કથક (કથ્થક) : પ્રાચીન ભારતીય નૃત્યશૈલી. ભારતીય પરંપરા અનુસાર ‘સંગીત’ શબ્દમાં ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણે કલાઓનો સમાવેશ કરવામાં આવે છે. નૃત્યકલા સંગીતનું એક અવિભાજ્ય અંગ ગણાય છે. ભારતીય નૃત્યશૈલીઓમાં કથક ઉપરાંત ભરતનાટ્યમ્, કથકલી, મણિપુરી, કુચીપુડી તથા ઊડીસીનો સમાવેશ થાય છે. નૃત્યશૈલી અને સ્વરૂપની ર્દષ્ટિએ કથક બીજી નૃત્યશૈલીઓથી જુદી તરી આવે છે. આમ છતાં તેના ઉદભવ તથા મૂળભૂત આધાર માટે તે બીજી શૈલીઓ જેટલી જ નાટ્યશાસ્ત્ર પર આધાર રાખે છે. કથક ભારતની પ્રાચીન નૃત્યશૈલી તરીકે ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે.

કથક નૃત્ય એક મુદ્રા

કથક એટલે વાર્તા કહેનાર. વાર્તા કહેવાની કલા ભારતમાં પ્રચલિત હતી. બનાવો શા માટે અને કેવી રીતે બને છે તેની જિજ્ઞાસા વાર્તાઓ અને વાર્તાકારો દ્વારા પોષાતી આવી છે. બનાવોનું વૈજ્ઞાનિક ઢબે વિવરણ કે વિશ્લેષણ કરવાને બદલે કથકો પુરાણોની કથાઓનો આશરો લેતા. તેમણે આ વાર્તાઓ નૃત્ય અને સંગીતની મદદથી આકર્ષક રીતે રજૂ કરી અને તે દ્વારા લોકશિક્ષણ પૂરું પાડ્યું તથા તે કથાઓને નૈતિક ભૂમિકા પણ આપી. મુખ્યત્વે ઉત્તર ભારતમાં વિકસેલી કથક નૃત્યકલા સમય જતાં હિંદુ ધાર્મિક ક્રિયાઓ અને સંપ્રદાયના એક ભાગ તરીકે વણાઈ ગઈ અને આ રીતે ભારતીય સમાજજીવન નૃત્યકલા, નાટ્ય અને સંગીત સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું રહ્યું.

મુઘલ રાજ્યકર્તાઓ કલાના પુરસ્કર્તાઓ હોવાથી ભારતમાં તેમના શાસનકાળ દરમિયાન કથકનો વિકાસ ચાલુ જ રહ્યો. મુઘલ કાળમાં કથકના પ્રણાલીગત સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના કથક નૃત્યમાં મનોરંજન, તાત્વિક શ્રેષ્ઠતા અને હરીફાઈને અનુલક્ષીને તેમાં નવાં તત્વો ઉમેરાતાં ગયાં. તેને લીધે કથકની ભૂમિકા વધારે ર્દઢ અને પુષ્ટ બની. આમ કથક નૃત્યશૈલીમાં હિંદુ અને મુસલમાન બંને સંસ્કૃતિઓનો સમન્વય થયો છે.

પ્રાચીન ભારતમાં કથક નૃત્યો મંદિરોના આંગણમાં રજૂ થતાં હતાં. મુઘલ કાળમાં તે રાજદરબારમાં દાખલ થયાં. આધુનિક કથક નૃત્યકાર મંદિર કે દરબારમાં પોતાની કલાની રજૂઆત કરતો નથી, તેને તો આધુનિક રંગમંચ ઉપર નૃત્ય કરવાનું હોય છે અને તેની સામે કદરદાન જાણકાર પ્રેક્ષકો બેઠેલા હોય છે. કલાકાર પોતાના નૃત્યકૌશલ્ય દ્વારા કલાનું નિરૂપણ કે અર્થઘટન કરીને કલાસ્વરૂપ પર સ્વકીય વ્યક્તિત્વની છાપ પાડે છે. આમ કરતાં કલાસ્વરૂપમાં પરિવર્તન પણ આવે.

