ-વર્ણપટમાંના 420થી 470 નેનોમીટર આવૃત્તિ(frequency)વાળા તરંગોને ચામડીમાંનો બિલીરુબિન શોષે છે અને સંયોજિત રૂપમાં ફેરવાયેલું બિલીરુબિન પેશાબ વાટે દૂર થાય છે. સામાન્ય રીતે બિલીરુબિનનું પ્રમાણ 5 મિગ્રા. %થી ઓછું હોય તો કોઈ સારવારની જરૂર હોતી નથી. જો તે પ્રથમ 24 કલાકમાં 5થી 9 મિગ્રા. % વચ્ચે થઈ જાય તો પ્રકાશચિકિત્સા કરાય છે. પિત્તવર્ણકનું પ્રમાણ 24થી 48 કલાકમાં 10થી 14 મિગ્રા. % થાય અથવા 49થી 72 કલાકમાં કે તે પછી 15થી 19 મિગ્રા. % થાય તોપણ પ્રકાશચિકિત્સા કરાય છે, પરંતુ તે પ્રથમ 24 કલાકમાં 10થી 14 મિગ્રા. %, 24થી 48 કલાકમાં 15થી 19 મિગ્રા. % અને કોઈ પણ સમયે 20 મિગ્રા. % કે તેથી વધુ થાય તો વિનિમયલક્ષી રુધિરપ્રતિક્ષેપન અપાય છે. પ્રકાશચિકિત્સા વખતે આંખોને ઢાંકી દેવાય છે તથા પાતળા ઝાડા, ચામડી પર સ્ફોટ (rash), વધતું તાપમાન, નિર્જલન, ધ્રુજારી, આંખોને ઈજા કે ચામડી પર ઘાટા છીંકણી રંગના ડાઘા થાય તો તેની સારવાર અપાય છે.

રક્તકોષલયી ગર્ભવિકાર (erythroblastosis foetalis) : જ્યારે પતિના લોહીનું જૂથ Rh-positive હોય અને પત્નીના લોહીનું જૂથ Rh-negative હોય ત્યારે ક્યારેક ગર્ભના લોહીનું જૂથ Rh-positive હોઈ શકે છે. ગર્ભના Rh-positive રક્તકોષો માતાના લોહીમાં પ્રવેશીને માતાની પ્રતિરક્ષાલક્ષી અતિસંવેદનશીલતા-(hypersensitivity)ને ઉત્તેજે છે. માતાને જો પહેલાં ભૂલથી Rh-positive લોહી અપાયું હોય તોપણ તેમાં પ્રતિરક્ષાલક્ષી અતિસંવેદનશીલતા ઉદભવે છે. આવી માતાના શરીરમાં ત્યારપછીની સગર્ભાવસ્થા વખતે પ્રતિદ્રવ્યો (antibodies) ગર્ભના રક્તકોષોને ઈજા પહોંચાડીને તોડી નાખે છે (જુઓ ઍલર્જી). તેને રક્તકોષવિલયન (haemolysis) કહે છે. આ વિકારને રક્તકોષવિલયી ગર્ભવિકાર કહે છે અને તેથી મૃતશિશુજન્મ (still birth) થાય છે અથવા જીવતું શિશુ જન્મે તો તેનામાં પાંડુતા, કમળો, યકૃત અને બરોળનું અતિવિકસન તથા હૃદયની કાર્યનિષ્ફળતા જોવા મળે છે. જોકે 15 % શિશુઓમાં મંદ તીવ્રતાવાળો વિકાર થાય છે. ચેતાવિકાર થવાની ઘણી શક્યતા હોય છે તેથી વિનિમયલક્ષી રુધિરપ્રતિક્ષેપન અપાય છે. અતિસંવેદિત માતાને શિશુના જન્મ કે ગર્ભપાત થયા પછી પ્રથમ 72 કલાકમાં 300 માઇક્રોગ્રામ(Rho-GAMનું એક મિલિ)નું માનવ પ્રતિ-ડી-ગ્લોબ્યુલીનનું સ્નાયુમાં ઇન્જેક્ષન આપવાથી માતામાં પ્રતિરક્ષાલક્ષી અતિસંવેદનશીલતા થતી અટકાવી શકાય છે. લોહીના A B O જૂથની માતા-ગર્ભ વચ્ચેની અસંગતતા (incompatibility) પણ ક્યારેક મંદ પ્રકારનો વિકાર સર્જે છે.

શિલીન નં. શુક્લ

આબિદા મોમીન