કથુઆ (Kathua) : જમ્મુ-કાશ્મીર રાજ્યના અગ્નિ ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32o 17’થી 32o 55′ ઉ. અ. અને 75o 17’થી 75o 55′ પૂ. રે. વચ્ચેનો 2,651 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે ડોડા જિલ્લો, ઉધમપુર જિલ્લાના રામનગર અને ભદ્રેશ્વર તાલુકા, પૂર્વ તરફ હિમાચલ પ્રદેશનો છામ્બ જિલ્લો, દક્ષિણે પંજાબ રાજ્યનો ગુરુદાસપુર જિલ્લો, નૈર્ઋત્ય તરફ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા તથા વાયવ્ય તરફ જમ્મુ જિલ્લાનો સામ્બ (Samba) તાલુકો આવેલા છે. જિલ્લામથક કથુઆ જિલ્લાના દક્ષિણભાગમાં આવેલું છે.

કથુઆ જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવાવનસ્પતિ : જિલ્લાનો ઉત્તર-ભાગ શિવાલિક હારમાળાની ટેકરીઓથી તથા દક્ષિણભાગ કાંપનાં ફળદ્રૂપ મેદાનોથી રચાયેલો છે. રાવી અને ઉઝ (Ujh) નદીઓ અહીંના પહાડી ભૂપૃષ્ઠમાંથી વહેતી હોવાથી, તે નૌકાવહન માટે તો કામની નથી, પરંતુ જંગલોનાં ઇમારતી લાકડાં તેમનાં લાટીસ્થળો સુધી પહોંચાડવા માટે તે ઉપયોગમાં લેવાય છે. આ લાકડાં મંડી, લાખણપુર અને શહવાપુર કાંડી ખાતે એકત્રિત કરી લેવામાં આવે છે.

જિલ્લાનાં ઉનાળા-શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 35o સે. અને 20o સે. જેટલાં રહે છે. શિયાળામાં ક્યારેક તે 0o સે. સુધી પણ પહોંચે છે. અહીં સરેરાશ વરસાદ 500થી 1000 મિમી. જેટલો પડે છે.

અહીંનાં જંગલોમાં સાલ, સાદડ, વૉલનટ, વાંસ વગેરે જેવાં વૃક્ષો મળે છે.

ખેતીસિંચાઈપશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ડાંગર અને ઘઉં તેના મુખ્ય કૃષિપાકો છે. અહીંની આબોહવા બાગાયતી ખેતી માટે વધુ અનુકૂળ પડે છે. અહીં કેરી, જામફળ, લીચી, બોર, પીચ અને દ્રાક્ષના બગીચા આવેલા છે. બની, બિલ્લાવર, બાશોહલી, કથુઆ અને હિરણનગર ફળોનાં મુખ્ય બજાર છે. બની અને લોહાઈ મલ્હાર ખાતે એક નર્સરી ઊભી કરાઈ છે. જિલ્લામાંથી વહેતી નદીઓ-શાખાનદીઓ બારેમાસ જળપુરવઠો ધરાવતી હોવાથી સિંચાઈ માટે સરકાર તરફથી ચેકડૅમનું આયોજન કરવામાં આવ્યું છે.

પહાડી પ્રદેશની આબોહવા, ઘાસ, જળપુરવઠો જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી આ જિલ્લામાં પશુપાલન-પ્રવૃત્તિ વિકસી છે. અહીંના ગુર્જર જાતિના લોકો ઋતુ-અનુસાર પહાડી તેમજ ખીણવિસ્તારોમાં પશુપાલનની પ્રવૃત્તિ કરે છે. હિરણનગર, કથુઆ, બાશોહલી, બિલ્લાવર અહીંનાં મહત્ત્વનાં પશુપાલન-કેન્દ્રો છે. ગાય, ઘેટાં-બકરાં, ઘોડા અને ખચ્ચરનો ઉછેર કરવામાં આવે છે. તેમને માટે પશુસંવર્ધન-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સગવડો ઉપલબ્ધ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં ઊનનું ઉત્પાદન મેળવાતું હોવાથી શાલ, ગરમ ધાબળા તથા ઊની વસ્ત્રોના એકમો તેમજ લાકડામાંથી રાચરચીલું બનાવવાના એકમો તથા ફળ આધારિત ઉદ્યોગો કાર્યરત છે. અહીંથી ચૂનાખડક, બાંધકામ-પાષાણો, ચિરોડી, ક્વાર્ટ્ઝ, સ્લેટ તેમજ લોહઅયસ્ક મળે છે. સિમેન્ટ-ઉદ્યોગ, કાચ-ઉદ્યોગ, પૉટરી-ઉદ્યોગ, સ્લેટ-ઉદ્યોગ જેવા ઉદ્યોગો સ્થપાયા છે.