કથક નૃત્યમાં બધા જ દેવોને ઉદ્દેશીને ભાવ પ્રગટ થાય છે, પણ તે મુખ્યત્વે કૃષ્ણ અને કૃષ્ણભક્તિનું નૃત્યસ્વરૂપ રહ્યું છે. ભારતનાં અત્યંત પુરાતન અને પરંપરાસંપન્ન લોકનૃત્યોમાંથી શાસ્ત્રીય નૃત્યોનો જન્મ થયો છે. કથક નૃત્ય પણ રાસ-લોકનૃત્યમાંથી પરિણમ્યું છે. પુરાણો, નાટ્યશાસ્ત્ર તથા વૈષ્ણવ કવિઓની કાવ્યરચનાઓમાં રાસનૃત્યનું વર્ણન જોવા મળે છે. બારમી સદીમાં રાસનૃત્યને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું અને તેમાંથી સંગીત, કાવ્ય અને અભિનય ત્રણેનો કથક નૃત્યમાં સંગમ થયેલો દેખાય છે. થાટ, ભ્રમરી, ગત, તતકાર આ કથક નૃત્યના પ્રકાર તેમાં અંતર્ભૂત હતા. રાધાકૃષ્ણ આ રાસનો કેન્દ્રીય વિષય હોવાથી રાસનૃત્યમાંની કૃષ્ણકથાઓનું અભિનય સાથે કથન કરનારને રાસધારી કીર્તનકાર અથવા કથક કહેતા. આમાંથી નૃત્યની એક વિશિષ્ટ શૈલી પ્રગટ થઈ અને કથકો દ્વારા રજૂ થતું નૃત્ય કથક નામથી પ્રચલિત થયું.

મુઘલ શાસનકાળ દરમિયાન ઉત્તર ભારતનું આ પ્રચલિત ધાર્મિક નૃત્ય પર્શિયન તથા મુસલમાન નર્તકીઓ મારફત રાજદરબારમાં પ્રવિષ્ટ થયું એટલું જ નહિ, પરંતુ તે દરબારી વાતાવરણને પોષક એવા વિલાસી જીવનનું સાધન બની ગયું. હિંદુ સ્ત્રીપુરુષોની વેશભૂષાના સ્થાને મુસ્લિમ અંગવસ્ત્ર, ઓઢણી, ચૂડીદાર પાયજામા દાખલ થયાં અને સાથોસાથ ઉર્દૂ તથા ફારસી શબ્દપ્રયોગો દાખલ થતા ગયા. તેમ છતાં તે વખતના શાસકોની સૌંદર્યસૃષ્ટિ અને રસિકતાને લીધે કથક નૃત્યના અંતરંગમાં કોઈ વિકૃતિ દાખલ થઈ ન હતી; ઊલટાનું પ્રાચીન રાસનૃત્ય વધુ લાલિત્યપૂર્ણ અને પ્રભાવક બન્યું.

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથક નૃત્યને આશ્રય આપીને આ કલાને પુનર્જીવન બક્ષ્યું. તેના જ શાસનકાળ દરમિયાન કથક નૃત્યના લખનૌ ઘરાણાનો ઉદય થયો.

કથક નૃત્યશૈલીનાં મુખ્ય ત્રણ ઘરાણાં છે : લખનૌ, જયપુર અને બનારસ. મૂળ હંડિયા ગામના અને રાસધારી પરંપરાના કથક ઈશ્વરજી લખનૌ ઘરાણાના મૂળ પુરુષ હતા. તેમની ત્રીજી પેઢીના પ્રકાશજી લખનૌમાં નવાબ આસફ ઉદ્દૌલાના દરબારમાં નર્તક હતા. તેમના પૌત્ર બિંદાદીન મહારાજ તથા કાલિકાપ્રસાદના ઉચ્ચ કલાગુણોને લીધે જ લખનૌ ઘરાણાનું નામ રોશન થયું છે. બિંદાદીન મહારાજ કૃષ્ણભક્ત હતા. તેમની ઠૂમરી અને ભજન આદિ રચનાઓ કથક નર્તકો માટે અમૂલ્ય વારસો બની છે. કાલિકાપ્રસાદના પુત્ર અને શ્રેષ્ઠ કથક નૃત્યકાર અચ્છન મહારાજે સુપ્રસિદ્ધ નર્તક શંભુ મહારાજ અને લચ્છુ મહારાજને કથક નૃત્યની તાલીમ આપી. અચ્છન મહારાજના પુત્ર બિરજુ મહારાજ લખનૌ ઘરાણાના આજના સર્વશ્રેષ્ઠ નર્તક ગણાય છે.

