કચ્છનો અખાત : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત. કચ્છનો અખાત વોમાની ગામ આગળથી શરૂ થાય છે. તેની લંબાઈ 160 કિમી. અને મુખ આગળ પહોળાઈ 70 કિમી. છે, પણ મથાળા આગળ તે 12.8 કિમી. પહોળો છે. કંડલા, હંજસ્થળ અને નકટીની ખાડીઓ દ્વારા અખાતનું પાણી નાના રણમાં પ્રવેશે છે. કચ્છના અખાતની ઊંડાઈ કચ્છ કરતાં સૌરાષ્ટ્રના કિનારા તરફ વધારે છે. અખાતનું તળ સૌરાષ્ટ્ર તરફના ઢાળવાળું છે. ઓખા પાસે ભરતી 4.4 મીટર, નવનાર પાસે 5.87 મીટર અને મથાળા આગળ 6.05 મીટર આવે છે. કંડલા, તુણા, મુંદ્રા અને માંડવી બંદરો કચ્છના કિનારા ઉપર આવેલાં છે; જ્યારે નવલખી, જોડિયા, બેડી, સિક્કા, વાડીનાર, સલાયા, પિંડારા, લાંબા, ઓખા અને બેટ બંદરો સૌરાષ્ટ્રના કિનારે આવેલાં છે. ખારી રોહર જંગી, ભદ્રેશ્વર અને વવાણિયાનાં બંદરો કાંપથી પુરાઈ ગયાં છે. કિનારા નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના સમુદ્રમાં રોઝી, પીરોટન, દાંતિયો, શંખોદ્ધાર, ભડિયા, મોવાડા, પગાર, પરડ, આવજ, કારુંભર, ગંધિયા, પાનેરો વગેરે બેટ આવેલા છે. સૌરાષ્ટ્રના કિનારા નજીકના ટાપુઓ પરવાળાથી બનેલા છે. હલકી જાતનાં મોતી ઓખાથી જામનગર સુધીના દરિયામાંથી મળે છે. કચ્છના અખાતમાં 42 પરવાળાના બાધક ખરાબા આવેલા છે. તેને સ્થાનિક ભાષામાં કડા કહે છે અને તેનો વિસ્તાર 60,000 એકર છે. લાંબા નજીક સમુદ્રફીણ મળે છે. આ પદાર્થ સેપિયા માછલીના શરીરના અંદરનો ભાગ છે. તેનો ઉપયોગ દંતમંજન તથા કાનમાં પરુ આવતું હોય તો તે મટાડવા વપરાય છે. ઓખા નજીક સમુદ્રમાંથી શંખ અને મરેલી કાળુની છીપમાંથી મોતી મળે છે. કંસારા છીપ (windowpane oyster) મોતી આપે છે, તેને ફટકિયાં મોતી કહે છે. સિક્કામાં કૃત્રિમ રીતે મોતી મેળવવા માટેનો પ્રયોગ હાથ ધરાયો છે. કચ્છના અખાતમાં આવેલા ટાપુઓના ખડકો મૃત પરવાળાંના બનેલા છે અને સિમેન્ટ બનાવવા તથા બાંધકામમાં તેને ઉપયોગમાં લઈ શકાય તેમ છે. કચ્છના અખાત ઉપર આવેલાં તુણા, ઓખા, બેડી, સચાણા, જોડિયા, સરમત વગેરે મત્સ્ય ઉદ્યોગનાં કેન્દ્રો છે. ઓખામંડળના ચાંચિયાઓને કારણે 1825 સુધી વહાણવટું સલામત ન હતું. તેના રક્ષણ માટે ઓખા નજીક કચ્છીગઢમાં કચ્છના સર્વસત્તાધીશ ફતેહમહંમદ જમાદારે લશ્કરી થાણું રાખ્યું હતું.

શિવપ્રસાદ રાજગોર