રેઝિન, લાકડું, કોલસો, કાથો અને લાકડાનું રાચરચીલું અહીંથી નિકાસ થાય છે; આ ઉપરાંત રમત-ગમતનાં સાધનો, બાંધકામ માટેનાં લાકડાં, લાખ અને ગુંદર પણ બહાર મોકલાય છે.

પરિવહન : આ જિલ્લો જમ્મુ-કાશ્મીર રાજ્યનું પ્રવેશદ્વાર ગણાય છે. જમ્મુ-પઠાણકોટ માર્ગ અને ધાર-ઉધમપુર સડકમાર્ગ (અનુક્રમે 56 કિમી. અને 45 કિમી.) આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લામાં કુલ 681 કિમી. લંબાઈના માર્ગો છે. જિલ્લાનાં શહેરો પંજાબ રાજ્યનાં શહેરો સાથે માર્ગોથી સંકળાયેલાં છે. જમ્મુ શહેર સુધી જતો બ્રૉડગેજ રેલમાર્ગ પણ આ જિલ્લામાં થઈને જાય છે. જિલ્લા પૂરતી આ રેલમાર્ગની લંબાઈ 46 કિમી. જેટલી છે. તેના પર જિલ્લામાં પાંચ જેટલાં રેલમથકો આવેલાં છે. જિલ્લાના વિકાસઘટકોનાં મથકો ટેલિફોન અને વાયરલેસ સેવાની સુવિધા ધરાવે છે.

પ્રવાસન : પ્રવાસીઓને અનુકૂળ ગોલ્ફ, શિકાર, મત્સ્ય, પર્વતારોહણની તેમજ આરામગૃહોની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસન-ઉદ્યોગ વિકસી શક્યો નથી. જિલ્લામાં પ્રાચીન કિલ્લા, મંદિરો, સ્થાપત્યકલાના અવશેષો આવેલા છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 5,44,206 જેટલી છે. મોટાભાગની વસ્તી ગ્રામીણ છે. તેઓ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લોકો કાશ્મીરી, હિન્દી, ડોગરી અને ઉર્દૂ ભાષાઓ બોલે છે. જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ સુધીની વ્યવસ્થા છે. જિલ્લામથકે તેમજ તાલુકામથકોએ ઔષધાલયો, ચિકિત્સાલયો તથા ગામડાંઓમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોની સગવડ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 4 તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો તથા 587 (32 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં કથુઆ, હીરાનગર, બશોહલી, બિલ્લાવર, લખીમપુર જેવાં નગરો આવેલાં છે.

ઇતિહાસ : મહેસૂલ વિભાગની નોંધ મુજબ અહીં તરાફ તજવાલ, તરાફ મંજલી અને તરાફ ભાજવાલ નામનાં ત્રણ ગામ આવેલાં હતાં. અહીંના રાજાનાં ત્રણ પુત્રો પૈકી એકનું નામ જોધસિંગ હતું. તેને તેજૂ, કિન્ડલ અને ભાજૂ નામના ત્રણ પુત્રો હતા. અહીંની રાજપૂત જાતિઓ તેમનાં નામ પરથી ઓળખાવા લાગેલી (તજવાલિઆસ, ભોજવાલિઆસ અને ખાનવાલિઆસ). તે પૈકીના ખાનવાલિઆસ જાતિના લોકો કથુઆ ગામમાં રહેતા હતા. તેમના વર્ચસ્ પરથી કથુઆ જાણીતું બન્યું હોવાનું મનાય છે.

નીતિન કોઠારી