જયપુર ઘરાણાનાં મૂળ કુટુંબો રાજસ્થાનના બિકાનેરનાં હતાં. તેમાંનાં વ્યાવસાયિક કથક કુટુંબો જયપુર દરબારના રાજનર્તકો તરીકે વિખ્યાત બન્યા. ત્યારથી કથક નૃત્યશૈલીના જયપુર ઘરાણાનો ઉદય થયો છે. આ ઘરાણાના મૂળ પુરુષ ભાવુજી હતા; તેમના વંશના હરિપ્રસાદ તથા હનુમાનપ્રસાદ જયપુર દરબારના નર્તકો તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમના પિતરાઈ જયલાલ અને સુંદરપ્રસાદે જયપુર ઘરાણાનું નામ રોશન કર્યું. જયપુર ઘરાણાનાં નર્તક-નર્તકીઓનું પદન્યાસ પર વિશેષ પ્રભુત્વ હોય છે. તતકાર અને ચક્કર આ બે અંગોમાં તેમનું પ્રાવીણ્ય સવિશેષ જોવા મળે છે.

બિકાનેરના રાસધારી શામલદાસ બનારસ ઘરાણાના મૂળ પુરુષ હતા. તેમના વંશના પાંચમા પુરુષ જાનકીપ્રસાદ બનારસ ખાતે પ્રસિદ્ધિ પામ્યા અને તેમને લીધે જ કથક નૃત્યની બનારસ પરંપરા જાણીતી બની. તેમના શિષ્ય દુલારામજીના સુપુત્ર બિહારીલાલ ઇંદોરના હોળકર દરબારમાં તથા ગંધર્વ નાટક મંડળીમાં નર્તક હતા. તેમના એક બીજા શિષ્ય હીરાલાલ બિકાનેર તથા હોળકર દરબારમાં નર્તક હતા. જાનકીપ્રસાદના શિષ્ય ગણેશીલાલના સુપુત્ર હનુમાનપ્રસાદ જમ્મુ, પતિયાળા, બિકાનેર તથા નેપાળ દરબારમાં રાજનર્તક હતા. ગણેશીલાલના બીજા પુત્ર ગોપાળદાસ પતિયાળા અને લાહોર દરબારમાં નર્તક હતા. પંજાબમાં કથક નૃત્યશૈલીના પ્રચારનો યશ તેમને ફાળે જાય છે. તેમની નૃત્યશૈલી એટલી પ્રભાવશાળી હતી કે તે પંજાબ ઘરાણા તરીકે સ્વીકાર પામી. નટવરી બોલોની બંદિશ, થાટ અને અંગચલન બનારસ ઘરાણાનાં વિશિષ્ટ લક્ષણો ગણાય છે.

આધુનિક કથક નૃત્યશૈલીના બે વિભાગ છે : (1) નૃત્ત, જેમાં માત્ર શારીરિક હલનચલન સાથે તાલબદ્ધ અંગવિક્ષેપનો સમાવેશ થાય છે અને (2) નૃત્ય, જેમાં અભિનયયુક્ત, તાલબદ્ધ અંગવિક્ષેપનો સમાવેશ હોય છે. ઠાઠ, આમદ, ટુકડા, પરમેલુ, પરન્ અને તત્કાર નૃત્તના ભાગ અને ગત, ભજન, ઠૂમરી નૃત્યના ભાગ છે.

ઠાઠમાં કલાકાર રંગમંચ પર બહુ ફરતો નથી. કલાઈ, ગળાનો દોરો, ભ્રમર, આંખોનું હલનચલન, શ્વાસ અને શરીરનું ડોલન (જે વૃક્ષના ડોલનને મળતું આવે છે) જોવા મળે છે. કથક નૃત્યની શરૂઆત ઠાઠથી થાય છે. ઠાઠ મુખ્ય નૃત્યની રજૂઆતની માનસિક અને શારીરિક પૂર્વતૈયારી રૂપે હોય છે.

ઠાઠ પછી આમદ આવે છે. આમદનો અર્થ પ્રવેશવું, આવવું થાય છે. તે નૃત્યનું પ્રગટીકરણ છે. તેમાં કલાકાર રંગમંચના અમુક ભાગનો નૃત્ય માટે ઉપયોગ કરે છે. પખવાજ અને નૃત્તના બોલ ભેગા કરીને આમદની રચના થાય છે અને તેમાં ધીમા લયમાં નૃત્ય કરવામાં આવે છે.

આમદ પછી બોલોની બંદિશો આવે છે જેને ટુકડા એટલે કે નાના બોલ પરનું નૃત્ય કહેવાય છે. થૈ, ધિગ્, ધિગ્, તત્ વગેરે શુદ્ધ વૃત્તના બોલને આધારે તેની રચના થાય છે. ટુકડા, પરન્, પરમલુ જેવા પ્રકાર પ્રત્યક્ષ નૃત્ય દ્વારા રજૂ કરતાં પહેલાં નૃત્યકાર તેના બોલ હાથ પર તાલ આપીને સશબ્દ અથવા હવામાં હાથ દ્વારા નિ:શબ્દ ક્રિયાઓ કરીને બોલી બતાવે છે જેને પઢંત કહેવાય છે. કથક એ એક જ એવી નૃત્યશૈલી હાલમાં છે, જેમાં નૃત્યકાર રંગમંચ પર આવા બોલ બોલે છે. તબલાંની સંગત સાથે તેની રજૂઆત થાય છે. આ રીતે વાચિક અભિનયનું એક મુખ્ય અંગ કથક દ્વારા હજુ સુધી જળવાઈ રહ્યું છે.

પરમલુની રચના પખવાજ, નગારાં, કરતાલ જેવાં વિવિધ વાદ્યોના અવાજ તથા નૃત્તના બોલના મિશ્રણમાંથી કરવામાં આવે છે તો પરન્ માત્ર પખવાજ પરના બોલ દ્વારા રજૂ થાય છે. વધતી લયકારી સાથે રજૂ થતી પરન્ની રચનાઓ અત્યંત જોશીલી અને અઘરી હોય છે.

કથકમાં તતકાર જેને ‘પૈર બજાના’ કહે છે તે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કથકની તાલીમ જ તતકારથી શરૂ થાય છે. આ માટે વર્ષો સુધી પગનાં તળિયાં, એડી અને પંજાનો રિયાજ જરૂરી બને છે.

ચક્રવાર અથવા ભ્રમરી કથક નૃત્યની એક વિશેષ કૃતિ છે જેમાં નર્તક અત્યંત વેગ સાથે ગોળાકાર ફરે છે અને પૂર્વવત્ સ્થિતિમાં આવે છે.

કથકમાં ભાવપ્રદર્શન બે રીતે થાય છે. એક છે ગતભાવ. ગત એટલે ગતિ. બીજા પ્રકારમાં નૃત્યકાર કોઈ પણ ગીત કે કાવ્યના શબ્દો સહિત ભાવ-પ્રદર્શન કરે છે. ગતભાવમાં જુદા જુદા પ્રકારની ચાલ હોય છે એટલે જ તેને ગતિ પર રચાયેલો ભાવ કહે છે. બેસીને ભાવ વ્યક્ત કરવાની કૃતિને અદા કહેવામાં આવે છે. કથક નૃત્યની લાક્ષણિકતા એ છે કે એક જ સ્થાન પર બેસીને એક જ લીટી ઉપર કલાકાર આખી રાત સુધી આંખો અને હાથ દ્વારા મૂક અભિનય કરી વિવિધ ભાવ પ્રદર્શિત કરી શકે છે. કથકમાં ઠૂમરી, દાદરા, ગઝલ, ભજન, તોડી જેવાં સંગીતનાં વિવિધ સ્વરૂપો પર અભિનય કરી શકાય છે. કથક નૃત્યમાં અભિનય માટે ‘ભાવ’ શબ્દ વપરાય છે. કથકમાં અભિનય નથી હોતો એ માન્યતા સાચી નથી. ખરી રીતે કથક નૃત્યમાં શાસ્ત્રીય રીતે જોતાં નૃત્ત, નૃત્ય અને નાટ્ય ત્રણેનો સમાવેશ થાય છે.

આધુનિક કથકમાં ભૂતકાળની પ્રણાલિકાઓ હજુ જળવાઈ રહી છે અને તેની તાલીમ વધારે વ્યવસ્થિત અને પદ્ધતિસર બની છે. આ ર્દષ્ટિએ કથક આજના જમાનાને અનુરૂપ બન્યું છે એમ કહી શકાય. તેની શૈલી અને રીતિ સર્વતોમુખી રહી છે, નહિ કે જડ અને ચીલાચાલુ. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના જુદા જુદા તબક્કાને તેણે સમાવ્યા છે જેને લીધે તેનું કલાત્મક સૌંદર્ય વધારે સમૃદ્ધ અને સભર બન્યું છે.

ભારતના ખ્યાતનામ કથક નૃત્યકારોમાં બિંદાદીન મહારાજ, અચ્છન મહારાજ, બિરજુ મહારાજ, લચ્છુ મહારાજ, શંભુ મહારાજ, સિતારાદેવી, કાલિકાપ્રસાદ, ગોપીકૃષ્ણ, કુમુદિની લાખિયા તથા શાશ્વતી સેનનો સમાવેશ કરી શકાય.

કુમુદિની લાખિયા